Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

માધાપરમાં શેઠનગરના જયરાજસિંહ અને સાથેના ચાર અજાણ્યા શખ્સોનો પાંચ યુવાન પર હુમલો

રસ્તા વચ્ચે વાહનો રાખ્યા હોઇ ગોૈરાંગ ચોૈહાણે હોર્ન વગાડતાં 'કેમ હોર્ન વગાડે છે?' કહી ડખ્ખો કર્યોઃ સમાધાન બાદ અડધા કલાક ફરીથી માધાપર પહોંચી લાકડી-પાઇપથી હુમલોઃ ગાંધીગ્રામ પોલીસે એટ્રોસીટી-રાયોટીંગનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૨: માધાપરમાં રહેતાં અને છૂટક મજૂરી કરતાં ગોૈરાંગ મુળજીભાઇ ચોૈહાણ (ઉ.૨૨) નામના દલિત યુવાન અને તેના મિત્ર કુલદિપ દિનેશભાઇ મકવાણાના બૂલેટને જામનગર રોડ શેઠનગરના જયરાજસિંહ અને સાથેના ચાર શખ્સોએ રસ્તો નહિ આપી હોર્ન કેમ વગાડો છો? કહી ઝઘડો કરી બાદમાં અડધા કલાક પછી ગોૈરાંગના ઘર પાસે જઇ ફરીથી માથાકુટ કરી લાકડી-પાઇપથી હુમલો કરી ગોૈરાંગ સહિત પાંચ લોકોને માર મારતાં ફરિયાદ થઇ છે.  આ ટોળકીના શખ્સો દલિત સમાજના લોકો કાયમ માટે દબાઇને રહે તે હેતુથી તેને હેરાન કરતાં હોવાનો ફરિયાદમાં આરોપ મુકાયો છે.

ગાંધીગ્રામ પોલીસે ગોૈરાંગ ચોૈહાણની ફરિયાદ પરથી જયરાજસિંહ સહિતના સામે એટ્રોસીટી, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ગોૈરાંગે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું છુટક મજૂરી કરુ છું. મારા પરિવારમાં માતા હંસાબેન અને નાનો ભાઇ છે. પિતાનું અવસાન થયું છે. મારી પાસે જીજે૩એફએલ-૬૭૦૦ નંબરનું બૂલેટ છે. શુક્રવારે રાત્રે સાડા નવેક વાગ્યે હું તથા તથા મારો મિત્ર કુલદિપ મકવાણા જે માધાપરમાં જ રહે છે તેને સાથે લઇ રાત્રે સાડા નવેક વાગ્યે મારા બૂલેટમાં ચા પીવા માધાપર ચોકડીએ ગયા હતાં.

ત્યાંથી બંને પરત ઘર તરફ જતાં હતાં ત્યારે માધાપર બસ સ્ટેશન પાસે ઇશ્વરીયા પોસ્ટ તરફ જતાં રસ્તા પર વચ્ચોવચ્ચ એક સ્પ્લેન્ડર તથા એક બૂલેટ રસ્તામાં રાખીને બે વ્યકિત બેઠા હતાં. તેમજ સાથે બીજા બે શખ્સો સાઇડમાં ઉભા હતાં અને વાતો કરતાં હતાં. મેં તેઓને રસ્તા પરથી વાહન સાઇડમાં લેવાનું કહી હોર્ન વગાડવા છતાં તેણે વાહનો સાઇડમાં લીધા નહોતાં. આથી હું સાઇડમાંથી સાવચેતીથી નીકળી જતાં બૂલેટવાળાએ મને પાછો બોલાવી 'હોર્ન કેમ વગાડે છે?' કહેતાં મેં તેને તમે રસ્તો આપો એ માટે હોર્ન વગાડ્યું હતું તેમ કહેતાં તે તથા તેની સાથેના શખ્સોએ ભેગા થઇ માથાકુટ કરી હતી. તેમાં એક શખ્સ જયરાજસિંહ પણ હતો, તેને હું ઓળખુ છું. તેની સાથે મારે અગાઉ પણ માથાકુટ થઇ હતી.

મારો મિત્ર કિરણ સારેસા આવી જતાં અમારે ત્યારે સમાધાન થઇ ગયું હતું. અડધા કલાક પછી જયરાજસિંહ અને બીજા ચાર શખ્સોએ મારા ઘર પાસે જલારામ સ્ટોર નજીક આવી ત્યાં કિરણ અને કુલદીપ હોઇ તેની સાથે ઝઘડો કર્યો હતો. હું નજીકમાં જ રહેતો હોઉ હું તથા બીજા લોકો ભેગા થઇ ગયા હતાં અને જયરાજસ્િંહ સહિતેને ઝઘડો નહિ કરવા સમજાવ્યા હતાં. પરંતુ તેણે અમારી જ્ઞાતિ વિશે જેમતેમ બોલી લાકડી-પાઇપથી હુમલો કરતાં મને, તથા કુલદીપ તેમજ દિપકભાઇ, દિલીપભાઇ મકવાણા અને દિનેશભાઇ મકવાણાને પણ માર માર્યો હતો. ગામના બીજા લોકો ભેગા થતાં આ બધા ભાગી ગયા હતાં. અમે કાયમ તેનાથી દબાઇની રહીએ એ કારણે તે આવી માથાકુટ કરે છે.

પી.આઇ. વી. વી. ઓડેદરા, ભાનુભાઇ મિંયાત્રા અને રશ્મીનભાઇ પટેલ સહિતની ટીમે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)