Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

૧લી ઓકટોબરથી મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન : ૨૧મીથી મગફળી ખરીદી

રાજકોટ જિલ્લા કલેકટરને સંપૂર્ણ જવાબદારી : ટેકાનો ભાવ મણનો ૧૦૫૫ : દરેક યાર્ડ ઉપર ખરીદી થશે : ખરીદી અંગે કલેકટર સહિત ૧૨ અધિકારીઓની કમિટિ : યાર્ડો ઉપર ડે. કલેકટર - મામલતદાર - નોડલ ઓફિસરો : ખરીદી ૯૦ દિવસમાં પૂરી કરવાની : ખેડૂત પાસેથી ૧ દિ'માં ૨૫૦૦ કિલો મગફળી લેવાશે : સીસીટીવી કેમેરા - ગોડાઉન કન્ટ્રોલ રૂમ - પરીવહન - મોનીટરીંગ - હેલ્પલાઇન સહિત કુલ ૨૨ મુદ્દાઓ અંગે આદેશો કરાયા

રાજકોટ તા. ૨૮ : રાજ્યના પૂરવઠા નિગમે રાજકોટ જિલ્લા કલેકટરને ગઇકાલે તાકિદનો પત્ર પાઠવી, મગફળી ખરીદી અંગે બે ડઝન જેટલા મુદ્દાઓ અંગે સૂચના જારી કરી છે.

આપેલ સૂચના મુજબ વાવેતર - ઉત્પાદનના આધારે જિલ્લાના દરેક માર્કેટ યાર્ડો ઉપર ખરીદ કેન્દ્રો ઉભા કરવા અને જરૂર જણાયનો એક કરતા વધુ કેન્દ્રો રાખવા.

આ વર્ષે મગફળી ખરીદીનો ટેકાનો ભાવ એક મણના ૧૦૫૫ જાહેર થયા છે, આ ભાવે ખરીદી કરવાની રહેશે અને જથ્થો ભારત સરકારના નિયમો મુજબ ફેરએવરેજ કવોલિટી મુજબ ખરીદ કરવાનો રહેશે.

દરેક ખેડૂત પાસેથી ૨૫૦૦ કિલો ખરીદ કરી શકાશે, ખેડૂતોની નોંધણી ૧ ઓકટોબરથી શરૂ કરાશે અને ૨૦ ઓકટોબર છેલ્લી તારીખ રહેશે, એનઆઇસી પોર્ટલ ઉપર ખરીદ કરવાની સૂચના આપી છે.

૨૧ ઓકટોબરથી ખરીદી શરૂ થશે અને ૯૦ દિવસમાં પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

ખેડૂતોની નોંધણી પ્રક્રિયા દરેક માર્કેટ યાર્ડ ખાતે તથા ગામડા કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર મારફત નોંધણી કરવાની રહેશે.

યાર્ડ ખાતે કોમ્પ્યુટર - પ્રિન્ટર, ઇન્ટરનેટ ફેસેલીટી ડેટા એન્ટ્રી ઓપરેટરની વ્યવસ્થા કરવા તેમજ ખરીદ કરવામાં આવનાર મગફળી જથ્થાની પરિવહન માટે ટેન્ડર પ્રથા હાથ ધરાઇ છે, રાજકોટ જિલ્લાનો ઇજારો હવે ફાઇનલ થશે, અને આ ઇજારામાં મજૂરીકામની કામગીરી પણ આવરી લેવાઇ છે.

ખરીદ થયેલ મગફળી યાર્ડથી ૩૦ કિ.મી. દૂરની ત્રીજ્યામાં સ્ટેટ વેર હાઉસીંગ કોર્પોરેશનના ગોડાઉનમાં રાખવાનો રહેશે, ખેડૂતોને મગફળીનું ચુકવણુ જિલ્લા કક્ષાએ થશે, આ માટે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીને જવાબદારી સોંપાઇ છે, અને ચાર્ટડ એકાઉન્ટન્ટની ટીમ કાર્યરત રહેશે.

યાર્ડ ખાતે ૯૦ દિવસ માટે સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવાયા છે, કલેકટરને જવાબદારી સોંપાઇ છે, અને તેનું ભાડુ પુરવઠા નિગમ કરશે.

હાલ સ્ટાફની અછત હોય, તેમજ કોરોનામાં સ્ટાફ રોકાયેલો હોય, કલેકટરને દરેક યાર્ડ - ખરીદ કેન્દ્ર દીઠ કલાસ વન અધિકારી સહિત કુલ ૫ કર્મચારીની નિમણુંક અન્ય સરકારી કચેરીના સ્ટાફ મારફત કરવા સૂચના અપાઇ છે.

દરેક ખરીદ કેન્દ્ર ઉપર ડે.કલેકટર અને મામલતદાર, નોડલ ઓફિસર રહેશે. આ ઉપરાંત પીઆઇ, પીએસઆઇની સ્કોડ રહેશે, સતત ચેકીંગ કરવા, કાયદો - વ્યવસ્થા જાળવવા પણ આદેશો થયા છે.

રાજકોટ જિલ્લા માટે ડીએસઓના માર્ગદર્શન હેઠળ ખરીદ મોનીટરીંગ સેલ ઉભુ કરવા, ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન - કન્ટ્રોલરૂમ શરૂ કરવા પણ સૂચના અપાઇ છે.

મગફળીની ખરીદીની  પ્રક્રિયા માટે ખાસ કમિટિ

મગફળીની ખરીદીની પ્રક્રિયા માટે રાજકોટ જિલ્લા માટે ખાસ કમિટિ ઉભી કરાઇ છે, જેમાં જિલ્લા કલેકટર - અધ્યક્ષ ઉપરાંત, ડીડીઓ, ડીએસપી, એડીશ્નલ કલેકટર, ડીએસઓ, આરટીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા રજીસ્ટ્રાર, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ મુકાયા છે.

ખરીદ કેન્દ્રો ઉપર કોરોના સ્થિતિ જોતા, માસ્ક - સેનેટાઇઝર - સોશ્યલ ડીસ્ટન્સીંગનું ફરજીયાત પાલન કરવા અંગે પણ આદેશો થયા છે.

(10:01 am IST)