Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રાજકોટ સહિત રાજયભરના આઉટસોર્સ કર્મચારીઓની આજથી બેમૂદતી હડતાલ : દાખલા-સર્ટીફીકેટ સહિતની કામગીરી ઠપ્પ રાજય સરકારે એક આગ ઠારી ત્યાં બીજો ભડકો

રાજકોટ શહેર-જીલ્લાના ૧પ૦ કર્મચારીઓએ કામ બંધ કરી દીધું : કાયમી કરવા સહિતની માંગણીઓ

આઉટ સોર્સના ૧પ૦ કર્મચારીઓએ અનેક માંગણીઓ સાથે આજથી રાજકોટ શહેર-જીલ્લામાં હડતાલ પાડી છે, બેમુદતી હડતાલ શરૃ કરતા પૂર્વ આગેવાનોએ પશ્ચિમ મામલતદાર જાનકી પટેલને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૭ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ગાજી રહી છે, આવા સમયે રાજયના લાખો કર્મચારીઓ આજથી હડતાલ ઉપર જવાના હતા, પરંતુ સરકારે ૧૩ જેટલી માંગણીઓ સ્વીકાર લેતા આંદોલન મોકૂફ રહ્યું, માંડ માંડ આગ ઠારી ત્યાં બીજો ભડકો થયો છે, રાજકોટ શહેર-જીલ્લાના ૧પ૦ સહિત રાજયભરના કોન્ટ્રાકટર અને આઉટસોર્સ કર્મચારીઓએ મામલતદાર-ડે. કલેકટર-ઇ-ધરા-કલેકટર કચેરી-જન સેવા કેન્દ્રમાં મહેસુલી કામગીરી બંધ કરી આજથી બેમુદતી હડતાલ શરૃ કરી દેતા ભારે દેકારો બોલી ગયો છે, રાજકોટ શહેર-જિલ્લાની મામલતદાર કચેરીઓમાં ક્રિમીલેયર સર્ટીફીકેટ, ૭-૧ર, ૮-અ ના ઉતારા, અર્થે આવતા સેંકડો અરજદારોને ભારે ધક્કા થયા હતા.

કર્મચારી આગેવાનોએ કાયમી કરવા સહિતની માંગણીઓ નહિ સંતોષતા એલાને જંગ કર્યુ છે, ગઇકાલે પશ્ચિમ મામલતદાર શ્રી જાનકી પટેલને જનસેવા-રજીસ્ટ્રી-પુરવઠા-બીનખેતી -જનસંપર્ક ના ર૪ જેટલા કર્મચારીઓએ આવેદન પાઠવી વિસ્તૃત રજુઆતો કરી હતી. ઙ્ગ

આવેદનમાં જણાવેલ કે ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી બંધારણની સમાન કામ સમાન વેતન જોગવાઇનું ઉલ્લંધન કરી અગિયાર માસ કરાર આધારિત કોન્ટ્રાકટ, આઉટસોર્સ અને ફિકસ પગાર જેવી નીતિઓ દ્વારા લાખો યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. તારીખ ૪-૪-ર૦૧૦ થી વર્ગ-૪ ની કાયમી ભરતી લાખો ગરીબોના આર્થિક સધ્ધર થવાના સપના પણ ચકાચુર કરી દીધા છે. આ શોષણભરી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારી નીતિઓ નાબુદ કરી કોન્ટ્રાકટર અને આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવાની વારંવાર રજુઆત છતાં સરકાર દ્વારા કોઇ હકારાત્મક કાર્યવાહી ન કરવામાં આવતા અમારા હકક અને અધિકારો માટે લડતા ચલવાતા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ગુજરાત સરકારની શોષણ ભરી નીતિઓના વિરોધમાં આજથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે. જે સમર્થન આપીએ છીએ અને આઉટસોર્સ કર્મચારીઓ, સેવક, ડ્રાઇવર તથા સફાઇ કર્મચારીઓ જે તેને લગતા તમામ કામગીરી બંધ કરી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છીએ.

હડતાલ ઉપર જનાર આવેદન આપનારાઓમાં નિરવ કોટડીયા, અભિજીતસિંહ ડોડીયા, જાડેજા ક્રિપાલસિંહ, ધારા તળપદા, દિનેશ પરમાર, આકાશ પંડયા, મહેશ સોલંકી, રાજુભાઇ મકવાણા, ભાવેશ ચૌહાણ વિગેરેનો સમાવેશ થાય છે.

આઉટસોર્સ-કોન્ટ્રાકટના કર્મચારીઓ

હડતાલ ઉપર જતા તમામ મામલતદારોને

સ્થાનિક લેવલે વ્યવસ્થા કરવા સૂચના

રાજકોટ, તા. ૧૭ :  રાજકોટ શહેર-જીલ્લાના કોન્ટ્રાકટ-આઉટસોર્સના ૧પ૦ કર્મચારીઓએ આજથી બેમુદતી હડતાલ શરૃ કરતા જે તે મામલતદાર ડે. કલેકટર પુરવઠા- જનસેવા વિગેરે કચેરીઓમાં મહેસુલી કામગીરી અટકી જતા કલેકટર અને એડી. કલેકટરે જીલ્લાના તમામ મામલતદારોને સ્થાનિક લેવલે આજથી જ તાકિદે વ્યવસ્થા કરવા અને કાયમી એવા કારકૂન-તલાટી-ના. મામલતદારોને તે કામગીરી સોંપી દેવા-મોડી રાત્રે આદેશો કર્યા છે.

(3:57 pm IST)