Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભત્રીજાના લગ્નમાં ગોતીડો વધાવતી વખતે રાસ રમતી વેળાએ કાકીનું હૃદય બેસી ગયું

ગોકુલધામ ગીતાંજલિ સોસાયટીના પ્રફુલાબેન નળીયાપરા ગાંધીગ્રામ રંભામાની વાડી ખાતેના લગ્ન પ્રસંગમાં હતાં ત્યારે બનાવઃ પ્રજાપતિ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: જિંદગીની સફરનો અંત અચાનક જ આવી જતો હોય છે. ગોકુલધામ પાછળ ગિતાંજલી સોસાયટી માધવ એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રફુલાબેન હેમતભાઇ નળીયાપરા (વરીયા પ્રજાપતિ) (ઉ.વ.૪૫) ગઇકાલે ગાંધીગ્રામ શિતલ પાર્કના બસ સ્ટોપ નજીક શાસ્ત્રીનગરમાં આવેલી રંભામાની વાડી ખાતે યોજાયેલા પોતાના ભત્રીજા અશોક મનસુખભાઇ નળીયાપરાના   લગ્ન હોઇ ત્યાં ગોતીડો વધાવતી વખતે ઢોલના તાલે રાસ રમતાં રમતાં ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારજનોની લગ્નની ખુશી શોકમાં પરિણમી હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનારના પતિ હેમતભાઇ વાસણની ફેરી કરી ગુજરાન ચલાવે છે. બનાવ અંગે વરરાજાને આજ સુધી અજાણ રખાયા હતાં. આજે ફેરા હતાં. રાસ રમતી વેળાએ પ્રફુલાબેનને હાર્ટએટેક આવી ગયાનું જણાયું હતું.

(1:03 pm IST)