Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મેન્ટર

સંસ્કાર અને સંબંધની પેઢી જાય છે

જવાબદારી અને સલાહ લોકોને આપવા માટે જ હોય છે. જયારે લેવાની આવે ત્યારે લોકો આઘા પાછા થઈ જાય છે. આજ કાલ એક એવી પરંપરાગતતા બની ગઈ છે. વિતેલી પેઢી પાસેથી મળતું ભાથું વર્તમાન પેઢીને ક્ષોભનીય અથવાતો જૂનાણું કે અવરોધક લાગે છે માટે વડીલોની વાતો સાંભળવામાં તેમની પાસે બેસી તેમના અનુભવોની લાગણીને સ્પર્શવાનું ભાગ્યેજ પસંદગી પાત્ર બનતું હોય. જીવનની વૈતરણી પસાર કરવા સંબંધો ની હોડીની જરૂરિયાત ખૂબ ઉઠી છે જેને નકારવી માનવ માટે અશકય છે આ સંબંધો ની માળા જ વ્યકિતને પેઢી દર પેઢી જીવન સંસ્કૃતિ અને વૈભવી વારસાનું વહન કરનાર કડી છે. 

સમાજ વ્યવસ્થા ના ભાગ રૂપે બનતી કૌટુંબિક વ્યવસ્થા એ જીવનશાળા નો અભ્યાસ કરવા માટેનું મહત્વનુ કેન્દ્ર સ્થળ છે. આ કુંટુંબમાં પણ એક વ્યવસ્થા સંચાલકીય પાસાનો અનુભવ કરાવે તેવી હોય છે. કુંટુંબના વડા કુંટુંબના મુખ્ય કુંટુંબનો મુખ્ય આધાર બને છે. આ મોભી સમાજમાં પોતાના કુંટુંબનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજના આ મુખ્યો થકી એક વિશિષ્ટ છાપ ઉપસી આવે છે. અને લોકો આ પેઢી દર પેઢીની શાખ બનતી જાય છે તે એ શાખથી પોતાના કુંટુંબને કાયમી એક પ્રસ્થાન આપે છે આ કુંટુંબના મોભી લાગણીઓનું હસ્તાંતરણ કરે છે પર દાદા, દાદા, પિતાશ્રી, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર બધાજ એક લાગણી ની કડી થી જોડાયેલ હોય છે આપણે ત્યાં કહે છે ને કે મૂડી કરતાં વ્યાજ વધુ વ્હાલું હોય દીકરા કરતાં દીકરાના દીકરાનો સ્નેહ દાદા – દાદી ને સવિશેષ હોય છે.

દરેક ઘરમાં એ ઘરના વડીલો જે આજ નિવૃતિની જિંદગી જીવે છે એ વડીલો પોતાના બાળકોની કાળજીપૂર્વક ઉછેર કરવા સતત ચિંતાશીલ અને ચિંતનશીલ હોય છે તેઓ તેમના પૌત્ર ની સાથે વિચારોની, લાગણીઓની પરંપરાગતતા નું સંક્રમણ કરી પોતાના અનુભવનું ભાથું પોતાની પેઢીના નવયુવાનો ને આપી અને હરખ ના હેતે હળવા થવા માંગતા હોય છે.

કુંટુંબ વ્યવસ્થાની આજની સ્થિતિ સંયુકત કુંટુંબ માથી વિભકત કુંટુંબમાં પરિણમી છે જયાં 'હમ દો હમારે દો' ની સ્થિતિ એ આ વડીલોના વડપણના વાદળોની લાગણીભર્યા વરસાદ માણ્યો જ નથી જેની રોમાંચકતા થી આજ ની પેઢી વંચિત છે. ઘરમાં બાળકો સાથે બાળક બની બાળકની ખુશી માટે ઘોડા બનવા તૈયાર થતાં દાદા – પિતા – મોટા બાપુજી વગેરે સંબંધોની ઓળખ લુપ્ત થતી જાય છે.

'દાદા નો ડંગોરો લીધો એનો તો મે ઘોડો કીધો,ઘોડો કૂદે ઝમઝમ ઘૂઘરી વાગે ઘમઘમ'

શૈક્ષણિક અભ્યાસક્રમ માં આવતા આ બાળગીતો બાળકોને દાદાની ઓળખ અને તેના સ્થાનની કિંમત સમજાવતા હવે આજ આ  કયાં? ઘરમાં કુંટુંબ સાથે બેસી આજની નવયુવાન પેઢી શું વડીલોની જીંદગીની વાતો રસપૂર્વક સાંભળે છે? ના ! નહીં ! એ હજુ બોલે કે અમે નાના હતા ત્યારે ..... ત્યાતો યુવક/યુવાન બોલી ઉઠશે બસ બા .... બસ બાપુજી..... અરે આ 'બા' અને 'બાપુજી' શબ્દ પણ હવે પૂરાતનતત્વના અવશેષો બનવાના આરે છે. દાદા દાદી અથવા ગ્રાન્ડપા ગ્રાન્ડમાં થી ઓળખાતા આ નવા સંબંધો માં અર્ધા અક્ષરની જેમ લાગણીઓ ની પ્રવાહિતા પણ અર્ધી થઈ ગઈ છે.

સંયુકત કુંટુંબ ના વડા પોતાનો ન માત્ર ભૌતિક સંપતિ નો વારસો બલ્કે વિચારો અને રિવાજો નો વારસો પણ પોતાની પછીની પેઢીને આપે છે. પરંતુ આ વારસા નું હવે હસ્તાંતરણ થાય છે ને ત્યારે નવી પેઢી નો ખોબો ખાબોચિયું બની ગ્રહણ કરે છે કૂવો બની નહીં. પરિણામે લુપ્ત થતું જાય છે.

આજે ઘરના વડીલો ને પોતાનો સમય પસાર કરવા પોતાના મન ની વાતો કરવા કોઈ ઘરમાં સાંભળનાર કે સાથ આપનાર નથી હોતું તેમની સલાહ અને અનુભવોની વાતો થી તેઓ પોતાના પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર ને સુરક્ષિત અને સાવધાન કરવા માગતા હોય છે અને અત્યારે તેની આ લાગણી ને ડુંભાના ની જેમ ઘુઘવાયા દઈએ છીએ તેમણે અભિવ્યકિત કરવા કે થવા ની કોઈ તક આપતા નથી ત્યારે તેઓ મૌન બની જોયા કરે છે. અને પોતે મનમાં પરિણામોની ઉતકલ્પનાઓનો ઉત્પાત લઈ દુઃખી થઈ બધુ જોયા કરે છે.

આપણાં કુંટુંબ આ વડીલો સાથે દિવસનો અમુક સમય પસાર કરી તેમની લાગણીઓના સ્પર્શનો અહેસાસ માણો. તેમના અનુભવો નું ભાથું ભરો તેમની સફળતા નિષ્ફળતા પરિશ્રમ ની ગાથા માથી પ્રેરણા મેળવો અને તેમના થકી જ તમે આજે જયાં છો ત્યાં સ્થાન પર સ્થાયી છો એ કદી ના ભુલશો દાદા,દાદી, નાના, નાની, મોટા બાપા, ભાભુ, વડ દાદા, વડ દાદી આ સંબંધો નો લ્હાવો તો ભાગ્યશાળી પેઢીને મળે છે. જે આજ થી ૭૦ કે ૮૦ વર્ષ પહેલા ના જમાના ના સમયના અને સમકાલીન સમય ના આંખે દેખ્યા સાક્ષી હોય છે. તેમણે પોતાના જીવનમાં અનેક પરિવર્તનો નો સામનો કરી આત્મસાત કર્યા હોય છે. માટે તેમની સલાહ આનુભાવિક હોય છે જે પ્રયોગસિદ્ઘ હોય છે તેથી તે ખોટી હોય એ વાત નીઃશંક ખોટી જ છે.

મિત્રો, પેઢી દર પેઢી ના સંબંધો ની લાગણીઓ ને સહદયતા થી સ્વીકારી આપણાં સાંસ્ક્રુતિક વારસાનું જતન કરવાની ફરજ અદા કરી શકીએ બસ એ માટે વડીલોની છત્રછાયા ને હમેશા જાળવી રાખજો અને તેને  સાચવી લેજો તોજ સંબંધોની ગરિમા સચવાશે.

પાર્થ ઉવાચ : વ્યકિત ભલે ભણેલી હોય પણ, લાગણી હમેશા અભણ જ હોય છે.

પાર્થ કોટેચા

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(1:10 pm IST)