Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કુવાડવાના ખીજડીયાના રાજુભાઇ બાવળીયા વ્યાજખોરીમાં ફસાતાં ઘર છોડવા મજબૂર થયા

સાત વર્ષ પહેલા મકાન માટે ચાર શખ્સો ચિન્ટૂ, કુંવરા, રણછોડ અને રૂડા પાસેથી નાણા લીધા'તાઃ અગાઉ ઝેર પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતોઃ કુવાડવા પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૧: કુવાડવાના ખીજડીયા ગામે રહેતાં મનિષાબેન રાજુભાઇ બાવળીયા (ઉ.૪૨) નામના મહિલાના પતિએ સાત વર્ષ પહેલા અલગ-અલગ ચાર લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. આ રકમ સામે વ્યાજ ભર્યા પછી પણ વધુ વ્યાજ માંગી હેરાન કરવામાં આવતાં હોઇ મહિલાના પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને એ પછી ઘર છોડી જવા મજબૂર થયા હતાં. હજુ પણ વ્યાજ માટે ત્રાસ અપાતો હોઇ તેણીના પતિ ફરીથી ઘર છોડીને જતાં રહેતાં પોલીસે વ્યાજખોરીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

કુવાડવા પોલીસે ખીજડીયા રહેતાં મનિષાબેન રાજુભાઇ બાવળીયા (ઉ.૪૨) નામના કોળી મહિલાની ફરિયાદ પરથી રાજકોટના ધમલપરના ચિન્ટૂ ઉર્ફ નૈનભાઇ જાડેજા, ખીજડીયાના કુંવરા વિરજીભાઇ ભરવાડ, રણછોડ બાબુભાઇ ડાભી તથા ખેરવાના રૂડાભાઇ ભરવાડ સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), મનીલેન્ડ એકટની કલમ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે.

મનિષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ રાજુભાઇ માવજીભાઇ બાવળીયાએ સાતેક વર્ષ પહેલા મકાન બનાવવા માટે પૈસાની જરૂર હોઇ ઉપરોકત ચારેય શખ્સો પાસેથી અલગ-અલગ રકમ ઉંચા વ્યાજે લીધી હતી અને લાંબો સમય સુધી વ્યાજ ભર્યુ હતું. આમ છતાં ચારેયએ વધુને વધુ વ્યાજ માંગી ધમકીઓ આપવાનું શરૂ કરતાં અને ફોનમાં સતત ગાળો ભાંડી ધમકાવતાં તેણીના પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોત. એ પછી પણ ધમકીઓ ચાલુ રહતાં ઘર છોડીને જતાં રહ્યા હતાં અને પાછા આવી ગયા હતાં.

પરંતુ ફરીથી વ્યાજની માંગણી કરી ધાકધમકીઓ અપાતાં છેલ્લા બે મહિનાથી તે ઘર છોડી ગયા છે. આ મામલે પી.આઇ. એમ.આર. પરમાર, હિતેષભાઇ ગઢવી સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:46 am IST)