Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

તહેવારના દિવસોમાં સાત લોકોની જિંદગીનો ઓચીંતો અંતઃ સ્વજનોની તહેવારની ખુશી શોકમાં પરિણમી

મવડી રામેશ્વર સોસાયટીના ૨૯ વર્ષના ગજેન્દ્ર સંઘાણી, સુકી સાજડીયાળીના ૪૭ વર્ષના ભરતભાઇ મકવાણા, સરદાર પાર્કના મુકતાબેન વેકરીયા, મોરબી રોડના સુરેન્દ્રભાઇ કુમાર, મવડીના વલ્લભભાઇ ભંડેરી, શકિત સોસાયટીના લીલાબેન ખુંટ અને જાગનાથના કશ્યપભાઇ કાપડીયાએ દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: નવા વર્ષના દિવસે જ અલગ અલગ ચાર બનાવમાં ચાર લોકોની જિંદગીની સફરનો ઓચીંતો અંત આવી ગયો હતો. જ્યારે ભાઇ બીજના દિવસે પણ બે લોકોના મૃત્યુ નિપજ્યા હતાં. તેમજ ચોથને દિવસે એક પરિવારના સ્વજને ઓચિંતી વિદાય લીધી હતી. સાતેયને અલગ અલગ સ્થળેથી અને અલગ અલગ સમયે  સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધાનું તબિબે જાહેર કરતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. આ બનાવથી સ્વજનોની તહેવારની ખુશી શોકમાં પરિણમી હતી.

મવડી ચોકડી રામેશ્વર સોસાયટી-૩માં રહેતાં ગજેન્દ્રભાઇ દેવરાજભાઇ સંઘાણી (ઉ.વ.૨૯) નામના પટેલ યુવાનને બેસતા વર્ષની સવારે ચારેક વાગ્યે છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તીબબે તેને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ગજેનદ્રભાઇના લગ્ન ચાર વર્ષ પહેલા હિરલબેન સાથે થયા હતાં. સંતાનમાં દોઢ વર્ષની દિકરી છે. પોતે મેટોડા કંપનીમાં નોકરી કરતાં હતાં.

બીજા બનાવમાં સરધારમાં સુકી સાજડીયાળી રોડ પર રહેતાં ભરતભાઇ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૪૭)ને નવા વર્ષના દિવસે સવારે છએક વાગ્યે છાતીમાં દબાણ થયા બાદ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરાયા હતાં. તેઓ બે બહેનના એકના એક ભાઇ હતાં. રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. જેણે પિતાનું છત્ર ગુમાવતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

ત્રીજા બનાવમાં મવડી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ સાવલીયા હોસ્પિટલ પાસે સરદાર પાર્કમાં રહેતાં મુકતાબેન રઘુભાઇ વેકરીયા (ઉ.૫૭) બેસતા વર્ષની સવારે છએક વાગ્યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ચોથા બનાવમાં મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં મુળ યુપીના સુરેન્દ્રભાઇ રાધેશ્યામભાઇ કુમાર (ઉ.૪૦) નવા વર્ષની સવારે ચારેક વાગ્યે બાથરૂમમાં ગયા ત્યારે એકાએક પરસેવો વળવા માંડતા અને બેભાન જેવા થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાયા હતાં. મૃતક મુળ યુપીના વતની હતાં અને અહિ કલરકામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવો અંગે તાલુકા પોલીસ, આજીડેમ પોલીસ અને બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી..

ભાઇબીજના તહેવારને દિવસે મવડી પ્લોટ શ્રી હરિ સોસાયટીમાં રહેતાં વલ્લભભાઇ ચનાભાઇ ભંડેરી (ઉ.વ.૫૫) કેન્સરની બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં એક પુત્ર છે. પોતે પણ પરિવારમાં એકના એક આધારસ્તંભ હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

અન્ય બનાવમાં ભાઇબીજની રાતે મોરબી રોડ શકિત સોસાયટી-૧૩માં રહેતાં લીલાબેન અશ્વિનભાઇ ખુંટ (ઉ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે ચોથને દિવસે જાગનાથ પ્લોટ અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતાં કશ્યપભાઇ પ્રતાપભાઇ કાપડીયા (લોહાણા) (ઉ.વ.૪૪) રાતે નવેક વાગ્યે ઘરે હતાં ત્યારે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ વેપાર કરતાં હતાં અને બે ભાઇ તથા એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

(12:28 pm IST)