Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રામનાથ સંકુલ - આજી રીવરફ્રન્ટના વિકાસને ગતિ : સરકારે ૪૯ કરોડ ફાળવ્યા

કુલ ૧૭૧.૯૫ કરોડ મંજુર : મંદિરની બંને બાજુ ૫૦૦-૫૦૦ મીટરનો રીવરફ્રન્ટ બનાવાશે : ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પ્રદિપ ડવ, કમલેશ મીરાણી તથા પુષ્કર પટેલની જાહેરાત

ડેવલોપમેન્ટ બાદ આવું બનશે રામનાથ મંદિર પરિસર
રાજકોટ તા. ૧૬ : રાજકોટ શહેર આજી નદીના કિનારે વસેલું સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. આજી નદીના પશ્ચિમ કિનારે ૫૦૦ વર્ષ કરતા વધારે પ્રાચીન અને સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર આવેલ છે. રામનાથ મહાદેવન પ્રત્યે શહેરીજનો ખુબ જ આસ્થા ધરાવે છે. આ ઉપરાંત આજી નદી રીવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત ૧ કિ.મી.લંબાઈમાં રામનાથ મહાદેવના મંદિરને લાગુ આજી રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે પ્રથમ ફેઇઝ માટે રૂ.૧૮૭ કરોડની સહાય રાજય સરકાર દ્વારા મળવા માંગણી કરવામાં આવેલ. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૭૧.૯૫ કરોડની ફાળવણી મંજુર કરવામાં આવી છે અને ૪૯ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે તેમ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
ઙ્ગઆ અંગે પ્રદિપ ડવ, કમલેશ મીરાણી, પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ઉપરોકત પ્રોજેકટ માટે રાજય સરકાર દ્વારા  રામનાથ મહાદેવ મંદિર અને આજી રીવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ હેઠળ રૂ.૧૭૧.૯૫૪૯ કરોડની ફાળવણી માટે સૈધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. આ માટે તબક્કાવાર રૂ.૪૯ કરોડ મેળવવાની શરતે મંજુર કરેલ છે. જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી વિનોદભાઈ મોરડીયા અને  અરવિંદભાઈ રૈયાણીનો રાજકોટના શહેરીજનોવતી હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. આ પ્રોજેકટ સાકાર થતા રામનાથ મહાદેવ મંદિર ડેવલોપમેન્ટ તેમજ આજી રીવરફ્રન્ટ ડેવલોપ થતા શહેરીજનોને એક નવું નજરાણું મળશે તેમ તેઓએ જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, રિવર ફ્રન્ટના મૂળ પ્લાનીંગ મુજબ રામનાથ મહાદેવ મંદિરના હયાત સ્ટ્રકચર તેમજ મંદિરમાં ભૂગર્ભમાં રહેલ પવિત્ર શિવલીંગ વગેરેમાં તોડ-ભાંગ કરવી પડે તેમ હતી જે અયોગ્ય કહેવાય. કેમકે લોકોની અડગ શ્રધ્ધા તેમજ આસ્થાના કેન્દ્ર સમા પવિત્ર શિવલીંગને ફેરવવાથી લોકોની લાગણી પણ દુભાય તેથી હવે રામનાથ મહાદેવ મંદિર પાસેના રિવર ફ્રન્ટના ભાગના મૂળ પ્લાનીંગમાં થોડા ફેરફારો સુચવાયા હતા.
આ ફેરફારો મુજબ રામનાથ મંદિરના હયાત મંદિર તેમજ શિવલીંગ વગેરેને જેમના તેમ રાખી મંદિરની આસપાસ નવો ઘાટ - બગીચો - કમ્પાઉન્ડ વોલ બનાવી ત્યારપછી રિવર ફ્રન્ટ શરૂ થાય અને આ પ્રકારે રામનાથ ઘાટને રિવર ફ્રન્ટમાં જ આવરી લેવાનું આયોજન છે.
રામનાથ મંદિરને હેમખેમ રાખવા માટે આજી નદીનું વહેણ મંદિર પાસેથી ફેરવાશે. કેમકે રિવર ફ્રન્ટ બાદ નદી ચેકડેમ બાંધી તેમાં બારે મહીના પાણી ભરેલુ રહે તેવું આયોજન છે. આથી હાલની સ્થિતિ મુજબ મંદિર પણ પાણીમાં ડુબેલુ રહે માટે નવા પ્લાનીંગ મુજબ નદીનું વહેણ ફેરવીને રિવર ફ્રન્ટનો નવો પ્લાન બનાવાયો છે. આજી રિવર ફ્રન્ટના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ થઇ શકશે.
પ્રથમ તબક્કામાં ચંપકભાઇ વોરા બ્રિજથી લઇને મંદિર પુલ સુધીનો રિવર ફ્રન્ટની કામગીરી હાથ ધરાશે તેમ મેયરશ્રીએ જણાવ્યું હતું. ટુંકમાં આ વર્ષ રામનાથ મહાદેવ મંદિર વિકાસકામ શરૂ થશે.

મેયર તેમના મુખ્ય ગોલની ખૂબ જ નજીક : રામનાથ મહાદેવ - રીવર ફ્રન્ટનું કામ શરૂ થશે
રાજકોટ તા. ૧૬ : જ્યારે પણ કોઇ વ્યકિત સત્તાની ટોચે પહોંચે છે ત્યારે તેમના મુખ્ય કાર્યોની જાહેરાત કરે છે. શહેરના પ્રથમ નાગરિક ડો. પ્રદિપ ડવે ગત વર્ષે ૧૨ માર્ચે મેયર તરીકે વરણી થયા બાદ રામનાથ મહાદેવ તથા આજી રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટને પ્રાથમિકતા હોવાનું જણાવેલ.
હાલ દોઢ વર્ષ બાદ મેયર ડો. પ્રદિપ ડવની પ્રાથમિકતા એવા સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિર પરિસર અને આજી રીવર ફ્રન્ટની કાયાપલટ થવાની શરૂઆત થવાની છે, ત્યારે મેયરે સત્તાની ધુરા સંભાળ્યા બાદ જાહેર કરેલ પ્રોજેકટની ગાડી ટૂંક સમયમાં પૂરપાટ ઝડપે દોડવાની શરૂ થશે.

 

(3:56 pm IST)