Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

આપણું રાજકોટ, હરિયાળું રાજકોટ: સાઈકલોફનમાં રંગાયા 1700 રાઈડરો

જો આટલા જ સાઈકલીસ્ટ રોજ સાઈકલ ચલાવે તો પ્રદૂષણમાં ઘટાડો આવે, આવે અને આવે જ : 50 કિ.મી.રાઈડમાં 800 અને 25 કિ.મી.રાઈડમાં 900 રાઈડરોએ માર્યા પેડલ: શહેરના અનેક મહાનુભાવોએ પણ ભાગ લીધો: 14 વર્ષથી લઈ 73 વર્ષના સાઈકલીસ્ટે બતાવ્યો ઉત્સાહ

રાજકોટ:રાજકોટને પ્રદૂષણમુક્ત તેમજ ક્લિન એન્ડ ગ્રીન બનાવવાના હેતુથી રોટરી ક્લબ ઓફ મીડટાઉન, રાજકોટ સાઈકલ ક્લબ અને મહાપાલિકા દ્વારા સતત ચોથા વર્ષે આયોજિત સૌરાષ્ટ્રની સૌથી મોટામાં મોટી સ્પોર્ટસ ઈવેન્ટ સાઈકલોફન-2019માં શહેરના 1700 રાઈડરો પૂરબહારમાં ખીલ્યા હતા અને કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારથી જ 25 અને 50 કિલોમીટરની રાઈડનો લુત્ફ ઉઠાવ્યો હતો.

   આ દ્રશ્ય જોઈ શહેરીજનોમાં એવો જ ગણગણાટ સાંભળવા મળ્યો હતો કે જો આટલા સાઈકલીસ્ટ રોજ સાઈકલ ચલાવતાં થઈ જાય તો શહેરના પ્રદૂષણમાં અવશ્ય ઘટાડો આવી જ જાય. સાઈકલીસ્ટોને પ્રોત્સાહિત કરવા માટે શહેરના અનેક મહાનુભાવોએ પણ હોંશે હોંશે સાઈકલ ચલાવી હતી. જો કે તમામ રાઈડરોએ રાઈડને પૂરા ખંતથી પૂર્ણ કરી લીધી હતી. સાઈકલોફનમાં હેલ્મેટનો નિયમ ફરજિયાત રાખવામાં આવ્યો હોય તેથી તમામ રાઈડરોએ હેલ્મેટ ધારણ કરી હતી.

    આ સાઈકલોફનમાં 14 વર્ષથી લઈ 73 વર્ષના સાઈકલીસ્ટે ઉત્સાહ બતાવ્યો હતો. 25 અને 50 કિ.મી.ની રાઈડમાં 50 કિલોમીટર કેટેગરીમાં 800 રાઈડરો અને 25 કિ.મી. રાઈડમાં 907 રાઈડરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નિશ્ર્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરી લેનારા રાઈડરોને 30 સાઈકલ ઉપરાંત 15 ગીફટ વાઉચર ઉપરાંત 10 રીસ્ટવોચ અને અન્ય ગીફટથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આયોજિત થયેલી સાઈકલોફન કરતાં આ વખતની સાઈકલોફનમાં 500 રાઈડરોનો ઉમેરો થવા પામ્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર ગત વખતે 1200 રાઈડરો નોંધાયા હતા જેમાં આ વર્ષે 500નો ઉમેરો થઈ સંખ્યા 1700એ પહોંચી હતી. આમ વર્ષે દર વર્ષે સાઈકલીસ્ટોમાં જાગૃતતા આવતી જાય છે જે શહેર માટે ગૌરવની બાબત છે. સવારે એકદમ સમયસર 6 વાગ્યે ફ્લેગઓફ અને બીજું ફ્લેગઓફ 6:30 વાગ્યે થઈ જ ગયું હતું. આમ સમયની બાધ્યતા પણ અત્રે જોવા મળી હતી.

  આ વિશે આયોજકોએ જણાવ્યું હતું કે આ કોઈ રેસ નહોતી તેથી લોકોએ જીતવા માટે નહીં બલ્કે શહેરને હરિયાળું બનાવવા માટેનો મેસેજ આપવા સાઈકલ ચલાવી હતી. રવિવારે વહેલી સવારે શહેરમાં કડકડતી ઠંડીની પરવા કર્યા વગર 1700થી વધુ સાઈકલીસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને 14 વર્ષના બાળકો કે તેમને પેડલ મારતાં જોઈ મોટેરા સુધીના પણ ઉત્સાહમાં આવી ગયા હતા અને પેડલ મારવાની ઝડપ વધારી દીધી હતી !

   આ સાઈકલોફનમાં મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ ડે.મેયર અને કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.કમિશનર ચેતન નંદાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, અનિમેષભાઈ રૂપાણી, ડીસીપી ઝોન-1 રવિ મોહન સૈની, ભક્તિનગર પીઆઈ વી.કે.ગઢવી, જીનિયસ ગ્રૂપના ડી.વી.મહેતા સહિત શહેર પોલીસના 50 જવાનો ઉપરાંત જીએસટી કમિશનર લલિતપ્રસાદ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

  આ ઈવેન્ટ પૂર્ણ થયા બાદ સાઈકલીસ્ટોને સાઈકલ ઝોન દ્વારા છ સાઈકલ, સેન્સો ટી દ્વારા ત્રણ સાઈકલ, ગેલેક્સી સાઈકલ સ્ટોર દ્વારા ચાર સાઈકલ, દાવત સોફટડ્રીન્કસ દ્વારા ત્રણ સાઈકલ ટાટા સ્ટેરાઈડર દ્વારા ત્રણ સાઈકલ ફેવરિટ પ્લસ સીરામીકે ત્રણ સાઈકલ આરસીસી વુમેન પાવરે બે સાઈકલ, રોટરી ક્લબ એન્ડ આરસીસી દ્વારા સાત સાઈકલ ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત ાઈ પોસ્ટ દ્વારા 1500 રૂપિયાની કિંમતના 10 વાઉચર ઉપરાંત સ્વસ્તિ હોટેલ એન્ડ રિસોર્ટ દ્વારા 2 નાઈટ અને ત્રણ દિવસનું ઉદયપુરનું વાઉચર ઉપરાંત દ્વારકાની સ્વિસ્તિ હોટેલ એન્ડ રિસોર્ટ દ્વારા એક નાઈટ રોકાણના પાંચ વાઉચર તેમજ બોસ કલર લેબ દ્વારા 10 રિસ્ટ વોચ ઈનામમાં આપવામાં આવી હતી. 

આ ઉપરાંત સાઈકલીસ્ટોને તાજગી આપવા માટે ગોપાલ નમકીન, કેર હર્બલ ટી, શેનો ટી, દાવત સોફટડ્રીન્ક તેમજ ચેરી ઓન વોટરે જવાબદારી નીભાવી હતી. આ આયોજનના મુખ્ય સ્પોન્સર તરીકે સવન બિલ્ડર્સ, કો-સ્પોન્સર તરીકે રોલેક્સરિંગ તેમજ શિવમ કિયા સહિતનાનો સહયોગ સાંપડ્યો હતો.

  આ ઉપરાંત અશોકભાઈ ગજેરા, વિપુલભાઈ માકડીયા, રાજેશભાઈ પરસાણા, મિહિરભાઈ માડેકા, પ્રદીપભાઈ પટેલ સહિતના પણ ઈવેન્ટમાં સહભાગી થયા હતા. આ ઉપરાંતર રાજકોટ સાઈકલ ક્લબના સભ્યો, રોટરી ક્લબ ઓફ મીડટાઉન, શહેર પોલીસ, મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશનનો સિંહફાળો મળ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

દિવ્યમ ઠક્કરે 1.35 કલાકમાં 50 કિલોમીટરની રાઈડ કરી પૂર્ણ

સાઈકલોફનમાં 1700 જેટલા સાઈકલીસ્ટોએ ભાગ લીધો હતો જે પૈકી દિવ્યમ ઠક્કર નામના રાઈડરે 50 કિલોમીટરની સાઈકલ રાઈડ 1 કલાક 35 મિનિટમાં પૂર્ણ કરી લીધી હતી. આ ઉપરાંત અનેક રાઈડરો એવા હતા જેમણે અત્યંત ઓછા સમયમાં રાઈડ પૂર્ણ કરી લીધી હતી તેમને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

મેં અનેક સાઈકલોફનમાં ભાગ લીધો પણ રાજકોટ જેવી ઉમદા નથી જોઈ

દિલ્હીથી ટ્રાન્સફર મેળવી રાજકોટ નિમણૂક પામેલા જીએસટી કમિશનર કમિશનર લલિતપ્રસાદે જણાવ્યું હતું કે મેં દિલ્હી સહિતના શહેરોમાં આયોજિત થતી સાઈકલોફનમાં ભાગ લીધો છે અને પહેલી વખત રાજકોટની સાઈકલોફનમાં ભાગ લીધો છે ત્યારે હું એટલું જ કહીશ કે આ પ્રકારની ઈવેન્ટ મેં પહેલી વખત જોઈ છે. આ ઈવેન્ટનું ઝીણવટભર્યું આયોજન ખરેખર બિરદાવવા લાયક છે.

સાઈકલોફન પૂર્ણ, હવે મેરેથોનની તૈયારી

રોટરી ક્લબ ઓફ મીડટાઉન-રાજકોટ અને મહાનગરપાલિકા દ્વારા સાઈકલોફનનું શાનદાર આયોજન કરાયા બાદ હવે 29 ડિસેમ્બરે યોજાનારી મેરેથોનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 5 કી. મી.ની ફન રાઈડ માટે 20 ડિસેમ્બર, તેમજ 10 કિ.મી. અને 21 કિ.મી. (હાલ્ફ મેરેથોન)માં રજિસ્ટ્રેશન કરાવવા માટે 16 ડિસેમ્બર છેલ્લો દિવસ હોય તાકિદે નોંધણી કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે

(10:54 pm IST)