Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રાજકોટમાં શાળા-કોલેજ આસપાસ પડયા પાથર્યા રહેતાં છેડતીબાજો વિરૂધ્‍ધ કડક ઝૂંબેશ જરૂરી

રાંચીમાં સ્‍કૂલ-કોલેજ ખાતે છાત્રાઓની મદદ માટે વિશાળ હોર્ડિંગ્‍સ મુકાયાઃ શક્‍તિ કમાન્‍ડોની નજર : શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓની દૂર્ગા શક્‍તિ અને શી ટીમો કાર્યરતઃ શહેર પોલીસની ટીમો પણ ઓચીંતા શાળા-કોલેજ આસપાસ ચેકીંગ કરી છેડતીબાજોને સબક શીખવે તેવી વાલીગણ અને છાત્રાઓમાં માંગણી : શહેર પોલીસની ‘સુરક્ષિતા' એપ મહિલાઓ-છાત્રાઓને ઉપયોગીઃ પરંતુ હાલમાં ટેકનીકલ ખામી ઉભી થઇ છેઅભયમ ૧૮૧ની ટીમ પણ બહેનોની મદદ માટે સતત રહે છે તૈયાર : આઇયુસીએડબલ્‍યુની ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સતત રહે છે જાગૃત

રાજકોટ તા. ૧૬: શાળા-કોલેજ અને ટયુશન ક્‍લાસ સહિતના સ્‍થળો કે જ્‍યાં છાત્રોઓ અભ્‍યાસ માટે આવતી જતી હોય તેની આસપાસ કેટલાક રોડછાપ છેડતીબાજો અડ્ડો જમાવી પડયા પાથર્યા રહેતાં હોય છે અને ઘણીવાર છાત્રોની છેડતી કરીને કે પછી તેની સાથે ધરાર ફ્રેન્‍ડશીપ કરવા માટે તેણીને હેરાન કરતાં હોય છે. આવું ન થાય એ માટે દરેક શહેર-ગ્રામ્‍ય વિસ્‍તારની પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવતી હોય છે. રાજકોટમાં પણ આ કામગીરી માટે મહિલા પોલીસની બનેલી દૂર્ગાશક્‍તિ ટીમ, શી ટીમ અને આઇયુસીએડબલ્‍યુ યુનિટ કાર્યરત છે. આ ટીમો છાત્રાઓ, મહિલાઓની સુરક્ષા માટે સતત કામ કરે છે. હવે રાંચીમાં પણ શાળા-કોલેજ બહાર પડયા પાથર્યા રહેતાં છેડતીબાજોને સબક શીખવવા ‘શક્‍તિ કમાન્‍ડો' ટીમની પોલીસે રચના કરી છે. આ ટીમમાં મહિલા પોલીસ કર્મચારીઓ સામેલ થઇ છાત્રાઓનું રક્ષણ કરશે.

રાંચીમાં શાળા-કોલેજ ખાતે વિશાળ હોર્ડિંગ્‍સ મુકવામાં આવ્‍યા છે. જેમાં છાત્રોઓ તુરંત મદદ મેળવી શકે એ માટે ડીએસપી, શક્‍તિ કમાન્‍ડો ટીમ, ટાઇગર મોબાઇલ અને પીસીઆર પોલીસના ફોન નંબર લખવામાં આવ્‍યા છે. આ હોર્ડિંગ્‍સમાં લખેલા નંબર પર ફોન કરતાં જ જે તે વિદ્યાર્થીનીને પોલીસની મદદ મળી શકે તેવું આયોજન કરાયું છે. કોઇ બદમાશ હેરાન પરેશાન કરતાં હોય તો પોલીસનો સંપર્ક કરવાના સ્‍લોગન પણ હોર્ડિંગ્‍સમાં લખવામાં આવ્‍યા છે. રાંચી એસએસપી કિશોર કોૈશલે શક્‍તિ કમાન્‍ડોની ટીમોને શાળા-કોલેજ આસપાસ સતત નજર રાખવા અને છેડતીબાજોને શોધી કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

નોંધનીય છે કે રાજકોટ શહેરમાં પણ છાત્રાઓ, મહિલાઓની સુરક્ષા માટે પોલીસ કાર્યરત રહે છે. સુરક્ષિતા નામની મોબાઇલ એપ પણ શહેર પોલીસે બનાવી છે જે મોબાઇલમાં ઇન્‍સ્‍ટોલ કરી છાત્રા-મહિલાઓએ ગમે ત્‍યારે પોલીસની મદદ મેળવી શકે છે. આ ઉપરાંત દૂર્ગા શક્‍તિ ટીમ, શી ટીમ અને આઇયુસીએડબલ્‍યુ (ઇન્‍વેસ્‍ટીગેશન યુનિટ ક્રાઇમ અગેઇન વૂમન) તથા મહિલા પોલીસની ટીમો છાત્રાઓ, મહિલાઓની સુરક્ષા માટે ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. આ ટીમો દ્વારા લગભગ નિયમીત શાળા, કોલેજ, ટયુશન ક્‍લાસીસ કે જ્‍યાં છાત્રાની અવર-જવર વધુ હોય છે ત્‍યાં ચેકીંગ થતું રહે છે. પોલીસ સાદા ડ્રેસમાં જઇ ચેકીંગની આ કામગીરીને વધુ કડક બનાવવામાં આવે તેવી વાલીગણ અને છાત્રાઓની માંગણી છે.

ઘણા કિસ્‍સાઓમાં ગભરાયેલી છાત્રાઓ ફરિયાદ પણ કરતી હોતી નથી. ત્‍યારે પોલીસ કડક ચેકીંગ કરી છેડતીબાજોને સબક શીખવે તેવી માંગણી ઉઠી છે. શહેર પોલીસની સુરક્ષીતા એપ ઉપયોગી બની છે. પરંતુ હાલમાં થોડી ટેક્‍નીકલ ખામી ઉભી થયાનું આધારભુત સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:40 pm IST)