Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

નવલનગરમાં પત્નિની હત્યા કરનારા પ્રકાશ પરમાર (લુહાર)ને હત્યાનો જરાય અફસોસ નથીઃ રિમાન્ડ મેળવવા તજવીજ

ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કર્યા'તાઃ બાદમાં સતત ત્રાસ આપતો હોઇ પત્નિ રિસામણે જતી રહી'તીઃ તેડવા જતાં સાથે ન આવતાં પતાવી દીધીઃ સાસુ મીનાબેન સારવાર હેઠળ

રાજકોટઃ પી. ડી. માલવીયા કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોકમાં રહેતાં પ્રકાશ દિપકભાઇ પરમાર નામના લુહાર યુવાને શનિવારે સાંજે નવલનગર-૧૮માં રહેતાં પોતાના સાસુ મીનાબેન ભરતભાઇ રાયઠઠ્ઠાના ઘરે જઇ રિસામણે રહેલી પોતાની પત્નિ નમ્રતા (ઉ.૨૫)ને સાથે આવવાનું કહેતાં તેણીએ સાથે આવવાની ના પાડી પોતાના પિતા નિર્ણય લેશે પછી જ આવશે તેમ જણાવતાં ગુસ્સે થયેલા પ્રકાશે છરી કાઢી હુમલો કરી દઇ પત્નિને ચારેક ઘા ઝીંકી દીધા હતાં. દિકરી પર હુમલો થતાં માતા મીનાબેન તેને બચાવવા વચ્ચે પડતાં તેને પણ પ્રકાશે બે ઘા પેટમાં ઝીંકી દેતાં માતા-પુત્રી બંનેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ નમ્રતાનું મોત નિપજ્યું હતું.

માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા, પરેશભાઇ જારીયા, જાવેદહુશેન રિઝવી, અરૂણભાઇ બાંભણીયા સહિતે ગંભીર ઇજાગ્રસ્ત મીનાબેનના સગા બહેન પંચનાથ પ્લોટ-૧૬માં રહેતાં રાધાબેન વૃજલાલભાઇ રાયઠઠ્ઠા (ઉ.૬૮)ની ફરિયાદ પરથી પ્રકાશ સામે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૪૯૮ (ક), જીપીએકટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો અને બાઇક પર ભાગી છૂટેલા પ્રકાશને સકંજામાં લઇ લીધો હતો.

પ્રકાશ અને નમ્રતાએ ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કર્યા હતાં. પ્રકાશ ગેરેજનું છુટક કામ કરે છે. તે દારૂ પી અવાર-નવાર સતત ત્રાસ આપતો હોઇ કંટાળીને કેટલાક સમયથી નમ્રતા તેના માવતરે આવી ગઇ હતી. ગઇકાલે પ્રકાશ તેને તેડવા આવતાં તેણીએ સાથે જવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયો હતો અને છરીથી તૂટી પડ્યો હતો. પોલીસે તેની વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)