Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ધારાસભ્‍યના પ્રશ્નોનો સમયસર જવાબ આપો : આજની ફરિયાદ સંકલનમાં અધધધ ૧૪૦ જેટલા પ્રશ્નો

કલેકટરની અધિકારીઓને તાકિદ : પૂરવઠા - શિક્ષણ - સિંચાઇ - વીજતંત્ર સહિતના પ્રશ્નો

રાજકોટ તા. ૧૭ : રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્‍ટર શ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્‍યશ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી મહંમદ જાવેદ પીરઝાદા અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા

કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ સાંસદ અને ધારાસભ્‍ય શ્રીના પડતર રહેલા પ્રશ્નોના સમયસર જવાબ અને કામોના સમયસર નિકાલ થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી

બેઠકમાં કુલ ૧૪૦ જેટલા પ્રશ્ર્નો રજુ થયા હતા જેમા  પુરવઠા, શિક્ષણ, પીજીવીસીએલ, સિંચાઈ, આરોગ્‍ય, માર્ગ-મકાન, ડી.આઈ.એલ.આર. વગેરે વિભાગના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી

સંકલન બેઠક અગાઉ જિલ્લા ગ્રાહક સુરક્ષા અને સલાહકાર સમિતિની પણ બેઠક મળી હતી. જેમાં નવી બંધ પડેલી અને નવી દુકાનો ખોલવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આ તકે ‘અંગદાન એ જ જીવનદાન' અન્‍વયે ઉપસ્‍થિત સૌ અધિકારીઓએ શપથ લીધા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પ્રાદેશિક કમિશનર નગરપાલીકાશ્રી ધિમંતકુમાર વ્‍યાસ, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર વગેરે વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને બેઠકની શરૂઆતમાં નિવાસી અધિક કલેક્‍ટરશ્રી કેતન ઠક્કરે  સૌનું સ્‍વાગત કરી આવકાર્યા હતા.

(4:08 pm IST)