Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

પેપર ચકાસણીની કસોટીમાં નિર્ભીક બની ખરા ઉતરતા શિક્ષકો

કુદરત જૈવિક આફત સમા કોરોના વાયરસના રૂપમાં લોકોની પરિક્ષા લઈ રહી છે.  લોકો કુદરતની આ પરિક્ષામાં  પાસ થવા માટે તન-મન-ધનથી સહયોગ અને સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે  આ કસોટીમાં સરકાર, આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓની સાથે શ્રેષ્ઠ સમાજનું ઘડતર કરનાર શિક્ષકગણ પણ મહત્વનો રોલ અદા કરી  રહ્યા છે. વિદ્યાર્થી દેશનું ઉજ્જવળ ભાવિ છે. તેથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શિક્ષકગણો દ્વારા લોકડાઉનના સમયમાં ધોરણ ૧૦ અને ૧૨દ્ગક્ન પેપર ચકાસણીની  કામગીરી ઉદ્દાત ભાવનાથી કરી રહ્યા છે.

લોકડાઉનના સમયમાં શિક્ષકો પેપર ચકાસણીનું કાર્ય સ્વસ્થાપૂર્વક કરી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે સંકળાયેલા પ્રો. યોગેશ જોગાસણે કેટલાક સુચનો કરતાં જણાવ્યું હતું કે, કોવીડ-૧૯ના સંક્રમણને કારણે હાલ દરેક લોકો ભયભીત છે. ત્યારે સ્વાભાવિક છે  કે શિક્ષક પણ આ મનોસ્થિતિમાંથી પસાર થતો હોય છે. તેથી દરેક શિક્ષકમિત્રોએ યાદ રાખવું જોઈએ કે, તે સુંદર સમાજના પ્રણેતા અને નિર્માતા છે.

સકારાત્મક ભાવ સાથે પેપર ચકાસણીના વર્ગખંડમાં પ્રવેશતા પહેલા એ અનુભૂતિ કરવી કે તમારી ઉત્કૃષ્ટ કામગીરી થકી વિદ્યાર્થીના પથદર્શક બનીને તેમને સંઘર્ષના સમયમાં હિંમતભર્યું  કાર્ય કરવાની પ્રેરણા આપી રહ્યા છો. જેથી કરીને પેપર તપાસની કામગીરી વેળાએ મનને સ્વસ્થતાનો અનુભવ થશે.

મહિલા શિક્ષકોને વર્તમાન પરિસ્થિતિમાં મુંઝવણનો અનુભવ થતો હોય છે. કોરોનાના સંક્રમણના ડરને કારણે પરિવારજનો તરફથી પેપર ચેકિંગ માટેની મંજૂરી મળવી થોડી  મુશ્કેલ બનતી હોય છે. આવન-જાવન માટે  તમામ સાવચેતી રાખવી  પડતી હોય છે. પરંતુ તેમ છતાં મહિલા કર્મવીરાંગનાઓ બનીને પેપર ચકાસણીમાં કાર્યાન્વિત બની છે.

૫ વર્ષના દીકરાને પરિવાર પાસે મુકીને સવારના ૭થી બપોરના ૧.૩૦ વાગ્યા સુધી પેપર તપાસ માટે જતાં  શિક્ષકાશ્રી વર્ષાબેન ભાલોડીયાએ પોતાના વિચારોને રજુ કરતાં કહ્યું હતું કે, 'સ્વાભાવિક છે કે કોવીડ-૧૯ના સંક્રમણના ફેલાવાને કારણે માનસિક રીતે ભયનો અનુભવ કરીએ છીએ. પરંતુ આખું વર્ષ મહેનત કરતાં વિદ્યાર્થીઓને અમે જોયા છે. ત્યારે પેપર તપાસતી વખતે અમે કોઈ બાંધછોડ કરતાં નથી. એક નિરિક્ષક તરીકે અમે અમારું  કાર્ય પૂરી નિષ્ઠાથી કરીએ છીએ. અને અમારા પરિવારજનોનો  પણ  સંપૂર્ણ સહયોગ છે.'

વર્ષાબેનની વાતમાં હામી ભરતાં અને અન્ય શિક્ષિકાશ્રી પ્રિયંકાબેન ગેરૈયાએ વાત આગળ ધપાવતા કહ્યું હતું કે, 'વિદ્યાર્થીઓના ભવિષ્યના ચિંતનની સાથે સ્વના આરોગ્યની ચિંતા સાથે પેપર ચકાસણીની કામગીરી કરવી પડી રહી છે. પેપરની સપ્લીમેન્ટરીઓ  વિવિધ વિસ્તારમાંથી આવતી હોય છે આથી એ પણ મનમાં ડર રહે છે કે હાથને સેનેટાઈઝ કર્યા વગર ચહેરા પર તેનો સ્પર્શ ન થઈ જાય. સામાન્ય પાણી પીવાની તરસ લાગે તો પણ હાથને  સેનેટાઈઝ કરવાનું ચુકતા નથી. અને રહી વાત પેપર ચેકિંગ વખતેની મનોવ્યથાની તો તેમાં કોઈ કચાશ રાખવામાં આવતી નથી. દરેક વિદ્યાર્થીને તેમની મહેનતું ફળ આપવા અમે સંપૂર્ણ  પ્રામાણિકતાથી કાર્ય કરીએ છીએ.'

જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી અને વ્યવસ્થાન વિશે માહિતી આપતાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાયે કહ્યું હતું કે, શિક્ષકો માટે ૧ મીટરથી પણ વધુ અંતરની બેઠક વ્યવસ્થાનું આયોજન કર્યું છે. દરેક શિક્ષકની ટીમને સેનેટાઈઝર આપવામાં આવ્યા છે. પાના ફેરવવા માટે પાણીની સ્પંચની સુવિધા પણ કેન્દ્ર પર ઉપલબ્ધ છે. કોઈપણ પ્રકારની સમસ્યા કે અગવડ ન પડે તે માટે શિક્ષણ વિભાગની ટીમ દ્વારા સમયાંતરે મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રની મુલાકાત લેવામાં પણ આવી રહી છે.

કહેવાય છે ને કે 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' તેને રાજકોટ જિલ્લાના શિક્ષકોએ ચરિતાર્થ કરી બતાવ્યું છે. શિક્ષકો તેમની માનસિક મનોવ્યથાને વિદ્યાર્થીઓના પેપર ચેકિંગની પ્રક્રિયામાં તેનો પડછાયો પણ પડવા દેતા નથી. સમાજનું ઘડતર કરનાર શિક્ષકગણને સરાહનીય કામગીરી બદલ ખુબ ખુબ અભિનંદન.

: આલેખન :

રાજકુમાર

પ્રિયંકા પરમાર

માહિતી બ્યુરો, રાજકોટ

(9:41 am IST)