Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કેસ પાછા ખેંચી લેજે નહિતર જીવતી નહિ રહેવા દઉ, હવે કોઇ સંબધ રાખવો જ નથી...તલ્લાક તલ્લાક તલ્લાક !

સૌરાષ્ટ્રભરમાં 'ત્રિપલ તલ્લાક'નો પ્રથમ ગુનો રાજકોટમાં દાખલ થયો : રિસામણે બેઠેલી જંગલેશ્વરની સલમાને બાબરીયા કોલોનીમાં રહેતાં પતિ અલ્તાફ નકાણીએ ધમકી પણ દીધીઃ મુસ્લિમ લો ઓડિનેશન ૨૦૧૮ની કલમ ૩-૪ હેઠળ ભકિતનગર પોલીસ મથકમાં એફઆઇઆર દાખલ થઇ

રાજકોટ તા. ૧૮: ત્રિપલ તલ્લાકમાં કેન્દ્ર સરકારે ગયા વર્ષે અમલમાં મુકેલા કાયદા અંતર્ગત સૌરાષ્ટ્રભરમાં પહેલો કેસ રાજકોટના ભકિતનગર પોલીસ મથકમાં દાખલ થયો છે. જંગલેશ્વરમાં હાલ માવતરે રહેતી સલમાબેન અલ્તાફ નકાણી (ઉ.૨૫) નામની પરિણીતાને બાબરીયા કોલોનીમાં રહેતાં તેના પતિ અલ્તાફે તેણીના માવતરના ઘરે આવી 'કેસ પાછા ખેંચી લેજે નહિતર જીવતી નહિ રહેવા દઉ, હવે કોઇ સંબધ રાખવો જ નથી' તેમ કહી 'તલ્લાક તલ્લાક તલ્લાક' એમ ત્રણ વખત બોલી છુટાછેડા થઇ ગયાનું કહી ગાળો દઇ ભાગી જતાં ગુનો નોંધાયો છે. પોલીસે તેણીના  પતિ અલ્તાફ ઇસ્માઇલભાઇ નકાણી (રહે. બાબારીયા કોલોની-૪) સામે આઇપીસી ૫૦૬ (૨), ૫૦૪ તથા મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારના રક્ષણ) ઓડિનેશન ૨૦૧૮ની કલમ ૩-૪ મુજબ ગુનો નોંધ્યો છે.

સલમાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે  હું હાલ મારા માતાના ઘરે રહું છું. મારા લગ્ન ચાર વર્ષ પહેલા જ્ઞાતિના રીતિરિવાજ મુજબ અલ્તાફ નકાણી સાથે થયા છે અને સંતાનમાં એક દિકરો અયાઝ છે. તે અગિયાર માસનો થયો ત્યારથી હું માવતરે રિસામણે છું અને પતિ સામે ફેમિલી કોર્ટમાં ભરણ પોષણનો કેસ દાખલ કર્યો છે. જે કેસ ચાલુ છે. તેમજ અગાઉ પતિ, સાસુ, નણંદ સામે ૪૯૮ (ક) મુજબનો કેસ કર્યો છે તે પણ ચાલુ છે. ૧૫/૮ના રોજ હું તથા મારા મોટા ભાઇ અબ્દુલભાઇ દોઢીયા, ભાભી નાસરીનબેન તથા મારો દિકરો અયાઝ (ઉ.૪) ઘરે હતાં ત્યારે પતિ અલ્તાફ આવ્યો હતો અને માથાકુટ કરી 'તું કેમ મારી પાછળ પડી ગઇ છો?' કહી લગ્ન જીવનમાંથી છુટા પડવાની વાત કરી હતી.

પણ મારે એક દિકરો હોઇ તેના ભવિષ્યનો વિચાર કરી મેં છુટાછેડા લેવાની ના પાડી હતી. આથી પતિએ ઉશ્કેરાઇ જઇ કહેલ કે મારા વિરૂધ્ધ ખાધાખોરાકીનો અને મારા પરિવાર વિરૂધ્ધ ત્રાસ આપવાનો કેસ કર્યો છે તે પાછો ખેંચી લેજે નહિતર જીવતી નહિ રહેવા દઉ, તું બહાર કેમ નીકળે છે તે જોવ છું...તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. મારા ભાઇ-ભાભીએ તેને ઝઘડો નહિ કરવા સમજાવ્યો હતો. પણ તેણે વધુ ઉશ્કેરાઇ જઇ 'હવે મારે કોઇ સંબંધ રાખવો જ નથી' તેમ કહી અમારા મુસ્લિમ ધર્મના રિવાજ મુજબ 'તલ્લાક તલ્લાક તલ્લાક' એમ ત્રણ વખત બોલી લગ્ન જીવનથી છુટાછેડા લઇ લીધાનું કહી ગાળો દઇ ધમકી આપી જતો રહ્યો હતો.

એ પછી મેં મારા માતા, સગા સંબંધીઓને વાત કરી હતી. લગ્ન જીવન ચલાવવું હોઇ જેથી પતિના કુટુંબીજનો, સગાઓને પણ અમે સાથે રહેવાની વાત કરી હતી. પરંતુ આજ સુધી પતિએ કોઇ વાતચીત ન કરતાં અને તેના પરિવાર તરફથી પણ કોઇ જવાબ નહિ આવતાં અંતે મારા માતા ફરિદાબેન અને ભાઇ અબ્દુલભાઇને સાથે રાખી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી.

પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં હેડકોન્સ. રસિકભાઇ, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નવો કાયદો લાગુ પડ્યા પછી સૌરાષ્ટ્રમાં આવો પહેલો કેસ દાખલ થયો છે.

(8:51 am IST)