Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

કરીયાવર માટે પુત્રવધુને ત્રાસ આપવા અંગેના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.ર૮: કરીયાવર માટે પરણિતાને ત્રાસ આપવાના ગુન્હામાં તમામ આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

અહીંના શાપર-વેરાવળ ખાતે આવેલ આદર્શ સોસાયટી બ્લોક નં.૮૮માં રહેતી પરણિતા ફોરમબેનના લગ્ન રાજકોટ ખાતે જ કોઠારીયા રોડ પર આવેલ બાલાજી પાર્કમાં રહેતા રવીભાઇ પાલા નામના યુવાન સાથે સને ૨૦૧૫ની સાલમાં થયેલ હતા અને ત્યારબાદ પરણિતા પોતાના સાસરે રહેવા ગયેલ.

આ પછી કોઇ અગમ્ય કારણોસર પરણિતા પોતાના માવતરે પરત ફરેલ અને રાજકોટ મહિલા પોલીસ મથકમાં (૧) પતિ રવિભાઇ જયંતીભાઇ પાલા (ર) સાસુ મધુબેન, (૩) નણંદ ભાવનાબેન, (૪) દેર વિશાલભાઇ સામે આ તમામ સાસરીયા તેને કરીયાવર માટે શારીરિક અને માનસિક ત્રાસ આપે છે અને ઘરેથી રૂ. ૧,૦૦,૦૦૦ એક લાખ દહેજ લાવવા દબાણ કરે છે અને જો અમો દહેજ નહી લાવીએ તો અમો ને મારી નાખવાની  ધમકી આપે છે તે મુજબ ની કલમ આઇ.પી.સી. ૪૯૮ (એ),  ૩૨૩, ૫૦૪(ર), ૧૧૪ અને દાવરી પ્રોહીબિશન એકટની કલમ ૩,૪ મુજબની ફરિયાદ નોંધાવેલ હતી.

આ ફરિયાદ ચાલવા પર આવતા તમામ આરોપી પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે અદાલતમાં હાજર થયેલ અને કેસ આગળ ચાલેલ અને અદાલતમાં ફરિયાદી ફોરમબેનની જુબાની નોંધવામાં આવેલ હતી.

અદાલતે શ્રી અંતાણીની તમામ રજુઆતથી સહમત થઇ અને તમામ સાસરીયાઓને આ સ્ત્રી અત્યાચારના ગંભીર આક્ષેપ વાળી ફરિયાદ સાબીત થયેલ ન માની અને નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં તમામ આરોપી વતી રાજકોટનાં એડવોકેટ શ્રી સંદીપ કે. અંતાણી, અશોકભાઇ એમ. ડાંગર તથા સમીમબેન એમ. કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતાં.

(3:39 pm IST)