Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

હત્યાના આરોપીઓનું સરઘસ કાઢ્યા પછી પણ મનહરપુરના લોકોનો ચક્કાજામઃ પોલીસ પર પથ્થરમારો થતાં લાઠીચાર્જ

મનહરપુર-૨ના ભૂપતભાઇ જાખલીયા (કોળી)ની હત્યામાં પોલીસે પકડેલા ૮ આરોપીઓને કોળી સમાજના લોકોની માંગણી મુજબ પોલીસ મનહરપુર લઇ ગઇ, ત્યાં જાહેરમાં ફેરવ્યાઃ તેની ધોલધપાટની માંગણી કરી લોકો ફરી વીફર્યા બાદ વાત વણસીઃ એસીપીને ઇજા

રાજકોટ : માધાપર ચોકડી પાસેના મનહરપુર-૨માં સોમવારે કોળી યુવાન ભૂપતભાઇ સોમાભાઇ જાખલીયા પર અગાઉના રિક્ષા પાર્કિંગના ડખ્ખાનો ખાર રાખી અગિયાર શખ્સોએ હીચકારો હુમલો કરી હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. ગંભીર રીતે ઘવાયેલા ભૂપતભાઇને સારવાર માટે રાજકોટથી અમદાવાદ લઇ જવાયા હતાં. ગઇકાલે વહેલી સવારે તેણે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ગઇકાલે જ મૃતકના સ્વજનો અને કોળી સમાજના લોકોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ નહિ સંભાળવાનો અને મૃતદેહ પોલીસ કમિશનર કચેરીએ લઇ જવાનો નિર્ણય કર્યો હતો. એ પછી પોલીસે તાકીદની કાર્યવાહી કરી ૭ આરોપીઓને પકડી લીધા હતાં. જો કે ત્યારબાદ મૃતકના સ્વજનો અને કોળી સમાજના લોકોએ આરોપીઓને મનહરપુર લાવવામાં આવે તેવી માંગણી કરી લાશ સ્વીકારી નહોતી. મોડી બપોરે આ માંગણી પણ પોલીસે સ્વીકારી હતી. એ પછી બપોર બાદ સાંજે સાડા ચારેક વાગ્યે આરોપીઓને પોલીસ પહેરા હેઠળ મનહરપુરમાં લઇ જઇ જાહેરમાં ફેરવવામાં આવ્યા હતાં. આ વખતે કોળી સમાજના લોકોએ હવે આરોપીઓને જાહેરમાં ફટકારવામાં આવે...તેવી માંગણી મુકી હલ્લો મચાવ્યો હતો. પોલીસે આ કામગીરી ન કરી શકાય તેવું કહી આરોપીઓને પરત પોલીસ વેનમાં ચડાવવા પ્રયાસ કરતાં તે વખતે કેટલાક શખ્સો પોલીસની સામે થઇ જતાં અને જામનગર રોડ પર આવી ચક્કાજામ કરી દીધા હતાં. એ દરમિયાન પોલીસની સામે થઇ ગયેલા એક શખ્સને કોર્ડન કરવામાં આવતાં ટોળામાંથી ઇંટનો ઘા થયો હતો. જે એસીપી ક્રાઇમને છાતીમાં લાગી જતાં એ પછી પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી ગઇ હતી. એ પછી પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસનો મોટો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે. તસ્વીરોમાં કોળી સમાજના લોકોના ટોળા, ઝપાઝપી અને નાસભાગના દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(8:03 pm IST)