Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

ગુરૂપ્રેમ મિશનના ઉપલક્ષે જૈન સમાજના ચારેય સંપ્રદાયના ગુરૂ ભગવંતોએ એકસાથે લાઈવ પ્રસારણના માધ્યમે બોધ પ્રવચન આપ્યા

એક વર્ષથી વર્ષીતપ કરી રહેલા હજારો તપસ્વી ભાવિકોએ ગુરૂભગવંતોના આશીર્વચન પામીને અક્ષયતૃતીયાને સાર્થક કરી : રાજા, ચક્રવર્તી કે સામાન્ય દરેકને કર્મો ભોગવવા પડે છેઃ કર્મ કોઈની શરમ નથી રાખતાં- પૂ.શ્રી નિત્યાનંદ સૂરીશ્વરજી મ.સા. : આ પ્રેમ સૂરી દાદાની કૃપા છે- શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા. : દરેક સમય, સ્થાન અને સંયોગોમાં સમાધિ ભાવ જાળવીએ- આચાર્ય શ્રી રત્નસુંદર વિજયજી મ.સા. : ભીતર મેં રહો, તર જાઓગે- પૂ.શ્રી પુલકસાગરજી મ.સા. : કોઈ સાથે હોય કે કોઈ સાથ છોડી દે છતાં સુખી રહીએ- રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા. : સમજદારને સમય શાસ્ત્રોમાં વ્યતિત થતો હોય છે- પૂ.શ્રી મહેન્દ્રઋષિજી મ.સા.

રાજકોટ,તા.૨૫: સમગ્ર દેશમાં વ્યાપ્ત થયેલી લોકડાઉનની વિષમ પરિસ્થિતિની વચ્ચે પણ પ્રભુ ધર્મની વિજયગાથાને ગુંજાવી સમગ્ર જૈન સમાજની એકતાના દર્શન કરાવતું એક વિશેષ આયોજન ગુરૂ પ્રેમ મિશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત જૈન સમાજના ચારેય સંપ્રદાયના ગુરૂ ભગવંતોએ એકસાથે લાઈવ પ્રસારણના માધ્યમે બોધ પ્રવચન આપીને હજારો ભાવિકોને ધન્યતા પ્રદાન કરી હતી.

જૈનોના પ્રથમ તીર્થકર આદિનાથ પરમાત્માની પરંપરામાં છેલ્લાં એક વર્ષથી વર્ષીતપની આરાધના કરી રહેલાં હજારો ભાવિકોની તપશ્ચર્યાના પારણા સ્વરૂપ આજના અક્ષયતૃતીયાના પાવન અવસરે એમને આશીર્વચન પ્રદાન કરવા તેમજ દર્શન - વંદનનો લાભ આપવા લાઈવ પ્રસારણમાં શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના પૂ. આચાર્ય શ્રી નિત્યાનંદ સૂરીશ્વરજી મ.સા., પદ્મભૂષણ આચાર્ય પૂ.શ્રી રત્નસુંદર વિજયજી મ.સા., ગુરૂ પ્રેમ મિશનના પૂ.આચાર્ય શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા., સ્થાનકવાસી સંપ્રદાયના શ્રમણ સંઘના યુવાચાર્ય શ્રી મહેન્દ્રઋષિજી મ.સા., રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા. તેમ જ દિગમ્બર સંપ્રદાયના રાષ્ટ્રસંત પૂજય આચાર્ય શ્રી પુલકસાગર જી મ.સા. પધાર્યા હતાં.

પૂ.શ્રી નિત્યાનંદ સૂરીશ્વરજી મ.સા.એ જણાવેલ કે રાજા, ચક્રવર્તી કે સામાન્ય દરેકને કર્મો ભોગવવા પડે છે. કર્મ કોઈની શરમ નથી રાખતાં. આચાર્યશ્રી રત્નસુંદર વિજયજી મ.સા.એ બોધ આપતા ફરમાવેલ દરેક સમય, સ્થાન અને સંયોગોમાં સમાધિ ભાવ જાળવીએ. શ્રી કુલચંદ્ર સૂરીશ્વરજી મ.સા. આ પ્રેમ સૂરી દાદાની કૃપા હોવાનું ભાવિકોને જણાવેલ. પૂ.શ્રી પુલકસાગરજી મ.સા. ભીતર મેં રહો, તર જાઓગેનું બોધ આપેલ.

પૂ.શ્રી મહેન્દ્રઋષિજી મ.સા.એ સમજદારનો સમય શાસ્ત્રોમાં વ્યતિત થતો હોય છે તેમ સમજાવેલ. રાષ્ટ્રસંત પર ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા. કોઈ સાથે હોય કોઈ સાથ છોડી દે છતાં સુખી રહીએ. તેમ બોધ આપેલ.

(3:50 pm IST)