Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

બજરંગવાડીમાં પૂજા ચાવડીયાનું ફળીયામાં દાઝી જતા મોતઃ બે મહિના પહેલા જ સગાઇ થઇ'તી

ફળીયામાં તગારામાંથી સગાઇનો સળગેલો સામાન મળ્યોઃ આપઘાત કર્યાની શંકાએ ગાંધીગ્રામ પોલીસની તપાસઃ એસએસએલની મદદ લેવામાં આવી

રાજકોટ તા. ૧૭: બજરંગવાડીમાં રહેતી ભરવાડ પરિવારની યુવતિનું ઘરના ફળીયામાં દાઝી જતાં મોત નિપજ્યું છે. ફળીયામાં પડેલા તગારામાંથી સગાઇનો સળગેલો સામાન પણ મળ્યો હતો. બે મહિના પહેલા જ આ યુવતિની સગાઇ થઇ હતી. અકસ્માતે દાઝી ગઇ કે આત્મહત્યાનું પગલુ ભર્યુ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ બજરંગવાડી શેરી નં. ૮માં સર્કલ પાસે રહેતી પૂજા રઘુભાઇ ચાવડીયા (ઉ.૨૧) ઘરના ફળીયામાં દાઝી જતાં ૧૦૮ને જાણ કરવામાં આવતાં ઇએમટી ચિરાગ પરમાર અને પાઇલોટ મેહુલદાન પહોંચ્યા હતાં. ઇએમટી તબિબની તપાસમાં તેણી મૃત્યુ પામી હોવાનું જણાતાં  પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કરવામાં આવતાં ઇન્ચાર્જ પીએસઆઇ પીઠડીયાએ ગાંધીગ્રામમાં જાણ કરતાં પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એચ. વી. સોમૈયા અને મહેશભાઇ કછોટ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૃરી કાર્યવાહી કરી હતી. પોલીસે એફએસએલની મદદથી ઘટના સ્થળે તપાસ કરી હતી.

મૃત્યુ પામનાર પૂજા છ બહેન અને એક ભાઇમાં પાંચમા ક્રમે હતી. તેની સગાઇ બે મહિના પહેલા જ થઇ હતી. ગાયોને મચ્છર ન કરડે એ માટે તેણી ખડ સળગાવવા જતાં દાઝી ગયાનું પરિવારજનોએ જણાવાયું હતું. જો કે ફળીયામાં પડેલા તગારામાં તેનો સગાઇનો સામાન પણ સળગેલી હાલતમાં મળ્યો હતો. બનાવ બન્યો ત્યારે માતા ન્હાવા ગયા હતાં અને પૂજાની બહેન અંદર કામ કરતી હતી. દેકારો થતાં તે દોડી આવી હતી ત્યારે બહેન સળગેલી હાલતમાંમળી હતી. બનાવ ખરેખર શું બન્યો? તેઅંગે તપાસ યથાવત રાખવામાં આવી છે

(4:05 pm IST)