Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

હર ઘર તિરંગાઃ હર પરિવાર કો પાનીઃ સામાન્‍ય સભામાં નરેન્‍દ્રભાઇ મોદીને પાઠવાયા અભિનંદન

રાજકોટ તા. ૧૭: આજરોજ મનપાના જનરલ બોર્ડમાં નરેન્‍દ્રભાઇને શુભેચ્‍છા પાઠવવાની સાથે હર ઘર તિરંગા અભિયાન અને દેશના ઘરવિહોણા લોકોને છત મળે તેમજ દરેક પરિવારને પીવાનું શુધ્‍ધ પાણી મળી રહે તે સંકલ્‍પ અંગે અભિનંદન ઠરાવ કરવામાં આવ્‍યા હતા.

જેમાં ભારત દેશને આંતરરાષ્‍ટ્રીય ફલક પર એક શકિતશાળી રાષ્‍ટ્ર તરીકે પ્રસ્‍થાપિત કરી, અભુતપૂર્વ ગૌરવ પ્રદાન કરનાર ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના આજરોજ જન્‍મદિવસે નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્‍ય સભાએ શુભેચ્‍છા પાઠવી હતી.

દેશના વિકાસ સાથોસાથ ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકો માટે પણ આશિર્વાદ સમાન અનેક યોજનાઓ અમલમાં મુકેલ છે.

હજુ પણ પ્રધાનમંત્રીશ્રીના સફળ નેતૃત્‍વમાં ભારત દેશ અનેક સિધ્‍ધિઓ હાંસલ કરશે એવા દ્રઢ વિશ્‍વાસ પણ વ્‍યકત કરવામાં આવેલ. આ ઠરાવ પુષ્‍કર પલટેલે રજુ કરેલ જેને જયમીન ઠાકરે ટેકો આપેલ.

જયારે ‘‘આઝાદી કા અમૃત મહોત્‍સવ'' અંતર્ગત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તા. ૧૩ થી ૧પ ઓગષ્‍ટ ર૦રર દરમ્‍યાન દેશભરમાં ‘હર ઘર તિરંગા' અભિયાનનું આહવાન કરેલ. જે અન્‍વયે રાજકોટ શહેરના શહેરીજનોએ તા. ૧૩ થી ૧પ ઓગષ્‍ટ ર૦રર દરમ્‍યાન ઘેર ઘેર તિરંગો લહેરાવી, દેશની રાષ્‍ટ્રભકિતને ઉજાગર કરી, દેશનું તથા રાજકોટ શહેરનું નામ રોશન કરેલ છે, જે બદલ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્‍ય સભા શહેરીજનોનો આભાર વ્‍યકત કરેલ છે. આ ઠરાવની દરખાસ્‍ત જયમીન ઠાકરે મુકેલ જેને મનીષભાઇ રાડીયાએ ટેકો આપેલ.

અંતિમ ઠરાવમાં દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ દેશના ઘરવિહોણા લોકોને છત મળે તેમજ દરેક પરિવારને પીવાનું શુધ્‍ધ પાણી મળી રહે તેવો સંકલ્‍પ કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના ઘરવિહોણા પરિવારોનું પોતાના ‘ઘરના ઘર'નું સ્‍વપ્‍ન સાકાર થાય, અને તમામ પરિવારોને પીવાનું શુધ્‍ધ પાણી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આજની સામાન્‍ય સભા સંકલ્‍પ કરે છે. આ ઠરાવની દરખાસ્‍ત જયમીન ઠાકરે મુકી હતી જેને મનીષભાઇ રાડીયાએ ટેકો આપેલ.

(3:24 pm IST)