Gujarati News

Gujarati News

News of Saturday, 29th October 2022

સાવરકુંડલા પાસે કારે રિક્ષાને ઉલાળતાં બગદાણા દર્શન કરીને આવી રહેલા રાજકોટના બળવંતભાઇ ટુંડીયાનું મોતઃ છને ઇજા

‘એક્‍સ એમએલએ' લખેલી કાર રોંગ સાઇડમાં આવી અથડાતાં રિક્ષા રોડ નીચે ખાડામાં ફેંકાઇ ગઇ : બગદાણાથી ઉંચા કોટડા દર્શન કરી ત્‍યાંથી પરત આવતી વખતે બનાવઃ કોઠારીયા સોલવન્‍ટમાં રહેતાં ૬૦ વર્ષિય વણકર વૃધ્‍ધે રાજકોટમાં અંતિમ શ્વાસ લીધાઃ તેમના પત્‍નિ જયાબેન સહિત બીજા છને ઇજાઃ અકસ્‍માત સર્જી કાર મુકી ચાલક ભાગી ગયો

તસ્‍વીરમાં અકસ્‍માત ગ્રસ્‍ત કાર અને ખાડામાં ફેંકાઇ ગયેલી રિક્ષા તથા મૃત્‍યુ પામનાર બળવંતભાઇ ટુંડીયા અને ઘાયલ પૈકીના સારવારમાં રહેલા જીવુબેન નજરે પડે છે

રાજકોટ તા. ૨૯: ભાઇબીજના દિવસે સાવરકુડલા-અમરેલી હાઇવે પર સાવરકુંડલાથી ચારેક કિ.મી. દુર એક્‍સ એમએલએ લખેલી વેગનઆર કારના ચાલકે રાજકોટના પરિવારની રિક્ષાને ઠોકરે લેતાં રિક્ષા રોડ નીચે ખાડામાં ખાબકતાં દેકારો મચી ગયો હતો. તેમાં બેઠેલા વણકર પરિવારના સાત લોકોને ઇજાઓ થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ પરિવારના મોભીનું મોત નિપજ્‍યું હતું. બગદાણા અને ઉંચા કોટડા ગામે પરિવારના લોકો બે રિક્ષા લઇ દર્શન કરવા ગયા હતાં. પરત આવતી વખતે એક રિક્ષાને અકસ્‍માત નડયો હતો. સ્‍વજનના કહેવા મુજબ કાર રોંગ સાઇડમાં ધસી આવી હતી અને રિક્ષાને ઉલાળી દીધી હતી.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટમાં ૨૫ વારીયામાં રહેતાં બળવંતભાઇ વિઠ્ઠલભાઇ ટુંડીયા (વણકર) (ઉ.૬૦), તેમના પત્‍નિ જયાબેન (ઉ.૫૫) તથા ભાણેજ હિતેષ અરજણભાઇ વાઢેર (ઉ.૩૦), હિતેષના માતા જીવુબેન અરજણભાઇ વાઢેર (ઉ.૫૫), તેમજ ગોૈતમ નથુભાઇ વેગડા (ઉ.૩૨), મહેન્‍દ્ર અજરણભાઇ વાઢેર  (ઉ.૩૩) તથા નટુભાઇ લવજીભાઇ વેગડા  તથા બીજા પરિવારજનો બે રિક્ષા મારફત બગદાણા દર્શને ગયા હતાં. ત્‍યાં દર્શન કરી બધા ઉંચા કોટડા આવ્‍યા હતાં અને અહિથી ભાઇબીજના દિવસે દર્શન કર્યા બાદ રિક્ષા નં. જીજે૦૩બીએક્‍સ-૨૫૬૦માં બેસી રાજકોટ આવવા નીકળ્‍યા હતાં.

રિક્ષા હિતેષભાઇ ચલાવી રહ્યો હતો. સાવરકુંડલાથી ચારેક કિ.મી. દૂર હાઇવે પર પહોંચ્‍યા ત્‍યારે એકસ એમએલએ ગુજરાત લખેલી જીજે૧૪બીએ-૪૨૯૯ નંબરની વેગનઆર કારના ચાલકે રિક્ષાને ઉલાળતાં રિક્ષા રોડ નીચે ખાડામાં ખાબકતાં બુકડો બોલી ગયો હતો અને અંદર બેઠેલા તમામને ઇજાઓ થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ બળવંતભાઇ ટુંડીયાનું મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જ્‍યારે તેમના પત્‍નિ જયાબેન સહિતનાને સારવાર માટે દાખલ કરાયા હતાં. મૃત્‍યુ પામનાર બળવંતભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પુત્ર દિલીપભાઇએ જણાવ્‍યું હતું કે અમે બીજી રિક્ષામાં હતાં. મારા પિતા જે રિક્ષામાં હતાં તેની સાથે અથડાયેલી વેગનઆર રોંગ સાઇડમાં ધસી આવી હતી. તેમાં એક્‍સ એમએલએ ગુજરાત લખેલુ હતું. તેનો ચાલક સહિતના કારમાંથી ઉતરી કાર મુકી ભાગી ગયા હતાં. કારમાં પણ નુકસાન થયુ઼ હતું. રાજકોટ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવ અંગે અમરેલી પોલીસને જાણ કરી હતી.

(12:11 pm IST)