Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

આજની આત્મનિર્ભર નારી શકિતનું શ્રેષ્ઠ પ્રતીક : અરવિંદભાઇ

ર૦વર્ષના વિશ્વાસ દ્વારા સાધેલા વિકાસની ઉજવણી : સ્વસહાય જુથોને ચેક-નિમણુંક પત્રોનું વિતરણ

રાજકોટ તા. ૧૭ : રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે ઁવિશ્વાસથી વિકાસ યાત્રા અન્વયે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પંચાયતના સંયુકત ઉપક્રમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વસહાય જૂથોને ચેક વિતરણનો કાર્યક્રમ રાજ્યકક્ષાના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
 આ કાર્યક્રમમાં પ્રતિનિધિ તરીકે આવેલા ૧૯ બહેનોને ચેકનું વિતરણ, ૫ બહેનોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનું વિતરણ તથા ૩ બહેનોને પી.આર.પી. (પ્રોફેશનલ રિસર્ચ પર્સન)ના નિમણુંક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે કુલ ૧૮૨૪ સ્વસહાય જૂથોની ૧૮,૨૪૦ મહિલાઓને કુલ રૂ. ૧૧.૨૧ કરોડની રકમના લાભો મંજૂર કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી પ્રાર્થના કરી હતી કે ઈશ્વર તેમને નિરામય જીવન તેમજ જનતાની સેવા કરવાનો અવસર આપે. નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગુજરાત રાજ્યને રોલ મોડેલ તરીકે રજૂ કર્યું છે, જે આપણા માટે ગૌરવની વાત છે. દેશની પ્રગતિ માટે આપણે સૌ ખભેખભો મિલાવીને કામ કરીએ તો જ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ સૂત્ર ખરાં અર્થમાં સાર્થક થશે.
આજની આત્મનિર્ભર નારી શકિતનું શ્રેષ્ઠ પ્રતીક છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત આર્થિક રીતે પગભર બનેલી ગામડાની સખીમંડળની મહિલાઓ છે. તેઓના સર્વાંગી વિકાસની જવાબદારી સરકારે નિભાવી છે. શહેરમાં ઉપલબ્ધ હોય, તેવી સુવિધાઓ ગુજરાતના ગામે-ગામે પહોંચાડવા સરકાર દ્વારા નિર્ણાયક પગલાંઓ લેવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ તકે સાંસદશ્રી રામભાઈ મોકરીયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા. ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હૈયામાં છેવાડાના માનવીનું હિત સમાયેલું છે. આથી, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા, ત્યારે તેમણે વાવેલું સખીમંડળનું બીજ આજે વટવૃક્ષ બનીને ખીલ્યું છે. તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરે પ્રાસંગિક ઉદ્બોધનમાં સખીમંડળની સફળતાને બિરદાવી હતી.
આ કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. બેડી ગ્રામ સખી સંઘના પ્રમુખશ્રી દક્ષાબેન મકવાણા તથા જીયાણા ગામના પાયાલબેન છાસિયાએ પ્રતિભાવ રજૂ કરી સરકારનો આભાર માન્યો હતો. તેમજ સૌએ રાજયકક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ નિહાળ્યો હતો.આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનીસિપલ કમિશનરશ્રી એ. કે. સિંઘ, પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી ધીમંત વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. એસ. ઠુમ્મર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરિયા, અગ્રણીઓ શ્રી નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલા, મનસુખભાઈ રામાણી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:12 pm IST)