Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઓઢેલી ચાદર મશીનમાં ફસાતાં બિહારી મજૂરનું માથુ અથડાયું: મોત

ગોંડલ રોડ પર મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વિચીત્ર અકસ્માત : ૪૫ વર્ષના અજયભાઇ યાદવનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું: મોડી રાતે બનાવ

રાજકોટ તા. ૨૨: ગોંડલ રોડ પર પટેલ કન્યા છાત્રાલય નજીક મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા એએમડબલ્યુ નામના હાઇડ્રોલિકના કારખાનામાં રાતપાળીમાં કામ કરી રહેલા મુળ બિહારના અને હાલ વિરાણી અઘાટમાં રહેતાં અજયભાઇ અવધેશભાઇ યાદવ (ઉ.૪૫) રાતે સવા બે વાગ્યા આસપાસ મશીન પર કામ કરતાં હતાં ત્યારે ઓઢેલી ચાદરનો છેડો મશીનમાં ફસાતાં તે ખેંચાઇ ગયા હતાં અને ધડાકા સાથે તેમનું માથું લોખંડના મશીનમાં અથડાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી કિશનભાઇએ કરતાં માલવીયાનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ પરમાર અને અરૂણભાઇ ચાવડાએ પહોંચી કાર્યવાહી કરી મૃતદેહ હોસ્પિટલે ખસેડ્યો હતો. મૃતક પાંચ ભાઇઅને ચાર બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી છે. બનાવને પગલે મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતદેહ વતન બિહાર લઇ જવાયો હતો.

(1:06 pm IST)