Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મેયરનાં વોર્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાગળીયામાં: દેશભકિત ગીત માટે સ્પીકરો નથીઃ મનસુખ કાલરીયા

બગીચાઓમાં દેશભકિત ગીત વગાડવાનાં કાર્યક્રમનું સૂરસૂરિયુઃ શાસકોને વિપક્ષી ઉપનેતાનો ચિંટીયો

રાજકોટ તા. ર૧ :.. પ્રજાસત્તાક પર્વની ઉજવણી મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં થઇ રહી છે ત્યારે મેયર બીનાબેન આચાર્ય જે વોર્ડમાંથી ચૂંટાયા છે તે વોર્ડ નં. ૧૦ નાં બગીચામાં દેશભકિત ગીત વગાડવાના કાર્યક્રમનું સૂરસૂરિયુ થઇ ગયાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા મનસુખ કાલરીયાએ કર્યો છે.

તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં આગામી તા. ર૬ જાન્યુઆરીના રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સંદર્ભે શહેરના મુખ્ય જાહેર બગીચાઓમાં તા. ૧૭-૧ થી ર૬-૧ સુધી સવારે ૬ થી ૯ અને સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી મનપા દ્વારા દેશભકિતના ગીતો વગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. પરંતુ મેયરના વિસ્તાર એવા વોર્ડ નં. ૧૦ માં આવેલ પ્રેમ મંદિર ગાર્ડન (શહીદ ચંદ્રશેખર આઝાદ ગાર્ડન) માં મ્યુઝિક સાધનો લગાવી દેવામાં આવ્યા છે  પરંતુ આજ સુધી દેશભકિતન ગીતો વાગવાના શરૂ થયેલ નથી. કોઇ ટેકનીકલ ખામીના કારણે આવુ બનેલ હશે પરંતુ આ બાબતે કોઇ જવાબદાર અધિકારીઓ દરકાર લેતા નથી. મનપાનું તંત્ર માત્ર જાહેરાતમાં જ શરૂ હોય એ સ્પષ્ટ જણાય આવે છે તેમ કોંગી કોર્પોરેટર મનસુખ કાલરીયાએ આક્ષેપ કર્યા છે.

(4:25 pm IST)