Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

૩૦૦ મશાલથી દીપી ઉઠશે 'રંગીલું રાજકોટ'

મશાલથી રચાશે 'સ્વચ્છતા સંદેશ', 'જય હિન્દ', હાર્ટ, તોરણ, પગથિયા સહિત અનેક અવનવી કૃતિઓ ૨૪મીએ રાત્રે શૌર્યનું પ્રતિક મશાલ સાથે રાજકોટ પોલીસની માર્ચ પાસ્ટ અને અવનવા કરતબો રોમાંચિત કરશે પ્રજાને

રાજકોટ,તા.૨૨:પહેલાના સમયમાં જયારે વીજળીનીં શોધ નહોતી થયેલી તે સમયે રાત્રીના અજવાસ માટે મશાલનો ઉપયોગ કરવામાં આવતો. રાજાશાહી સમયે સૈનિકોનો કે અન્ય કારવા મશાલનો ઉપયોગ કરી સ્થળાન્તર કરતા ત્યારે અદભૂત દ્રશ્ય જોવા મળતું.  તેવો જ અદભૂત નજારો ક્રાંતિકારીઓ મશાલનો ઉપયોગ કરતા તે સમયે જોવા મળતો.

કહેવાય છે કે મશાલ એ શૌર્યનું પ્રતીક છે, સાથોસાથ એક ઉજાસ પાથરે છે. ઓલમ્પિક ગેમ્સની શરૂઆત પણ મશાલ સાથે કરવામાં આવે છે જે એક પ્રકારે ખેલાડીઓમાં જુસ્સો વધારવાનું કાર્ય કરે છે. વિશ્વની બેજોડ પ્રતિમા સ્ટેસ્યુ ઓફ લિબર્ટી માં એક હાથમાં મશાલ સાથે વિશ્વને શાંતિ અને આશાનો સંદેશ આપે છે,  એ જ પ્રતીકરૂપે રાજકોટ પોલીસના ૩૦૦ જવાનો દ્વારા પૌરાણિક સમયને તાજો કરી શૌર્ય સાથે વિવિધ સંદેશ આપતો મશાલ પીટી કાર્યક્રમ ૨૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની પ્રજાસત્ત્।ાકદિન ઉજવણીના ભાગરૂપે યોજાશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિતિમાં રાજકોટના ચૌધરી મેદાન ખાતે મ્યુઝિક બેન્ડના તાલે જવાનો મશાલ માર્ચ સાથે વિવિધ કરતબો દેખાડશે. દિલધડક શો માં જવાનો મશાલ સાથે માર્ચ તેમજ વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરી દર્શકોને અચંબિત કરી દેશે.

અંધારી રાતે મશાલ થકી રાજકોટ જે માટે ઓળખાય છે તે શેપ'રંગીલુ રાજકોટ'' લખાશે. આ ઉપરાંત  'સ્વચ્છતા સંદેશ', 'જય હિન્દ', 'ગુજરાત પોલીસ'' , વિશાળ તોરણ, હાર્ટ, સ્ટેપ સહીત અવનવી પ્રતિકૃતિ તૈયાર કરશે. આ જવાનો બંને હાથમાં મશાલ સાથે ડ્રિલ તેમજ રોડશો દ્વારા દેશભકિતનો સંદેશ અપાશે.

મશાલ કેવી રીતે તૈયાર કરાય છે ?

લોખંડના ખાસ હેન્ડલ વાળા સળિયા પર ઉપરની તરફ ખાસ ગોળાકાર શેપ પર કપડું વીંટાળવામાં આવે છે. આ ભાગને કપાસિયા તેલમાં ૧૦ થી ૧૨ કલાક ડુબાડી રાખવામાં આવે છે. ત્યારબાદ ૮ થી ૯ કલાક સુધી તેને સૂકવવામાં આવે છે, આ રીતે તૈયાર થાય છે મશાલ. જેને પ્રગટાવવાથી ૩૦ મિનિટ ચાલે છે મશાલ જયોત.

સાવચેતી

આ કાર્યક્રમમાં કોઈપણ જાતની આગજની કે દુર્દ્યટના નો બને તે માટે નોડલ ઓફિસર વી.એ. પરમાર, બે પી.એસ.આઈ વિક્રમભાઈ તેમજ જીતેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં ૧૦ ઇન્સ્ટ્રકટર હાજર રહી જવાનોને ખાસ ટ્રેનિંગ આપી છે.

(4:06 pm IST)