Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

હડમતીયા ગોલીડામાં વિજશોકથી પટેલ પ્રોૈઢના મોતમાં શેઢા પડોશી કાનજી સોજીત્રા સામે ગુનો

ભયજનકની નિશાની મુકયા વગર વાડીના શેઢે ડાયરેકટ લાઇનમાંથી પાવર ખેંચી વિજકરંટ વાળો તાર મુકયો'તોઃ તેને અડી જતાં પુનાભાઇ ડોબરીયાનું મોત નિપજ્યું હતું: આજીડેમ પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૪: હડમતીયા ગોલીડામાં ચાર દિવસ પહેલા શેઢા પડોશીની વાડીમાં ગોઠવાયેલા વિજકરંટને કારણે પટેલ પ્રોેઢનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં શોર્ટ મુકનાર ખેતર માલિક સામે બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ થયો છે.

આજીડેમ પોલીસે આ ઘટનામાં મૃત્યુ પામનાર પટેલ પ્રોેઢ પુનાભાઇ હંસરાજભાઇ ડોબરીયા (ઉ.૫૫)ના પુત્ર ભાવેશભાઇ ડોબરીયા (ઉ.૩૬)ની ફરિયાદ પરથી હાલ રાજકોટ રણુજા મંદિર પાસે પટેલ પાર્ક કોઠારીયામાં રહેતાં મુળ ગોલીડાના કાનજી મનજીભાઇ સોજીત્રા સામે આઇપીસી ૩૦૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ભાવેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મારે હડમતીયા ગામે આથમણી સીમમાં ૧૧ વિઘા જમીન છે તેમાં ખેતી કરી ગુજરાન ચલાવું છું.મારે એક નાની બહેન છે.મારા માતા વજીબેન છે જેમારી સાથે જ રહે છે. અમારા ખેતરથી ઉત્તર બાજુ કાનજીભાઇ સોજીત્રાનું ખેતર આવેલુ છે. મારા પિતા પુનાભાઇ ડોબરીયા ખેતરમાં ભુંડનો ત્રાસ હોવાથી રાત્રે વાડીએ જ રોકાતા હતાં. ૧૦/૯ના સાંજે પાંચેક વાગ્યે મારા બાપુજી માટે મારા બાએ રસોઇ બનાવી દીધી હતી. એ પછી હું અને બા વાડીએથી ગામમાં ઘરે આવી ગયા હતાં. બીજા દિવસે ૧૧મીએ સવારે હું વાડીએ ગયો ત્યારે મારા બાપુજી વાડીના મકાનમાં જોવા ન મળતાં તપાસ કરતાં બાજુની કાનજીભાઇની વાડીમાં બકાલુ વાવેલુ હોઇ ત્યાં મગ-બાજરીના પાક પાસે મારા બાપુજી બેભાન મળ્યા હતાં. તેમના શરીરે જમણા હાથની આંગળી અને અંગુઠા વચ્ચે ઇલેકટ્રીક શોર્ટનો વાયર પકડાયેલો હતો. તેમજ કાળા જેવો ડાઘ પડી ગયેલો દેખાયો હતો.

એ પછી મેં સરધાર જીઇબી હેલ્પલાઇન પર ફોન કરી ફીડર બંધ કરાવ્યું હતું. એ પછી મારા કાકા સહિતને બોલાવ્યા હતાં. મારા બાપુજીને બોલાવવા પ્રયાસ કર્યો હતો. પણ તે કંઇ બોલતા ન હોઇ અમે યુટીલીટીમાં મારા બાપુજીને રાજકોટ આવ્યા હતાં. ત્યારે ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. વાડીના શેઢે કાનજીભાઇ સોજીત્રાએ ઇલેકટ્રીક લાઇનમાંથી ડાયરેકટ પાવરનો છેડો લઇ શોર્ટ મુકયો હતો. તેઓ આ તારને કોઇ માણસ અડે તો મૃત્યુ પામે તેવું જાણતા હોવા છતાં આવુ કરતાં અને ભયજનકની કોઇ નિશાની પણ મુકી ન હોઇ તેમની બેદરકારીથી મારા પિતાજીનું મોત નિપજ્યું હોઇ જેથી કાનજીભાઇ સોજીત્રા વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

ભાવેશભાઇની ઉપરોકત વિગતો પરથી આજીડેમના પીએસઆઇ વી.આર. કડછાએ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

(3:29 pm IST)