Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજકોટ જીલ્લાના ૨૨૦ સેન્ટરોમાં કોરોના વાયરસ ટેસ્ટીંગની સુવિધા

રાજકોટ જિલ્લામાં કોરોના મહામારી અટકાયત માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા વિવિધ પગલાઓ ભરવામાં આવી રહેલ છે. પરંતુ આ રોગ અટકાયત માટે વહેલું નિદાન અને સમયસરની સારવાર ખુબજ અગત્યની છે. જે ધ્યાને લઈ જીલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લામાં કુલ ૫૯૩ ગામો પૈકી ૧૪૨ ગામોમાં હેલ્થ અને વેલનેશ સેન્ટર ખાતે, ૫૪ પ્રા.આ.કે. ખાતે અને ૧ર મોટા ગામમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે, કોરોના ટેસ્ટની વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. જયારે શહેરી વિસ્તારમાં નગરપાલિકાઓમાં ૭ અર્બન હેલ્થ સેન્ટર અને પ સરકારી હોસ્પટિલ ખાતે કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ઉપરોકત તમામ સેન્ટરો ખાતે કોરોના જેવા લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ જણાતી હોય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટ કરાવી લેવા. જો કોઈ વ્યકિતને કોરોનાના સામાન્ય લક્ષણો હોય અને ટેસ્ટ પોઝિટિવ આવશે તો આરોગ્યની ટીમ દ્વારા સારવાર અને હોમ આઈસોલેશનમાં રહેવા, તથા ઘરમાં રહી કઈ કઈ કાળજી લેવી તે અંગે સમજ આપવામાં આવશે. તેમાં છતાં કોઈ પણ જાતની કોરોના સબંધિત જાણકારી માટે ગુજરાત સરકારશ્રી કોરોના અંગેની હેલ્પ લાઇન નં.૧૦૪ ઉપર ફોન કરવો.

આ સેવાનો લાભ લઈ વહેલું નિદાન કરાવી વહેલી સારવાર શરૂ કરાવવા માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા દ્વારા જિલ્લાના તમામ ગ્રામજનો ને અપીલ કરવામાં આવે છે.

(3:12 pm IST)