Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ખીરસરા જીઆઈડીસીઃ કલેકટરે ભાવ ૧૫૦૦નો ભાવ નક્કી કર્યોઃ હવે જીઆઈડીસી ૩૭૮૦ તથા ૫૭૩૦ માંગશેઃ ગજબનો ખેલ !!

ઉદ્યોગકારો પાસેથી કરોડોનો નફો રળી લેવાનો તાલઃ આવેલા સ્પે. પરીપત્રથી ઉદ્યોગકારોમાં ફાટી નીકળેલો રોષ... : એમએસએમઈ ઝોન માટે ૩૭૮૦ તો નોન ઝોન માટે ૫૭૩૦: મુખ્યમંત્રીને ભાવ સામે રજૂઆતો કરાશે : ખીરસરા પાસે વધુ એક નવી જીઆઈડીસી બનાવવા કલેકટર સમક્ષ દરખાસ્તઃ ૧૫૦ હેકટર જગ્યા ઉપર આ નવી જીઆઈડીસી બનાવવા અંગે ધમધમાટ શરૂ : જામનગર-કાલાવડને જોડતા રોડ-ગામ-નિકાવા નજીક ૮૦ હેકટરમાં વધુ એક જીઆઈડીસી બનશેઃ જામનગર કલેકટર ૪૦ હેકટર તો રાજકોટ કલેકટર ૪૦ હેકટર જમીન આપશે, બન્ને તંત્ર પાસે દરખાસ્ત કરાઈ...

રાજકોટ, તા. ૨૮ :. ખીરસરા જીઆઈડીસીનું વિસ્તરણ ચાલી રહ્યુ છે. કામકાજ પૂરબજારમાં છે. કલેકટરે ૬૩ એકરથી વધુ જગ્યા પણ ફાળવી છે. અગાઉ ચો.મી.નો ભાવ રૂ. ૨૫૦૦ નક્કી થયો હતો તે મુજબ નાણા ભરી દેવા.

જીઆઈડીસીને આદેશ કર્યો, પરંતુ જીઆઈડીસીએ આટલા બધા ભાવ ન હોય તેમ કહી સરકારમાં ભાવ ઘટાડવા માંગણી કરી, કલેકટરને જણાવ્યું, છેવટે સરકારે રૂ. ૧૫૦૦ લેખે ૬૩ એકર જમીન આપવાનું ફાઈનલ કર્યુ, કલેકટરને જણાવ્યું અને તે મુજબ જીઆઈડીસીએ નાણા પણ ભરી દીધા.

પરંતુ હવે જીઆઈડીસીએ વેપલો માંડયો હોય તેમ ઉદ્યોગકારો પાસેથી ચો.મી. દીઠ અધધધ ભાવ લેવાનું નક્કી કરી તે પ્રમાણે પરિપત્ર કરતા રાજકોટ નજીક લોધીકા તાલુકામાં ખીરસરા વસાહત સ્થાપવાનુ નક્કી કરી તે પ્રમાણે ભાવો જાહેર કરતા ઉદ્યોગકારો અચંબામાં પડી ગયા છે, ભારે દેકારો બોલી ગયો છે.

ઉદ્યોગકારોનું કહેવુ છે કે આટલા મોટા ભાવો હોય, મુખ્યમંત્રીને રજૂઆતો કરાશે, આ તો જીઆઈડીસીનો ગજબનો ખેલ છે. અમારી પાસેથી કરોડોનો નફો રળી લેવાનો તાલ છે. ખાસ રાજકોટ ખીરસરા જીઆઈડીસી માટે જ આવો સ્પે. પરીપત્ર કેમ તેવો વેધક સવાલ ઉઠાવ્યો છે.

જીઆઈડીસીના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકે બહાર પાડેલા પરિપત્ર મુજબ ગુજરાત સરકાર દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે, ગુજરાત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ જીઆઈડીસી સ્થાપવાનું નક્કી કરેલ છે. જેમા નાના ઉદ્યોગોને ઉત્તેજન મળી રહે તે હેતુથી એમ.એસ.એમ.ઈ. પ્રકારના ઉદ્યોગો સ્થાપવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે નિગમ દ્વારા રાજકોટ જિલ્લામાં આવેલ લોધીકા તાલુકામાં ખીરસરા વસાહત સ્થાપવાનું નક્કી કરાયેલ છે. જે મુજબ સરકારના મહેસુલ વિભાગના ઠરાવ મુજબ એમ.એસ.એમ.ઈ. વસાહત અને સામાન્ય વસાહત બન્ને માટે અલગ અલગ ફાળવણી દર નક્કી કરવા જરૂરી છે. જે મુજબ એમ.એસ.એમ.ઈ. ઝોન હેઠળ ફાળવવામાં આવનાર જમીનનો ફાળવણી દર રૂ. ૩૭૮૦ પ્રતિ ચો.મી. દીઠ (અંદાજીત) નક્કી કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લામાં આવેલ લોધીકા તાલુકામાં ખીરસરા વસાહતના નોન એમ.એસ.એમ.ઈ.-સામાન્ય ઝોનમાં ફાળવવામાં આવનાર જમીનનો ફાળવણી દર રૂ. ૫૭૩૦ પ્રતિ ચો.મી. દીઠ (અંદાજિત) નક્કી કરવામાં આવે છે.

સદર વસાહતમાં થનાર જમીન ખર્ચ તથા વિકાસ ખર્ચની વિગતો અંદાજિત હોય, આખરી થયે, તફાવતની રકમ, વસાહતના તમામ ફાળવણીદારો પાસેથી નિગમના નીતિ નિયમ મુજબ અલગથી વસુલ કરવાની રહેશે. જે અંગે સ્પષ્ટ ઉલ્લેખ ફાળવણીદારોના ફાળવણી પત્ર અને કરારખત / લીઝડીડ વિગેરેમાં અચુક ઉલ્લેખ કરવાનો રહેશે.

અત્રે એ નોંધનીય છે કે પ્લોટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫ માર્ચ છે. ઓનલાઈન હાલ ૯ હજારથી વધુ અરજી આવી છે. કુલ ૪૫૦થી વધુ પ્લોટ છે. ૭૦ ટકા એમએસએમઈ ઝોનમાં આવે છે. આ પ્રકરણ ભારે ચર્ચા જગાડશે તે ફાઈનલ.

(3:18 pm IST)