Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

વેદાંત ઉપરાંત જેમાં કોવિડની સુવિધા નથી તેવી શુભમ્ હોસ્પિટલના નામે પણ બોગસ બીલ બન્યા!

કોવિડમાં ઉપયોગી ઇન્જેકશનના ખોટા બીલ બનાવી ગોલમાલઃ વેપારી અને એમઆરને ક્રાઇમ બ્રાંચે પકડાયાઃ મોટી ટાંકી પાસે ડો. કોઠીયાની હોસ્પિટલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી તપાસમાં આવ્યા ત્યારે ખબર પડી કે પોતાના નામે બારોબાર ૪.૫૪ લાખના ઇન્જેકશન ખરીદી લેવાયા છેઃ વેપારી સચીન પટેલ અને એમ.આર. રજનીકાંત ફળદુની વિશેષ પુછતાછ

રાજકોટ તા. ૨૮: કોવિડની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેક ઇન્જેકશનની હાલની કોરોના મહામારીમાં વધુ જરૂર હોઇ ફાર્માસ્યુટિક કંપનીના સંચાલક અને એક એમ.આર.એ મળી આવા રૂ. ૪,૫૪,૪૦૦ના ૧૧૦ ઇન્જેકશન ગમે ત્યાંવધુ ભાવે કે પછી બીજી કોઇ રીતે વેંચી દઇ તેના ખોટા બીલ વેદાંત હોસ્પિટલના નામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં રજૂ કરી દેતાં આ વિભાગે હોસ્પિટલમાં તપાસ કરતાં ભાંડો ફૂટતાં ડીસીબી પોલીસને જાણ કરતાં ગુનો નોંધી બંનેને પકડી લેવાયા છે.   એટલુ જ નહિ જેમાં કોવિડની સુવિધા નથી તેવી શુભમ્ હોસ્પિટલના પણ ખોટા બીલ બનાવ્યાનું સામે આવ્યું છે!

આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં આમ્રપાલી પાછળ સુભાષનગર-૪ અલીના એપાર્ટમેન્ટમાં રહેતાં અને મોટી ટાંકી ચોક જીગર પાનવાળી શેરીમાં ડો. પારસ શાહ સાથે વેદાંત હોસ્પિટલ ચલાવતાં ડો. અનવરભાઇ અબ્બાસભાઇ કોઠીયા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી નાનામવા રોડ વિવિધ કર્મચારી સોસાયટી પ્લોટ નં. ૨૪માં રહેતાં થીઓસ ફાર્માસ્યુટીકલના સંચાલક સચીન હરેશભાઇ પટેલ (ઉ.વ.૩૦) તથા મવડી બાયપાસ સંસ્કાર એવન્યુ એ-૧૦૪માં રહેતાં એમઆર રજનીકાંત પરષોત્તમભાઇ ફળદુ (પટેલ) (ઉ.વ.૨૯) સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ કોવીફોર-૧૦૦ એમજી ઇન્જેકશનોના કાળાબજાર કરવા કે અન્ય કોઇ કારણોસર રૂ. ૪,૫૪,૪૦૦ના ૧૧૦ ઇન્જેકશનનું વેદાંત હોસ્પિટલના નામે ખોટુ બિલ બનાવી બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી આ ખોટા બીલ રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં સાચા તરીકે રજૂ કરી કોૈભાંડ આચરવાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

ડો. એ. બી. કોઠીયાએ પોલીસને જણાવ્યું હતું કે ૨૭/૯ના રોજ અમારી વેદાંત હોસ્પિટલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી તપાસમાં આવ્યા હતાં અને નાના મવા રોડના થિઓસ ફાર્માસ્યુટિકલ મારફત તમને ૦૧/૦૯/૨૦ના રોજ રૂ. ૧૩,૪૪૦૦ના કોવીફોર-૧૧ ઇન્જેકશન નંગ ૩૦, તા. ૦૫/૯ના રોજ રૂ. ૩,૨૦,૦૦૦ના ઇન્જેકશન નંગ-૮૦ વેંચવામાં આવ્યા છે તેની ખરીદીના બીલ થિઓસ તરફથી અમને રજૂ કરાયા છે. જે બાબતે ખરાઇ કરવાની છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ આ વાત કરતાં હું ચોંકી ગયો હતો. કારણ કે અમે કોઇપણ પ્રકારના આવા ઇન્જેકશન થિયોસના સંચાલક પાસે મંગાવ્યા નહોતાં. અમે ૨૩/૦૯/૨૦ના રોજ કોવિડના દર્દીઓને આપવા માટેના ૭૨ ઇન્જેકશન રૂ. ૧૨,૫૬,૪૪૨ મોટી ટાંકી ચોકની ન્યુ આઇડિયલ એજન્સીમાંથી લીધા હતાં. તેના બિલ પણ રજૂ કર્યા હતાં.

જેથી અમને ખબર પડી હતી કે અમારી હોસ્પિટલના નામે ઇન્જેકશનના ખોટા બીલ બન્યા છે. ડીસીબી પોલીસે ડો. કોઠીયાની ઉપરોકત માહિતીને આધારે ગુનો નોંધી થિઓસના સંચાલક સચીન પટેલને દબોચ્યો હતો. તેની પુછતાછ થતાં તેણે આ ઇન્જેકશન ઝાયડસ કેડિલા કંપનીના સોૈરાષ્ટ્રના એમ.આર. રજનીકાંત પટેલ મારફત મંગાવ્યા હોવાનું કબુલતાં તેને પણ સકંજામાં લેવાયો હતો. આ બંનેએ ઇન્જેકશનનો જથ્થો વેદાંતના નામે બારોબાર કાળાબજારમાં વેંચી નાંખ્યો કે કેમ? તેની તપાસ થઇ રહી છે. ડો. કોઠીયાએ ક્રાઇમ બ્રાંચને જણાવ્યું હતું કે માત્ર પોતાની જ નહિ પરંતુ ડો. ગોૈરાંગ બુચની શુભમ્ હોસ્પિટલના નામે પણ ઇન્જેકશનના ખોટા બીલો બનાવાયા છે. આ હોસ્પિટલમાં તો કોવિડની સારવાર પણ થતી નથી.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં આ કામગીરી પણ પીએસઆઇ વી. જે. જાડેજા તથા ટીમના એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. અમીનભાઇ ભલુર, વિરેન્દ્રસિંહ જાડેજા અને હિરેન્દ્રસિંહ પરમારે કરી હતી.

(11:50 am IST)