Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

રૂ. ૫.૭૬ લાખના ચેક રિટર્ન કેસમાં ઉત્તમ બિલ્ડર્સના સાત ભાગીદારો સામે વોરંટ

રાજકોટ, તા. ૧૫ :. રૂ. ૫,૭૬,૦૦૦ ના ચેક રીટર્ન કેસમાં રાજકોટના ઉત્તમ બિલ્ડર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના સાત ભાગીદારો વિરૂદ્ધ વોરંટ ઈસ્યુ કરતી અદાલત.

રાજકોટ જિલ્લાના વાંકાનેરમાં રહેતા અને વાંકાનેર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા કિશોરીબેન કમલેશભાઈ પાટડીયાએ પોતાની મરણ મુડી સમાન બચત કરેલ રકમ તેમજ લોન લઈ ઉત્તમ બિલ્ડર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો પાસેથી તેઓના હોલી-ડે સીટી નામના બિલ્ડીંગ માંહેથી ફલેટ ખરીદ કરવાનું નક્કી કરી સુથી તથા અવેજની રકમ ચુકવી સાટાખતથી ખરીદ કરેલ.

ત્યાર બાદ ઉત્તમ બિલ્ડર્સ ભાગીદારી પેઢીના ભાગીદારોએ ફલેટનું બાંધકામ પૂર્ણ ન કરી દસ્તાવેજ ન કરી આપતા તે સુથી તથા અવેજની રકમ ફરીયાદી કિશોરીબેનને પરત ચુકવવા માટે આપેલ ચેક રિટર્ન થતા ઉત્તમ બિલ્ડર્સ ભાગીદારી પેઢીના ભાગીદારો વિરૂદ્ધ ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ.

કોર્ટ દ્વારા સમન્સ ઈસ્યુ કરવા છતા સાત ભાગીદારો - આરોપીઓ કોર્ટમાં હાજર ન રહેતા સાત ભાગીદારો વિરૂદ્ધ વોરંટ ઈસ્યુ કરતો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ છે.

કેસની હકીકતો જોઈએ તો, મોરબી/રાજકોટ જિલ્લાના વાંકાનેરમાં આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા અને ત્યાં જ રહેતા કિશોરીબેન કમલેશભાઈ પાટડીયાએ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામે કલાસીકા રેસીડેન્સી નામના પ્લોટસ પૈકી 'હોલી-ડે સીટી' નામના અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગમાં ફલેટ ખરીદ કરવા નક્કી કરી બિલ્ડર પાસેથી ફલેટ બુકીંગ કરાવેલ અને ત્યાર બાદ અમુક રકમ રોકડ તેમજ બાકીની લોન બેન્કમાંથી લઈ સુથી તથા અવેજની રકમ ચુકવી ફલેટ સાટાખતથી ખરીદ કરવા નક્કી કરેલ. ત્યાર બાદ ફરીયાદીએ બેન્કમાંથી લોન લીધેલ, તે બેન્કમાંથી આરોપી ભાગીદારી પેઢીના ભાગીદાર થોડું બાંધકામ બતાવી ફરી અવેજની રકમ ફરીયાદી પાસેથી મેળવેલ, આમ આરોપીઓ ભાગીદારી પેઢીના ભાગીદારોએ ફરીયાદી પાસેથી કુલ રકમ રૂ. ૫,૭૬,૦૦૦ મેળવી લઈ, ત્યાર બાદ ફરીયાદીએ ખરીદ કરવા નક્કી કરેલ ફલેટનું બાંધકામ પૂર્ણ ન કરી, ફલેટ તૈયાર કરી કબ્જો આપવા તેમજ વેચાણ દસ્તાવેજ કરી આપવા સ્પષ્ટ ઈન્કાર કરી દેતા, ફરીયાદીએ અનેક વિનંતીઓ કરતા ઉત્તમ બિલ્ડર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢી વતી તથા ભાગીદારો વતી પેઢીના વહીવટકર્તા શ્રી જીતેન્દ્ર કુંવરજીભાઈ મારૂએ ફરીયાદી જોગ રકમ રૂ. ૫,૭૬,૦૦૦ નો ચેક ઈસ્યુ કરી આપેલ અને ફરીયાદીને એવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ કે સદર ચેક તમે બેન્કમાં જમા કરાવશો એટલે તમોને તમારી કાયદેસરની લેણી વસુલ મળી જશે, આમ છતા ચેક રીટર્ન થયેલ. જેથી ફરીયાદી કિશોરીબેને તેઓના એડવોકેટ મારફત આરોપીઓને તેઓના એડવોકેટ મારફત ડીમાન્ડ નોટીસ પાઠવતા, આમ છતા આરોપીઓ પેઢી દ્વારા કોઈ પ્રત્યુત્તર ન આપતા ફરીયાદીએ તેઓના એડવોકેટ મારફત રાજકોટની એડી. ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે ફરીયાદ દાખલ કરતા કોર્ટ દ્વારા આરોપીઓને કોર્ટમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતા બે આરોપીઓ જેમાં જીતેન્દ્ર કુંવરજીભાઈ મારૂ તથા મનિષ ધીરૂભાઈ સાકરીયા તેમના એડવોકેટ મારફત અદાલતમાં હાજર થયેલ અને ત્યાર બાદ અન્ય સાત ભાગીદારો - આરોપીઓ (૧) કુંવરજીભાઈ તુલસીભાઈ મારૂ (૨) ધીરૂભાઈ પોપટભાઈ સાકરીયા (૩) જગજીવનભાઈ મોહનલાલ રાચ્છ (૪) વિશાલભાઈ દિલીપભાઈ ચાવડા (૫) કિશોરભાઈ ઠાકરશીભાઈ મુંડીયા (૬) નગીનભાઈ શાંતિભાઈ સોની (૭) સુભાષભાઈ ભગવાનજીભાઈ કાંબડીયા કોર્ટમાં હાજર ન રહેતા અદાલત દ્વારા આ સાત ભાગીદારો વિરૂદ્ધ વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ ફરમાવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદ કિશોરીબેન કમલેશભાઈ પાટડીયા વતી રાજકોટના યુવા એડવોકેટસ સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ છે.

(3:33 pm IST)