Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ચોરીમાં નામ ખુલ્યા પછી મુંબઇ ભાગેલો ઇરફાન ભાણુ પકડાયોઃ ૪ વર્ષથી ફરાર હતો

ક્રાઇમ બ્રાંચના વિજયસિંહ ઝાલા, હરદેવસિંહ અને અમીતભાઇની બાતમી પરથી ગ્રીનલેન્ડ ચોકડીએથી પકડી લેવાયોઃ પાંચ વર્ષ પહેલા બે ગુનામાં સંડોવાયો હતો

રાજકોટ તા. ૧૪: જામનગર રોડ હુડકો કવાર્ટરમાં રહેતો ઇરફાન ગનીભાઇ ભાણુ (સંધી)(ઉ.૨૩) ચાર વર્ષ પહેલા ભકિતનગર પોલીસ મથક હેઠળના ચોરીના ગુનામાં નામ ખુલ્યા બાદ ફરાર થઇ ગયો હતો. નાસતા ફરતાં આ શખ્સને શોધવા ક્રાઇમ બ્રાંચની ટીમ તપાસમાં હતી એ દરમિયાન એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા અને અમીતભાઇ અગ્રાવતને મળેલી બાતમી પરથી ગ્રીનલેન્ડ ચોકડીએથી પકડી લેવાયો છે.

વર્ષ ૨૦૧૫માં ભકિતનગર પોલીસમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. તે વખતે ઇરફાનનું નામ ખુલ્યું હતું. ત્યારથી તે ફરાર હતો. હાલ ડ્રાઇવીંગ કરતો ઇરફાન ત્રણેક વર્ષથી મુંબઇ ઘોડબંદર રોડ માનપાડા વિસ્તારમાં દોસ્તી ઇમ્પિરીયા ફલેટ નં. ૧૧૧૪માં રહેતો હતો. તે રાજકોટ આવી રહ્યાની માહિતી પરથી વોચ રાખી દબોચી લેવાયો હતો. 

એસીપી જયદિપસિંહ સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી. પાંચ વર્ષ પહેલા પણ આ શખ્સ પ્ર.નગર પોલીસ તથા એ-ડિવીઝન પોલીસમાં ચોરાઉ માલ રાખવાના ગુનામાં સંડોવાયો હતો. ત્રણ વર્ષથી મુંબઇ રહેવા જતો રહ્યો હતો.

(1:07 pm IST)