Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મોબાઇલની બબાલમાં દરજી મહિલાએ જિંદગી ખતમ કરી નાંખી...બે સંતાન મા વિહોણા થયા

ગાંધીગ્રામની આ ઘટના પરથી અન્યોએ પણ ધડો લેવા જેવો : પતિ સતત ફોનમાં વળગી રહેતો હતો એ કારણે પત્નિ ત્રીશાબેન પરમારે ફાંસો ખાઇ મોત મેળવ્યું

રાજકોટ તા. ૨૬: આજના યુગમાં મોબાઇલ ફોન વગર માણસને પળવાર પણ ચાલતું નથી. મોબાઇલ જેટલો ઉપયોગી  છે એટલો હાનીકારક પણ છે. એક ઘટનામાં મોબાઇલની બબાલને કારણે ગાંધીગ્રામ અક્ષરનગર-૧માં ઓમ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં દરજી મહિલાએ પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે!...ચોંકાવનારી ઘટનામાં ત્રીશાબેન મનિષભાઇ પરમાર (ઉ.૩૩) નામના દરજી મહિલાએ ગળાફાંસો ખાઇ પોતાની જિંદગીને અલવીદા કહી દીધુ છે, કારણ એ છે કે આ મહિલા તેના પતિની સતત મોબાઇલ ફોનમાં વળગી રહેવાની ટેવથી કંટાળી ગયા હતાં.

અક્ષરનગરમાં રહેતાં ત્રીશાબેને ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી ધીરૂભાઇ આહિરે તેણીને નિષ્પ્રાણ જાહેર કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ નિરંજનભાઇ આર. જાનીએ ગાંધીગ્રામ પોલીસને વાકેફ કરતાં એએસઆઇ પુષ્પાબેન પરમાર અને ગોપાલભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર ત્રીશાબેનના પતિ મનિષભાઇ પરમાર દરજીકામ કરી ગુજરાન ચલાવે છે. તેને સતત મોબાઇલ ફોનમાં વળગી રહેવાની ટેવ પડી ગઇ હોઇ તે કારણે ત્રીશાબેન અને તેમના વચ્ચે ચડભડ થઇ હતી. બે ત્રણ દિવસથી આ કારણે ઘરમાં કલેશ ઘુસી ગયો હતો. આ કારણે કંટાળી જઇને ત્રીશાબેને આ પગલુ ભરી લીધું હતું. તેમને સંતાનમાં ૬ અને ૧૩ વર્ષના બે પુત્ર છે. આપઘાતની આ ઘટનાથી આ બંને પુત્રો મા વિહોણા થઇ ગયા છે અને પરિવારનો માળો વેરણ-છેરણ થઇ ગયો છે. મોબાઇલ ફોનને કારણે લપ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહે છે. આ ઘટનામાં તો એક મહિલાએ પોતાની જિંદગી ટુંકાવી લીધાનું સામે આવ્યું છે. અન્ય લોકો કે જેને સતત મોબાઇલ ફોનમાં વળગી રહેવાની આદત છે એ તમામ માટે આ બનાવ લાલબત્તી સમાન છે. ગાંધીગ્રામ વિસ્તારમાં બનાવની ભારે ચર્ચા જાગી છે.

(3:35 pm IST)