Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

રાજકોટના મહત્વના સ્થળો પર સુરક્ષાના સજ્જડ બંદોબસ્ત ગોઠવવા પોલીસ કમિશનરનો આદેશ

નવાગામ એલપીજી પ્લાન્ટ, જામનગર રોડ આઇઓસી-બીપીસી ઓઇલ ડેપો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મોલ્સના અધિકારીઓ-સંચાલકોને આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવા સુચના

રાજકોટ તા. ૨૮: સરહદ પર પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે આજે રાજકોટના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા શહેરના મહત્વના સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ કરી ચાંપતી નજર રાખવા સુચના આપવામાં આવી હતી. આજે પોલીસ કમિશનર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલમાં વાઇટલ ઇન્સ્ટોલેશન જેવા કે નવાગામ એલપીજી પ્લાન્ટ, જામનગર રોડ સ્થિત ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ કંપનીના ઓઇલ ડેપો, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મોલ્સના સંચાલકો અને અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજા, મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) શ્રી જયદિપસિંહ સરવૈયા, એસઓજીના પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ એચ. એમ. રાણા સહિતના પોલીસ અધિકારીગણ આ બેઠકમાં જોડાયા હતાં.

ઉપસ્થિત અધિકારીઓ અને મોલના સંચાલકોને તમામે તમામ વ્યકિત પર નજર રાખવા સુચના આપવામાં આવી હતી. હાઇ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા, ખાનગી સિકયુરીટી ગાર્ડ (હથીયારી-બીનહથીયારી) ગોઠવી રાઉન્ડ ધ કલોક સલામતિ વ્યવસ્થા ગોઠવવા અને પોલીસની જરૂર પડ્યે મદદ લેવા ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસે આ તમામ સ્થળો આસપાસ પોતાનું પેટ્રોલિંગ શરૂ કરી દીધું હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. તેઓએ વર્તમાન ડામાડોળ સ્થિતિમાં યુધ્ધ કે હુમલા માટે તૈયાર રહેવા ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓને તાકીદ કરી હતી. (૧૪.૧૦)

 

(3:55 pm IST)