Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

પહેલીવાર રાજકોટમાં ગરુડ ગરબીનું આયોજન નહીં થાય

૧૨૫ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત રદ્દ : કોરોનાકાળમાં નવરાત્રીના આયોજનમાં લોકોની વધારે ભીડ એકઠી થવાથી વધારે કોરોના સંક્રમણ ફેલાવવાનો ડર

ગાંધીનગર,તા.૨૭ : કોરોના વાયરસના કારણે આ વર્ષે રૂપાણી સરકારે રાજ્ય કક્ષાનો નવરાત્રીના મહોત્સવ ન યોજવાનો નિર્ણય કર્યો છે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસથી આ વર્ષે નવરાત્રીને પણ અસર થઈ રહી છે. મોટાભાગના પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થાય તેવી શક્યતા નહીવત છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવી રાજકોટની ગરુડ ગરબીનું આ વર્ષે પહેલીવાર આયોજન નહીં કરવામાં આવે. ગુજરાતમાં ખાસ કરીને રાજકોટ શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને જોતા આ વર્ષે નવરાત્રીમાં ૧૨૫ વર્ષોના ઈતિહાસમાં પહેલીવાર આયોજન નહીં કરાય. ગરુડ ગરબી રાજકોટ શહેરની સૌથી પ્રાચીન ગરબી છે. શહેરના રામનાથપરા ચોકમાં ૧૨૫ જેટલા વર્ષોથી યોજાતી આ ગરબીમાં અઠંગો, ટિપ્પણી રાસ, મણિયારો અને બેડારાસ જેવા અવનાવા રાસ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. આ ગરબી ઈતિહાસ પર નજર કરીએ તો, લાખાજીરાજ બાપુના હસ્તે તેની શરૂઆત કરાઈ હતી.

             તે સમયે દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે તેવી માન્યતાના આધારે લાકડાનું ગરુડ બનાવાયું હતું. ગરબીમાં દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરેલી બાળકીઓ બેસતી અને ગરુડ નીચે ઉતરતું હતું. આઝાદી પહેલા શરૂ થયેલી આ ગરબીનું અર્વાચીન રાસોત્સવ વચ્ચે પણ અસ્તિત્વ ટકી રહ્યું છે. દરવર્ષે ગરબીને નિહાળવા હજારોની સંખ્યામાં લોકો આવતા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં નવરાત્રીના આયોજનમાં લોકોની વધારે ભીડ એકઠી થવાથી વધુ સંક્રમણ ફેલાવવાનો ડર હતો. જેના પગલે તબીબોથી માંડીને ઘણા ગુજરાતી લોકોએ નવરાત્રીનું આયોજન ન કરવા અંગે પોતાને સૂચનો આપ્યા હતા. જે બાદ રૂપાણી સરકારે ૧૭થી ૨૫ ઓક્ટોબર દરમિયાન રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજાય તેવી જાહેરાત કરી હતી.

(7:34 pm IST)