Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રૃમમાં ગેસ લીકથી ભડકોઃ ચાર મજૂર દાઝયા

વાંકાનેરના અમરધામ પાસે બનાવઃ મુળ મધ્યપ્રદેશના મજૂરોને સારવાર માટે રાજકોટ ખસેડાયાઃ રાતભર રૃમમાં ગેસ લિકેજ થયોઃ સવારે કોઇ કારણે સ્પાર્ક મળતાં જ ભડકો

રાજકોટ તા. ૧૭: વાંકાનેરના માટેલ રોડ પર અમરધામ પાસે સિરામીક ફેકટરીની રૃમમાં રહેતાં અને ત્યાં જ ફેકટરીમાં કામ કરતાં મધ્યપ્રદેશના ચાર મજૂરો સવારે ગેસ લિકેજને કારણે રૃમમાં આગ ભભૂકતાં દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ અમરધામ નજીક લેટોજા સિરામીક કારખાનાની રૃમમાં સવારે આગ લાગતાં અંદર ઉંઘી રહેલા આશિષ સીધાભાઇ પાલ (ઉ.૨૦), કમલેશ રામકરણ પાલ (ઉ.૩૭), સચિન સમેલા પાલ (ઉ.૧૯) અને પવન કલુ પાલ (ઉ.૧૮) દાઝી જતાં ચારેયને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

મજૂરોના કહેવા મુજબ તમામ મધ્યપ્રદેશના વતની છે અને બે વર્ષથી અહિ રહી મજૂરી કરે છે. રૃમમાં રાતભર ગેસ લિક થઇને ભરાઇ ગયો હતો અને સવારે કોઇપણ રીતે સ્પાર્ક મળતાં ભડકો થતાં ચારેય આગમાં લપેટાઇ ગયા હતાં.  પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:59 pm IST)