Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ભાંગેલા રસ્‍તા પ્રશ્ને ચર્ચા ન થતા શાસક - વિપક્ષ વચ્‍ચે તડાફડી

મનપાના જનરલ બોર્ડમાં ધણધણાટી : વિપક્ષી નેતાનો વોકઆઉટ : વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર અને ‘આપ'ના કોર્પોરેટરોનો ખડેપગે રહી વિરોધ કર્યો : શાસક પક્ષના કોર્પોરેટર મનીષ રાડિયાના રામવન અને નવા સિગ્નલ અંગેના પ્રથમ પ્રશ્નના અમિત અરોરાએ વિસ્‍તૃત સંતોષકારક જવાબો આપ્‍યા

આજે યોજાયેલ સામાન્‍ય સભામાં શાસકો અને વિપક્ષ વચ્‍ચે તું...તું...મેં...મેં...ના દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા તે સમયની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૭ : મહાનગરપાલિકાની આજે મળેલ સામાન્‍ય સભામાં શહેરમાં વરસાદી પાણીના ગંદા ખાબોચ્‍યા અને રાજમાર્ગો ઉપર પડેલા ખાડા - ખબડાના પ્રશ્ને શાસકો અને વિપક્ષના સભ્‍ય વચ્‍ચે વાક્‍યયુધ્‍ધ સર્જાયુ હતું અને રાજકીય આક્ષેપબાજી થઇ હતી. વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ વોકઆઉટ કર્યુ હતું. જ્‍યારે વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર અને આપના આગેવાન વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ ખડેપગે રહી વિરોધ નોંધાવ્‍યો હતો. થોડા તુંતું-મૈંમૈં બાદ શાસક પક્ષના કોર્પોરેટર મનીષભાઇ રાડિયાના રામવન અને નવા સિગ્નલ અંગેના પ્રથમ પ્રશ્નના મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ વિસ્‍તૃત વિગતે સંતોષકારક જવાબો આપ્‍યા હતા.

આજે સવારે ૧૧ વાગ્‍યે મનપાના સ્‍વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં જનરલ બોર્ડ મેયર પ્રદિપ ડવની અધ્‍યક્ષતામાં યોજાયું હતું. આ બોર્ડમાં ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૧ મળી કુલ ૧૫ કોર્પોરેટરોએ રામવન, રસ્‍તા, ટીપી, રોશની સહિતના કુલ ૩૨ પ્રશ્નો મુકવામાં આવ્‍યા હતા.

જેમાં પ્રથમ પ્રશ્ન વોર્ડ નં. ૨ના ભાજપના કોર્પોરેટર મનીષભાઇ રાડિયા દ્વારા રામવનમાં કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી ? શું - શું સુવિધાઓ છે ? અંગેનો પ્રશ્ન રજૂ કર્યો હતો. જેની સામે વિપક્ષે અડધો કલાક સુધી રામવનની ચર્ચા સાંભળી અને બાદમાં શહેરના વિવિધ રાજમાર્ગો પર પડેલ ખાડા બાબતે ચર્ચા કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું. વશરામભાઇ સાગઠીયાએ ચાલુ જનરલ બોર્ડમાં મોબાઇલમાં વિડીયો બતાવ્‍યો હતો.

દરમિયાન શાસકના સભ્‍યોએ વિપક્ષના સભ્‍યોનો ઉધડો લેતા જણાવ્‍યું હતું કે, પ્રશ્નોત્તરીના સમયે હાજર રહેવું નથી અને બોર્ડમાં માત્ર દેખાવો કરી ગેરમાર્ગે દોરવામાં આવે છે. ગત બે બોર્ડમાં પણ તેઓના પ્રથમ પ્રશ્નની ચર્ચાઓ સાંભળી હતી.

બોર્ડમાં શાસકો અને વિપક્ષ વચ્‍ચેની રાજકીય આક્ષેપબાજીઓ બાદ ફરી પ્રથમ પ્રશ્નની ચર્ચા શરૂ થતાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને કોર્પોરેટર મકબુલ દાઉદાણી ચાલુ બોર્ડે નિકળી વોકઆઉટ કર્યું હતું. જ્‍યારે વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇએ ખડેપગે ઉભા રહી રસ્‍તા પ્રશ્ને ચર્ચા ન થતા વિરોધ નોંધાવ્‍યો હતો.

સૌ પ્રથમ વોર્ડ નં. ૨ના ભાજપના કોર્પોરેટર મનીષભાઇ રાડિયાએ રામવનમાં કેટલા મુલાકાતી મુલાકાત લીધી અને શું શું સુવિધા છે અંગેનો પ્રશ્ન રજૂ કર્યો હતો. આ પ્રશ્નના જવાબમાં મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ વિગતો આપતા જણાવ્‍યું હતું કે, આજી ડેમ વિસ્‍તારમાં મનપા દ્વારા રામવનનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આ રામવન ૧૭ ઓગષ્‍ટે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્‍યું હતું. આ વનમાં ૨૮ ઓગષ્‍ટ સુધી લોકોને ફ્રી પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. જેમાં અંદાજીત અઢી લાખ લોકોએ મુલાકાત લીધી હતી. ત્‍યારબાદ તા. ૩૧ ઓગષ્‍ટથી ટીકીટ રાખવામાં આવી છે. જેમાં આજદિન સુધીમાં તંત્રને ૪.૫૫ લાખ સુધીની આવક થવા પામી છે અને સાથોસાથ રામવનની વિવિધ સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી.

(3:27 pm IST)