Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

પૂર્વ સૈનિકોની માંગણીઓને કોંગ્રેસનું સમર્થન : ઋત્વિક મકવાણા

પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખનું પત્રકાર પરિષદમાં સંબોધન : ગુજરાતમાં સત્તા પર આવતાની સાથે જ જુની પેન્શન યોજના લાગુ કરવાનો કોલ

રાજકોટ તા. ૧૭ : પૂર્વ સૈનિકોના હકક અધિકારની વ્યાજબી માંગણીને કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન હોવાનું પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતુ.
તેઓએ જણાવ્યુ હતુ કે ભાજપની સરકાર એક તરફ ઉજવણી કરી રહી છે. બીજી તરફ મા ભોમની રક્ષા માટે ખડે પગે ફરજ બજાવતા પૂર્વ સૈનિકોની વાત સાંભળવા કોઇ તૈયાર નથી. ઉલ્ટાની તેમના પર લાઠીઓ વરસાવી અવાજ દબાવવા પ્રયાસો થઇ રહ્યા છે. આ ભાજપનો અસલી ચહેરો છે.
કોંગ્રેસ હંમેશા સૈનિકોના સન્માન માટે પ્રતિબધ્ધ છે. સર્વીસ દરમિયાન મૃત્યુ પામેલા પરિવારમાંથી કોઇ એકને સારી નોકરી, પૂર્વ સૈનિકને મળતુ ૧૦% અનામતનો ચુસ્ત અમલ, પૂર્વ સૈનિકોને નોકરી ન મળે તો ખેતીની જમીન અથવા પૂર્વ સૈનિકને રહેઠાણ માટે પ્લોટની વ્યવસ્થા, પૂર્વ સૈનિકોના સંતાનોને ધો.૧૨ પછીના ઉચ્ચ અભિયાસમાં રીઝર્વ સીટ, માજી સૈનિકોને કોન્ટ્રાકટ પધ્ધતિથી બાદ રાખી સીધી ભરતીમાં રાખવા સહીતના મુદદે પૂર્વ સૈનિકોની વ્યાજબી લડતને કોંગ્રેસનું સમર્થન છે.
આ તકે તેઓએ કોલ આપતા જણાવ્યુ હતુ કે જનતાના સાથથી ગુજરાત વિધાનસભા ૨૦૨૨ માં સતા પર આવતાની સાથે જ જુની પેન્શન યોજના લાગુ કરીશુ. રાજયના કર્મચારીઓની નિવૃત્તી પછી સંપૂર્ણપે સન્માન સાથે જીવન જીવી શકે તેવો ઉદેશ્ય કોંગ્રેસનો છે.
મોટા મોટા તાયફા અને બીનઉપયોગી મેળાવડા કરીને પ્રજાના મહેનતના ટેક્ષના રૂપિયાથી પોતાનો પ્રચાર કરનાર ભાજપ સરકાર ગુજરાત હાઇકોર્ટના આદેશ દ્વારા ૨૦૧૨ માં નાબુદ કરેલ ફિકસ પગાર પ્રથાના વિરોધમાં સુપ્રિમમાં જાય અને તયાં એફીડેવીટ કરીને ગુજરાતની આર્થિક પરિસ્થિતિનું બહાનું આગળ ધરે તયારે એ સત્ય જનતાના ધ્યાને આવી ગયુ હોવાનું ધ્રુજારો કરતા ઋત્વિકભાઇ મકવાણાએ જણાવ્યુ હતુ.
જનરલ પ્રોવિડન્ટ ફંડ એ એવું રીઝર્વ ફંડ છે કે જેમાં દરેક કર્મચારી પોતાના ૬% કે વધુ ફાળો જમા કરાવે તો સરકાર તેના પર વ્યાજ ચુકવતી. આ યોજના કર્મચારીઓ માટે હિતાવહ હતી. નિવૃત્તિ બાદ કર્મચારીને છેલ્લા બેઝીક પગારના ૫૦% લેખે પેન્શન પણ મળતુ. પરંતુ સરકારે આ યોજના બંધ કરી પોતાનું દેવુ વધાર્યુ છે. નવી પેન્શન યોજના શેર બજાર આધારીત છે. સરવાળે નવી પેન્શન યોજના નુકશાન કરે છે. તેમ અંતમાં ઋત્વિીકભાઇએ જણાવ્યુ હતુ.
તસ્વીરમાં પત્રકારોને સંબોધતા ઋત્વિકભાઇ મકવાણા અને બાજુમાં કોંગ્રેસ અગ્રણીઓ જશવંતસિંહ ભટ્ટી, અશોકભાઇ ડાંગર, ગાયત્રીબા વાઘેલા, પ્રદિપભાઇ ત્રિવેદી, મહેશભાઇ રાજપૂત, અતુલભાઇ રાજાણી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

 

(4:27 pm IST)