Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

ચાલો લોકડાઉનને ''લક ડીલ''માં બદલીયે

નબળા વિચારને અટકાવવાનો અને સારા વિચારોને જીવનમાં ઉતારવાનો આ શ્રેષ્ઠ સમય છે : આવતા પાંચ-દસ વર્ષનું ફેમીલી પ્લાનીંગ કરો, નકશો બનાવો, જે શોખ અધુરા રહી ગયા છે તેને પુરા કરવાની શરૂઆત કરોઃ સકારાત્મક વિચારો

અત્યારે આખું વિશ્વ કોરોના વાયરસની વિશ્વિક મહામારીના ભરડામાં છે અને દેશમાં ખાસ કરીને એક ભવિષ્યના પ્રશ્નાર્થ સાથે વિચારોનો વરસાદ થાય તે સ્વાભાવિક છે, સારા અને ખરાબ વિચારો આ સમયે આવે ,પણ સારા લેખકો દ્વારા લખાયેલું છે એક સકારાત્મક વિચાર નકારાત્મક વિચાર કરતા સેંકડો વાર વધારે તાકાતવાળો હોય છે. આ સમયમાં દુનિયા અને બધા જ ટેલિવિઝન ચેનલ ન્યુઝ ચેનલ તમામ અખબારો આ રોગની માહિતી આપવા અને દેશ અને દુનિયાને ચાલી રહેલ પરિસ્થિતિ માટે માહિતગાર કરવામાં વ્યસ્ત છે કયારે આખો દિવસ વાંચતા જોતા અને એકલતાનો અનુભવ કરતાં કયાંક નકારાત્મકતા મન ની અંદર ઘર કરી જાય છે તે સ્વાભાવિક છે. તમામ ચેનલો અખબારો અને સોશિયલ મીડિયા તેમાં સકારાત્મ વિચારોમાં રહેવાનું થોડું ઘણું કામ કરે છે મને લાગે છે કે આ સમયે માનસિક ચિકિત્સક થોડું મીડિયા પર આવીને થોડીક સાંત્વના આપવી જોઈએ કે દેશના વ્યકિતને મોટીવેશન આપવું જોઈએ.

આજે દેશ અને દુનિયા કોરોના વાયરસની મહામારી ની સાથે બાથ ભીડી રહી છે , માણસોના મનમાં તેને લઇ ને ચિંતા થાય તે સ્વાભાવિક છે, અને દુનિયાની પાસે તેનો કોઈ ઉકેલ નથી ત્યારે ૨૧ દિવસના લોકડાઉનને વધારી ૧૯ દિવસ વધારે લંબાવ્યું ત્યારે બીજી ચિંતા છે કે હવે આના પછી શું દેશની ઈકોનોમી સાથે ઘરની ઇકોનોમી સચવાશે ? ચિંતા છે કે આવડી મોટી મહામારી અને તેમાં અમારું કુટુંબ તેનો ભોગ તો નહિ બને ને ? જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત સર્જાશે કે શું ? આવી અનેક ચિંતા છે અને થાય તે પણ સ્વાભાવિક છે.

તો પછી પ્રશ્ન થાય લોકડાઉન ને ''લક ડીલ''માં કઈ રીતે બદલાય , આપણે કયારેક લાઈટ જાય તો આજુબાજુ જોઈએ છે અને પાડોશી ને પુછિયે પણ છીએ કે તમારે લાઈટ છે? જો ના હોય તો સમજી લઈએ છીએ કે નથી તો આપણે પણ નથી અને તેમનું જે થવાનું છે તે આપણું પણ થશે, અહીંયા આ રીતે કોરોના વાયરસ વિષે પણ વિચારવું જોઈએ, આજુ બાજુ માં કયાંય નથી, તો આપડે પણ સલામત છીએ, અને તેના થી પણ વિશેષ દેશ અને દુનિયા આખી તેને નાથવા માટે લાગેલી છે તો તેના ભાગ રૂપ આપણે પણ કાળજી લઈએ જેથી દેશ , દુનિયા સાથે આપણી પણ દુનિયા સલામત રહે. ભગવાન બધાનું ભલું કરશે . ચિંતા છે તે ચિતા નું કારણ ન બને તેનું ધ્યાન રાખવું તે આપણું કામ છે. દેશ અને દુનિયા બધાને કોરોના વાયરસ ના સંક્રમણની ચિંતા છે પણ તેનું એક નિવારણ પણ છે. ઘરે રહો મસ્ત રહો અને કોરોના થી દુર રહો. કોરોના કયારેય સામે ચાલીને તમને મળવા નથી આવતો ,જયાં સુધી તમે તેને સામેથી આવકારો નહિ ,તેથી ચિંતા કરવાની જરૂર નથી ઈશ્વર પર શ્રદ્ઘા રાખો બધા સારાવાના થશે. દવાની કંપનીમાં હોવાથી ડોકટરને મળવું તે સ્વાભાવિક છે, થોડાક વર્ષો પહેલા હું બધા ડોકટરને એક પ્રશ્ન પૂછતી હતી કે સાહેબ જીવનમાં હળવાશ અને શાંતિની પણ મળે તો તમે શું કરશો? એક વાર એક અતિ વ્યસ્ત ડોકટરે એવો જવાબ આપ્યો કે ''કાંઈ નહીં કરૃં બસ એ જ કરીશ'' અત્યારે આપણે પણ કાંઈ નહિ કરૃં જેવી સ્થિતિ છે પણ અધૂરા સ્વપ્ન અરમાન અને શોખને પૂરા કરવા માટેનું સુવર્ણ અવસર પણ છે જો આ સમયને ''લક ડીલ'' માં બદલવું હોય તો પોતાના સ્વપ્નની દુનિયામાં ડૂબકી મારવાનો સમય છે, આવતું વર્ષ , આવતા પાંચ વર્ષ અને દસ વર્ષે પ્લાનિંગ કરો. દુનિયામાં આપડે શું મેળવવાનું અને કરવાનું છે તેનો નકશો તૈયાર કરો. પોતાના ફેમિલી કઈ જગ્યાએ અને કેવી રીતે મોજ કરવાની છે તેની રૂપરેખા તૈયાર કરો, કોઈ પણ શોખ જે અધૂરો રહી ગયો છે તેને પૂરો કરવાની શરૂઆત કરો આ દિવસો ધારો કે ના ધારો પણ તમારી જિંદગીના સૌથી યાદગાર દિવસોમાં ના એક દિવસ થવાના છે .આપણા ઉપર છે કે તેને આપણે કઈ રીતે જીવીએ છીએ કે પછી ઉજવીયે છીએ કે પછી કાઢીએ છીએ.

આજે માણસ માણસ થી દૂર થઈ રહ્યા છે જીવનની દોડમાં કયારેક આપણે પણ આપણા સ્વજન અને મિત્રોની સાથે વાત કરવાનો સમય કાઢી નથી શકતા જયારે અત્યારે તેમની સાથે મન મૂકીને વાત કરી શકીયે, ઇન્ટરનેટ અને ખાસ સોશિયલ મીડિયાનો પણ આભાર કે આપણે આપણા સ્વજન સાથે મન મૂકીને વાત કરી શકીએ છીએ અને લોકડાઉનને ''લક ડીલ''માં બદલી શકીયે છીએ.

આપણા ઘરના નાના બાળકો અને તેમની નિર્દોષતા નો અહેસાસ કયારેય સમય ના તાલ સાથે તાલ મિલાવવામાં આપણે ચૂકી જઈએ છીએ. તેમની સાથે મન મૂકીને રમીએ કામ કરાવી અને બાળક સાથે બાળક બની શકીયે તો ચોક્કસ આ સમયને ''લક ડીલ'' માં બદલી શકાય.

ઘરની શુદ્ઘિ અને વિચારોને સુધીનો સૌથી ઉત્તમ સમય આવ્યો છે દેશ-દુનિયામાં ફરનાર માણસ પોતાના હૃદય અને આત્માની અંદર ડોકિયું કરવાનું ચૂકી જાય છે અને પછી જે મેલ જામતો જાય અને કાટ થઈ જાય તેમ માણસના વિચાર કરવાની ક્ષમતા પર પણ કાટ લાગી જાય છે, આ સમય માં જયારે તમે બહાર નથી જય શકતા ત્યારે અંદર ડોકિયું કરવાનો સમય છે, આ ઉત્તમ સમય છે નબળા વિચાર ને અટકાવવાનો અને આત્મશુદ્ઘિનો અને શાંત મને વિચારવાનો અને સારા વિચારોને જીવનમાં ઉતારવાનો.

દુનિયામાં કોઈ રોગ એવા નથી આવ્યા કે જે નેસ્તનાબૂદ ના થાય, જેની ઉત્પત્તિ છે તેનું વીસર્જન નિશ્ચિત છે. દેશ અને દુનિયાના વૈજ્ઞાનિક કોરોના જેવી મહામારીને મારા આપવા માટે દિવસ-રાત કામે લાગ્યા છે ચોક્કસ રસ્તો મળી જાશે, આજે નહિ તો કાલે પણ આપણે આ સમય ગુમાવ્યો તો બહુ મોટી તક ચુકી જાશું, અને પછી અફસોસ રહી જશે કે મારા જીવનમાં મળેલ તક ને ના આંચકી શકયો. ઘણા બધા વ્યસની ને વ્યસન છોડવાનો બહુજ સાચો સમય છે, ઘરના સાથે રહીને અને બજારમાં વેચાતું ખુલ્લું ઝેર જયારે સમયની જરૂરિયાત થી ઉપલબ્ધ નથી ત્યારે બહુ કુદકા તેને મેળવવા માટે મારવા કરતા, ઈશ્વરીય દેન સમજી ને તેને છોડવામાં જ સમજદારી છે અને ત્યારેજ વર્ષો જૂની ટેવ ને ભૂલી ને આપડે આપડા જીવન ના આ સમયને ''લક ડીલ''માં બદલી શકીશું.

ઈશ્વરે કોઈ તાળું એવું નથી બનાવ્યું કે જેની ચાવી ના હોય , દરેક તાળાની ચાવી ચોક્કસ હોય છે વધારે વિચારવા કરતા બસ સકારાત્મક વિચારી અને લોકડાઉન ને ''લક ડીલ''માં બદલીયે.

આલેખનઃ ડો.પૂર્તિ ત્રિવેદી, રાજકોટ, purtitrivedi@yahoo.in

(3:03 pm IST)