Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રંગ છે... રાજકોટને... કોરોના સાથે જીવતા શીખી લીધુ

નવેમ્બર - ડિસેમ્બરમાં પ્રસંગોની રમઝટ : કોમ્યુનિટી હોલના બુકિંગ ફૂલ

વધુ ત્રણ કોમ્યુનિટી હોલનું સંચાલન ખાનગી સંસ્થાને અપાયુ : ૯ હોલના સંચાલનની મુદ્દત વધારી દેવાઇ

રાજકોટ તા. ૨૮ : કોરોના કાળમાં સતત ત્રણ મહિનાનું લોકડાઉન ત્યારબાદ પ્રસંગો ઉજવવા પર પ્રતિબંધ વગેરે જેવી અત્યંત અસહ્ય મુશ્કેલીઓ બાદ હવે ધીમેધીમે કોરોના સાથે જીવવાની આદત લોકોમાં કેળવાતી જાય છે. તંત્ર પણ કોરોના સામે સાવધાની સાથે લોકો પોતાના પ્રસંગો ઉજવી શકે તે માટે હવેથી પ્રસંગો ઉજવવાની છૂટ આપી રહ્યું છે. જેના ભાગરૂપે મ્યુ. કોર્પોરેશનના વિવિધ કોમ્યુનિટી હોલનાં બુકીંગ શરૂ થયા છે અને નવેમ્બર - ડિસેમ્બરમાં ૧૨ જેટલા હોલનું ૧ થી ૮ દિવસ માટે બુકીંગ થયાનું નોંધાયું છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારની છૂટછાટ બાદ મ.ન.પા. દ્વારા કોમ્યુનિટી હોલના બુકીંગ શરૂ કરી દેવાયા છે.

માત્ર ઓનલાઇન પધ્ધતિથી જ હોલ બુકીંગ પ્રસંગની તારીખના ત્રણ મહિના અગાઉ થઇ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ઓકટોબર મહિનામાં હોલનું બુકીંગ કોઇએ હોલ બુક નથી કરાવ્યો પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરમાં ૧૨ જેટલા કોમ્યુનિટી હોલના બુકીંગ થઇ ગયા છે. જેમાં ૧ દિવસ, ૩ દિવસ, ૫ દિવસ, ૭ દિવસ અને ૮ દિવસ એ પ્રમાણે બુકીંગ ફુલ છે.

નોંધનિય છે કે નવેમ્બર મહિનાની અંતિમ તારીખો ૨૮, ૨૯, ૩૦માં બુકીંગ થઇ ગયા છે. એટલે કે આ તારીખોમાં લગ્ન પ્રસંગ, સગાઇ વગેરેના મુહુર્તો વધારે હોવાનું ફલીત થયું છે.

તેવી જ રીતે ડિસેમ્બર મહિનાના પ્રારંભની તા. ૧, ૨, ૩, ૭, ૮, ૯, ૧૦ આ તારીખોમાં હોલનું બુકીંગ થયું છે. આથી ડિસેમ્બરના પ્રારંભમાં શુભ મુહુર્તો છે. આમ, હવે રાજકોટવાસીઓએ કોરોના સંક્રમણ વચ્ચે પણ સાવચેતી - સાવધાની રાખીને પ્રસંગો ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

કોમ્યુનિટી હોલનું સંસ્થાઓ દ્વારા સંચાલન

દરમિયાન તાજેતરમાં મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં ૯ જેટલા અગાઉ જ કોમ્યુનિટી હોલનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યું હતું. તેના સંચાલનની મુદ્દત વધારવામાં આવે છે. જ્યારે અન્ય ત્રણ કોમ્યુનિટી હોલ કે જે અત્યાર સુધી મ્યુ. કોર્પોરેશન પોતે સંભાળતું હતું તેનું સંચાલન પણ ખાનગી સંસ્થાને સોંપવા ઠરાવ થયો હતો.

(3:01 pm IST)