Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સરકારની સજાગતા સામે ગ્રાહકો બમણી સજાગતા દાખવે તો જ ગ્રાહકલક્ષી કાયદોઓ ફળીભુત થાય : જયંતભાઇ કથીરિયા

રાષ્‍ટ્રીય સહ સચિવની અધ્‍યક્ષતમાં રાજકોટ ખાતે ગ્રાહક પંચાયત સદસ્‍યતા અભિયાન અર્થે મળી ગયેલ બેઠક

રાજકોટ તા. ૧૬ : ‘સરકારે ગ્રાહકોની સુરક્ષા માટે કાયદા તો બનાવ્‍યા છે. પરંતુ સરકારની સજાગતાની સામે ગ્રાહકો પણ બમણી સજાગતા બતાવે તો જ આવા કાયદાઓ ફળીભુત થાય' તેમ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના રાષ્‍ટ્રીય સહ સચિવ જયંતભાઇ કથીરીયાએ જણાવ્‍યુ હતુ.

‘અકિલા' સાથેની મુલાકાત દરમિયાન તેઓએ જણાવેલ કે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કિસાનો, મજદુરો, કર્મચારીઓ, વિક્રેતાઓ, ઉત્‍પાદકો અને ગ્રાહકોની વચ્‍ચે સમન્‍વય સાધીને આર્થિક શોષણ મુકત સમાજ નિર્માણ ક્ષેત્રે કામ કરે છે. જમ્‍મુ કાશ્‍મીર સહીત ભરત વર્ષમાં ૨૪ રાજયોમાં કાર્યરત છે.

દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, અનપેકેજડ ફુડ, યુઝ બી ફોર ડેટ સહીતના મુદ્દે ગ્રાહકોના હીતમાં ચર્ચા વિચારણા કરવા આજે રાજકોટ ખાતે બેઠક યોજવામાં આવી હતી. દર વર્ષે ૧ સપ્‍ટેમ્‍બરથી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધી ગ્રાહક પંચાયત દ્વારા સદસ્‍યતા અભિયાન ચલાવવામાં આવે છે. પદાધિકારીઓ ઉપસ્‍થિત રહી કાર્ય યોજનાઓ અંગે સદસ્‍યોને માહીતગાર કરે છે.

વર્તમાનમાં ગ્રાહક પંચાયત રાષ્‍ટ્રીય સ્‍તરે ઓટીપી પ્‍લેટફોર્મ માટે સરકાર ફિલ્‍મ સેન્‍સર બોર્ડની જેમ બોર્ડની રચના કરે અને દવાઓ ઉપર એમ.આર.પી. માટે કાયદો લાવે તે માટે આશરે ૩૦ રાજયોમાં કાર્ય કરી રહેલ છે.

આ તકે શ્રી કથીરીયાએ જણાવેલ કે હાલ સાઇબર ફ્રોડ અને ડીઝીટલ ફ્રોડના કિસ્‍સા બહાર આવી રહ્યા છે. તેમાં ઉચ્‍ચ શિક્ષિતો વધુ પ્રમાણમાં શિકાર બની રહ્યા છે. ૧૦ માંથી ૬ ફ્રોડના કિસ્‍સા હાઇલી શિક્ષિતો સાથે બનતા હોય છે. ખરેખર અહીં જાગૃતતાનો અભાવ જોવા મળે છે.

આપણે કંઇપણ ખરીદીએ તો કિંમત ચુકવીને ખરીદીએ છીએ તો કમસે કમ શું ખરીદયુ અને કેટલા મુલ્‍યનું ખરીદયુ તેટલુ તો ચકાસતા શીખી જ લેવું જોઇએ. શું જે કિંમત આપી તે બરાબર છે? વસ્‍તુ યોગ્‍ય છે?, યોગ્‍ય માત્રામાં છે? આ ત્રણ સવાલ દરેકે પોતાની જાતને પુછી જ લેવા જોઇએ. તેમ જયંતભાઇ કથીરીયાએ જણાવ્‍યુ હતુ.

કોઇપણ ગ્રાહક લક્ષી ફરીયાદ હોય તો અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ૨૦ -ન્‍યુ જાગનાથ, પન્નાલાલ ફ્રુટ પાસે, ધનરજની કોમ્‍પલેક્ષવાળી શેરી, ડો. યાજ્ઞીક રોડ રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.૯૯૧૩૩ ૨૩૩૩૪ અથવા મો.૯૮૨૪૪ ૪૪૬૦૫ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યુ હતુ.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગ્રાહક પંચાયતના રાષ્‍ટ્રીય સહ સચિવ જયંતભાઇ કથીરિયા અને બાજુમાં ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી વસંતભાઇ પટેલ, અમદાવાદ મહાનગર ઉપાધ્‍યક્ષ વિજયભાઇ આહીર અને પ્રાંતના સહસંગઠન મંત્રી ભરતભાઇ કોરાટ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:08 pm IST)