Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક સરકારે અટકાવીઃ ૨૭મીએ સામાન્ય સભા

કોંગ્રેસના શાસનમાં વિધ્નો સર્જવાના ભાજપના શ્રીગણેશઃ કારોબારી અધ્યક્ષ હાઇકોર્ટમાં દોડયાઃ કાનૂની-રાજકીય લડત

રાજકોટ તા.૨૧: જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે સવારે ૧૧ વાગ્યે મળનાર હતી પરંતુ ગઇ મોડીરાત્રે વિકાસ કમિશનરે ભાજપના સભ્ય ધ્રુપદબા કુલદીપસિંહ જાડેજાની અરજીના આધારે સ્ટે.આપી સુનાવણી માટે તા.૩૦ની મુદત આપતા કારોબારી સમિતિની બેઠક અટકી પડી છે મોડી રાત્રે ડી.ડી.ઓ અનિલકુમાર રાણાવાસિયાએ આ અંગે કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાને જાણ કરેલ. સરકારી સ્ટે.ને કારોબારી અધ્યક્ષે રાજકીય કિન્નાખોરીભર્યો ગણાવી તેની સામે આજે જ હાઇકોર્ટમાં ધા નાખવાનું નક્કી કર્યુ છે સમિતિઓની રચના માટે તા.૨૭ જુલાઇએ સવારે ૧૧ વાગ્યા સામાન્ય સભા મળશે.

તે પૂર્વ કારોબારી બેઠક અટકાવી વિપક્ષ ભાજપે કોંગી શાસકોને રાજકીય ખલેલ પહોચાડવાના શ્રીગણેશ કરી દીધા છે.

સમિતિઓની રચના વખતે કોંગ્રેસમાં નવાજુની કરાવવાની ભાજપની ગણતરી છે. કુંવરજીભાઇ બાવળિયા જુથ અને કોંગીના અસંતુષ્ટો એકબીજાની નજીક સરકી રહ્યા છે.

ધ્રુપદબાએ આખી કારોબારીનો વિસ્તૃત એજન્ડા સભ્યોને મળતો ન હોવાનો આક્ષેપ કરેલ તેમજ મુદત પૂરી થવાની હોય ત્યારે ખાસ કારોબારી બોલાવી ન શકાય તેવુ કારણ ધરી સ્ટે માંગેલ તે માંગણી વિકાસ કમિશનરે માન્ય રાખી છે. કારોબારી અધ્યક્ષ અર્જુન પાટરિયાએ જણાવેલ કે ધ્રુપદબા પોતે કારોબારી સભ્ય જ નથી છતા તે ઇચ્છેતો વિગતવાર એજન્ડા અમારી પાસે માંગી શકયા હોત. રાજકીય હેતુથી સ્ટે.માંગી પંચાયતના વિકાસ કામો અટકાવવા પ્રયાસ કર્યો છે તેની સામે અમે આજે જ હાઇકોર્ટના દ્વાર ખટખટાવી વિકાસ કમિશનરે આપેલ સ્ટે હટાવવા માંગણી કરશુ. તા.૨૪મીએ કારોબારીની મુદત પૂરી થઇ રહી છે તે પૂર્વ બેઠક યોજવાનો માર્ગ ખૂલ્લો કરવાનો અમારો પ્રયાસ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જો શાશકો ૪ દિવસમાં કારોબારી નહિ યોજી શકે તો હાલની કારોબારી સમિતિનું અસ્તિત્વ મટી જશે. ત્યારબાદ નવી કારોબારી રચાય અને નવા કારોબારી અધ્યક્ષ નિયુકત થાય પછી જ કામગીરી આગળ વધી શકશે. બિનખેતીની ફાઇલો સહિતના વિકાસ કામોની દરખાસ્તોનું ભાવિ અધ્ધરતાલ થઇ જશે. પંચાયતના રાજકારણમાં જોરદાર કાનૂની અને રાજકીય દાવપેચનો પ્રારંભ થઇ ગયો છે.

(11:49 am IST)