Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

સ્ટુડિયો શિવવાળા ભાવીનભાઇ ખખ્ખરને સંજય જોષી અને તેના પુત્ર વાસુએ ખૂનની ધમકી દીધી

દૂકાન પાસે રિક્ષા પાર્ક કરવા બાબતે ભારે ધમાલ મચાવીઃ 'આજે તો તું બચી ગયો, હવે પછી પુરો જ કરી નાંખવું છે' કહી ધમકી દીધીઃ ઘટના સીસીટીવીમાં કેદઃ લેખિત ફરિયાદ

રાજકોટ તા. ૧૫: આશાપુરા મેઇન રોડ પ્રહલાદ પ્લોટમાં ચોૈહાણ પાન સામે રહેતાં અને શિવ સ્ટુડિયો નામથી ધંધો કરતાં ભાવીનભાઇ રસિકભાઇ ખખ્ખર (ઉ.૩૪) નામના યુવાનને આશાપુરા રોડ પર આશા પાન સામે કલ્પના ઇલેકટ્રોનિકસ ધરાવતાં સંજયભાઇ ઉર્ફ બાબભાઇ જોષી તથા તેના પુત્ર વાસુ સંજયભાઇ જોષીએ ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

ભાવીનભાઇ ખખ્ખરે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે શિવ સ્ટુડિયો ચલાવે છે અને રહેણાંક વિસ્તારમાં જ તેની છ દુકાનો આવેલી છે. જેમાંથી પાંચ દુકાનોમાં ભાડુઆત છે અને એકમાં પોતાનો કબ્જો છે. પોતે હોન્ડા સીટી કાર, પ્લેઝર અને સીબીઝેડ બાઇક ધરાવે છે. આ વાહનો પોતે પોતાના કબ્જાવાળી દૂકાન તથા રહેણાંક આસપાસ સગવડતા મુજબ રાખે છે. તા. ૯/૧૦ના પોતાને કચ્છ જવાનું હોઇ અને સાથે વિજયભાઇ ઝાલા પણ આવવાના હોઇ  તે પોતાની રિક્ષા લઇને આવતાં તેની રિક્ષા પોતાની દુકાનની બાજુમાં પાર્ક કરાવી હતી. ત્યારે બાજુની દૂકાનવાળા પિતા-પુત્રએ જો રિક્ષા રાખી અને અમારા વાહનને અડી કે કંઇ થયું તો તેનું શું પરિણામ આવે છે તે જોજે...તેમ કહી ગાળો ભાંડી હતી.

ભારે દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. આ બંને પિતા-પુત્રએ મારકુટ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજા લોકો વચ્ચે પડતાં બંનેએ 'આજે તો તું બચી ગયો હવે પછી તારું પુરૂ જ કરી નાંખવું છે' તેમ કહી ધમકી આપી હતી. જે તે દિવસે પોતાને અને વિજયભાઇને માતાના મઢે દર્શને જવું હોઇ પોલીસને જાણ કરી નહોતી. પણ આ બંનેએ ખુબ માથાકુટ કરી તેની આજુબાજુની દૂકાનવાળા તમામને ખબર છે. તેમજ સીસીટીવી કેમેરામાં પણ રેકોર્ડિંગ થયું છે.

ભાવીનભાઇ ખખ્ખરે આગળ જણાવ્યું છે કે પોતે રાજકોટથી માતાના મઢે જતાં હતાં ત્યારે પણ બાપ-દિકરાએ આપેલી ધમકીથી ખુબ ફફડી ગયા હતાં. જો લોકોએ બચાવ્યો ન હોય તો શું થયું હોત? એવા વિચારે સતત ભયભીત અને માનસિક દબાણ હેઠળ આવી ગયેલ. બાદમાં રાજકોટ આવી લેખિત ફરિયાદ કરી છે. પોલીસ સીસીટીવી કેમેરા તપાસી જવાબદાર બંને પિતા-પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગણી છે.

(4:48 pm IST)