Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમની સેવાયાત્રાના રર વર્ષ પૂર્ણ

અમે તો બરફના પંખી, થોડા ઉષ્મા આપો તો પીગળીએ : હવાઇ અને દરીયાઇ મુસાફરી દ્વારા રર વર્ષમા માવતરોને અનેક તીર્થસ્થાનોના દર્શન કરાવ્યાઃ ૧૭૧ સેવકો દ્વારા સેવા પ્રવૃતિઓનો ધમધમાટ

રાજકોટ તા. ર૮ : ઢોલરા ગામ સ્થિતિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી 'દીરાનું ઘર' તેના વડીલ વંદના અને શ્રવણરૂપી અવિરત સેવાયાતના રર વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. 'દીકરાનુ ઘર' વૃદ્ધાશ્રમની આ સેવા બે દાયકાની સફરની આછેરી માહિતી આપતા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મુકેશ દોશી, મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, વલ્લભભાઇ સતાણી, નિદતભાઇ બારોટ અને અનુપમ દોશીએ જણાવ્યું છે કે બરાબર આથી રર વર્ષ પહેલા ભેગા થયેલા અમારા જેવા આંગળીના વેઢે ગણી શકાય તેવા ચુનંદા તરવરાટ અને સમાજ માટે કાંઇક કરી છુટવાની ભાવના સાથે સમાજને અર્પણ કરવાના એકમાત્ર આશયથી ભેગા થયેલા નવયુવાનોએ ધરતીપુત્રોના ઐતિહાસિક ગામ ઢોલરા ખાતે 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમની શરૂઆત કરી હતી આ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ કળીયુગની સંતાનોથી દુભાયેલા, તરછોડાયેલા વડીલ માવતરો તેમજ જેમને સંતાન નથી અથવા તો સંતાનમાં માત્ર પુત્રીઓ છે અને જેમની પાછોતરી જિંદગી નિરાધાર અને નિઃસહાય બની શકે તેમ હતી તેવા માતા-પિતાઓ આજે છેલ્લા રર વર્ષથી આનંદ કિલ્લોથી એક સાથે અનેક સંતાનો અને શહેર શ્રેષ્ઠીઓ, દાતાઓની હુંફ અને લાગણી સાથે જિંદગીનો આ સ્વાદ માણી રહ્યા છે.

'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમની વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપતા સંસ્થાના સુનીલ વોરા, નલીન તન્ના, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા, હરેશ પરસાણા તથા ઉપેનભાઇ મોદીએ જણાવ્યું હતું કે 'દીકરાનું ઘર' વૃદ્ધાશ્રમની છેલ્લા રર વર્ષમાં છ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેમાં વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના ગુજરાત રાજયના તાત્કાલીન મૂખ્યમંત્રીઓ, વિવિધ રાજયના ગવર્નરો, સાધુ-સંતો, મહાસતીજીઓ, સાધ્વીજીઓ, વિદેશી પર્યટકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વડીલ માવતરોની ભાવવંદના સાથે પશુ-પક્ષીઓનું હરતું ફરતું અન્નક્ષેત્ર કલરવ દર વર્ષે શહેરની વિશિષ્ટ પ્રતિભાઓને ગામડી એવોર્ડથી સન્માન, ગરીબ નિરાધાર બાળકો માટે શૈક્ષણિક શિષ્યવૃતિ, થેલેસેમિક બાળકો માટે રકતદાન કેમ્પ, સાયકલ વિતરણ, આનંદ મેળો, પિતાની છત્રછાયા ગુમાવી દીધેલ નિરાધાર અને અનાથ દીકરીઓનો છેલ્લા બે વર્ષથી અતિભવ્ય લગ્નોત્સવ ''વહાલુડીના વિવાહ''નું આયોજન, ગરીબ વિધવા બહેનોને સિલાઇ મશીન વિતરણ, વિવિધ તહેવારોમાં મીઠાઇ તથા અનાજની કીટનું વિતરણ વિ. સેવા અવિરત ચલાવવામાં આવી રહી છે. ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમની વિશેષ માહિતી આપતા અશ્વિનભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ, સુનીલ મહેતા, પ્રવિણ હાપલીયા, રાકેશ ભાલાળ, પ્રજ્ઞેશ પટેલ સહિતના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું છે કે રર વર્ષની સેવાયાત્રા દરમિયાન ઢોલરા સ્થિત માનવતરોને હવાઇ મુસાફરી, દરીયા મુસાફરી દ્વારા ભારત ભરના તીર્થસ્થાનોની દાતાઓના સહયોગથી છ જાત્રા કરાવવામાં આવી છે. ''દીકરાનું ઘર''માં રહીને અવસાન પામેલા માવતરોના મોક્ષાર્થે રાજકોટ અને હરદ્વાર ખાતે બે ભવ્ય ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ. ''દીકરાનું ઘર''ના ૧૭૧ થી વધુ કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તમામ પરંપરાગત તહેવારોની નોખી-અનોખી ઉજવણી કરવામાં આવે છે.

સંસ્થાના મહિલા કમિટિના સભ્યો ચેતનાબેન પટેલ, ગીતાબેન પટેલ, ભાવનાબેન મહેતા, અરૂણાબેન વેકરીયા, નીશા મારૂ, કાશ્મીરા દોશી, પ્રિતી વોરા, રાજીબેન જીવાણી, કલ્પનાબેન દોશી, અલ્કાબકેન પારેખ, વર્ષાબેન આદ્રોજા, કિરણબેન વડગામા, ગીતાબેન વોરાએ વધુમાં જણાવ્યું છે કે સંસ્થામાં રહેતા મોટા ભાગના માવતરોને તંત્રના સહયોગથી મા અમૃતમ કાર્ડથી તેમજ સરકાર દ્વારા મળતા માસિક પેન્શનથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન તમામ માવતરોની લગભગ પ થી વધુ આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે.

સંસ્થાના સંસ્થાપક મુકેશ દોશી, હરેન મહેતા તથા ધર્મેશ જીવાણીએ જણાવ્યું છે કે ''દીકરાનું ઘર'' ર૪ કલાક મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે, સંસ્થામાં રહેતા માવતરો પાસેથી કોઇપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવતો નથી. માત્ર દાતાઓના દાનથી આ સંસ્થા છેલ્લા રર વર્ષથી ચાલતી હોવાનું સંસ્થાના મુકેશ દોશી-૯૮રપ૦ ૭૭૭રપ, સુનીલ વોરા-૯૮રપર ૧૭૩ર૦, નલીન તન્ના-૯૮રપ૭ ૬પ૦પપ અને અનુપમ દોશી-૯૪ર૮ર ૩૩૭૯૬ એ યાદીના અંતમાં જણાવ્યું હતું.

(4:01 pm IST)