Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજકોટમાં કોરોનાના કેસ ઘટાડવાનું લોકોના હાથમાં જ છે, સાવધાની અને તકેદારી રાખોઃ ડો. પંકજ બુચ

પીપીઇ કિટમાં પડતાં પરસેવાનું ઋણ ચુકવવા માસ્ક બાંધોઃ નાક નીચે લટકતું નહિ, નાક-મોઢુ બંને ઢંકાય એ રીતે બાંધોઃ બહાર હોવ તો ખિસ્સામાં સેનેટાઇઝર રાખો : શરીરમાં થોડી પણ તકલીફ હોય તો ખોટો આત્મવિશ્વાસ રાખ્યા વગર ટેસ્ટ કરાવોઃ ડો. કમલ ડોડીયા

રાજકોટ તા. ૨૮ : તમે આખો દિવસ માસ્ક બાંધો છો, પણ લોકોની વચ્ચે કામના સમયે થોડો સમય પણ નાકની નીચે માસ્ક લટકતું રહે તો તેનો કોઇ અર્થ નથી. કોણ કયારે છિંક કે ઉઘરસ ખાશે તે નક્કી નથી હોતું એસીપ્ટેમીક વ્યકિતને શરૂઆતના દિવસોમાં પોતે કોરોના પોઝીટીવ છે તેનો ખ્યાલ નથી હોતો આમ માસ્કને નાક નીચે બાંધનાર પોતે જોખમ વ્હોરે છે. અને બીજા માટે પણ જોખમી બને છે. રાજકોટના શહેરીજનો જાગૃત છે. કોરોનાના કેસોમાં ઘટાડો કરવાનું લોકાના પણ હાથમાં છે. માત્ર આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે. રાજકોટમાં જો એક-એક નાગરીક પોતે પુરતી સાવધાની અને તકેદારી રાખે તો ધારણા કરતા સારા પરીણામો મળશે તેમ રાજકોટ PDU હોસ્પિટલના અધિક્ષક તબીબ ડો. પંકજ બુચે જણાવ્યું હતું.

શહેરમાં ઘણા લોકો માત્ર નાક નીચે લટકતું માસ્ક રાખે છે. કેટલાક તો બીજાને માસ્કમાં જોઇને પોતે માસ્ક નાક ઉપર ચડાવે છે. માસ્ક દોરીથી ઉતારવાના બદલે આગળથી પકડીને ઉતારી લે છે અને ખાવાની વસ્તુ સીધી જ મોંમા નાંખે છે. જે લાપરવાહિ છે. કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી-સાવધાનીની ૧૦૦ ટકા જરૂર છે તેમ જણાવતાં ડો. બુચ જણાવે છે કે જેઓ સતત એલર્ટ છે, સાવધાની રાખે છે અને સંક્રમિત ન થાય તે માટે સાવધ છે તેને ચેપ લાગતો નથી. બહાર હો તો ખિસ્સામાં સેનેટાઝર રાખો. કોરોનાકાળના પ્રારંભના માર્ચ-એપ્રીલ મહિનામાં આપણે શાકભાજી સહિત વસ્તુઓ ઘરમાં આવે તો તુરંત સાફ કરતા, વારંવાર હાથ ધોતા, માસ્ક ઉતારતા પહેલાં વિચાર કરતા... આવી સાવધાનીની હકીકતમાં અત્યારે જરૂર છે. ઘણા પરિવારોમાં આ જાગૃતિ છે. તેનો વ્યાપ વધારવાની જરૂર છે.

કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તબીબો અને નર્સો સહિત સ્ટાફ દિવસ-રાત જોયા વગર, થાકયા વગર જાનના જોખમે જાણે અથાગ તપશ્ચર્યા કરે છે. ત્યારે PPE કીટમાં પડતા પરસેવાનું ઋણ રાજકોટવાસીઓ વધારે સાવધાની રાખીને સાવચેત રહીને ચુકવી ન શકે ? આ એક સામાજિક દાયિત્વનું પણ કામ છે.

છેલ્લા પાંચ-છ મહિનાના કોરોના કાળના અનુભવ પરથી એટલું તો સ્પષ્ટ થયું જ છે કે સાવધાની-સાવચેતીનું પરિણામ તો આવે જ છે, એમPDU હોસ્પિટલનમાં ડીસ્ચાર્જ વિભાગના ડો. કમલ ડોડીયાએ પણ જણાવ્યું હતું. રાજકોટમાં લોકોની જાગૃતિ થકી કોરોનાના કેસો ઘટી શકે છે. લોકો સાવચેતીના સઘન પગલા લઇ, શરીરમાં થોડી પણ તકલીફ હોય તો ખોટો આત્મવિશ્વાસ રાખ્યા વગર, કોઇની વાતમાં આવ્યા વગર ટેસ્ટ કરાવે તો શરૂઆતના જ તબક્કે જ શરીરમાં વાયરસને ફેલાતો અટકાવી શકાય છે અને વ્યકિત સંક્રમીત થાય તે પહેલા આઇસોલેટ થતાં અન્યોને ચેપ નહીં લાગે એ રીતે વહેલુ નિદાન પોતાના માટે અને સોસાયટીના હિતમાં છે.

(3:04 pm IST)