Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગોંડલ ચોકડી બંધ કરાતા... એસ.ટી.એ કરેલ ભાડા વધારા સામે કોંગ્રેસ સેવાદળનું હલ્લા બોલઃ મેનેજરને રમકડાની બસ-ખોટા રૂપિયા આપ્યા...

ભાડા વધારો ર દિ'માં પાછો ખેંચવા માંગણીઃ નહી તો ઉગ્ર આંદોલનની ચેતવણી... : ઢેબર રોડ બસ સ્ટેન્ડ ખાતે દેખાવોઃ રામધૂન-ધરણા-પોલીસ દ્વારા ૧૦ની અટકાયત

રાજકોટઃ ગોંડલ રોડ બ્રિજમાં કામ માટે ૯ કી.મી.ના ડાઇવર્ઝન રૂટ શરૂ થતા એસ.ટી. બસમાં આ વધારાના રૂટનો ભાડા વધારો ઝીંકાયો છે ત્યારે ''પાડાના'' વાંકે પખાલીનેે ડામ'' જેવી તંત્રની આ નીતી સામે શહેર કોંગ્રેસે વિરોધ દર્શાવી અને અને આજે એસ.ટી.ના ડેપો મેનેજરશ્રીને આ ભાડા વધારો પાછો ખેંચવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવી જો ભાડા વધારો પાછો નહી ખેંચાયતો સેન્ટ્રલ એસ.ટી. બસ પોર્ટમાં કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આ આવેદનપત્ર પાઠવતી વખતે રમકડાથી બસ સાથે ભાડાના રૂપિયાનો ઢગલો ટેબલ ઉપર કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ અપાયો હતો. જે તસ્વીરમાં દર્શાય છે અન્ય તસ્વીરમાં આ તકે ઉપસ્થિત રણજીત મુંધવા, વિપક્ષનેતા ભાનુબેન સોરાણી, રમેશ તલાટીયા, ભાવેશ પટેલ, શૈલેષ રૂપાપરા, કિશનસિંહ રાયજાદા, મનોજભાઇ, દિલીપભાઇ ચાવડા, અશોક પંજવણી, મુકેશ પરમાર દિલીપભાઇ આશવાણી સહીતના કોંગી આગેવાનો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)(૬.૧૮)

રાજકોટ તા. ૧૩ :.. ફલાયઓવર -એલીવેટર બ્રીજને કારણે કલેકટરે જાહેરનામું બહાર પાડી ગોંડલ ચોકડી બંધ કરી ગોંડલ તરફથી આવતી એસ.ટી. બસ અને અન્ય વાહનો માટે નવો ડાયવર્ઝન રૂટ નકકી કર્યો છે.

રાજકોટ એસ.ટી.ની ર૭૦ જેટલી બસો ગોંડલ તરફથી આવે છે, અને રાજકોટ ડેપો સુધી પહોંચતા ૯ાા કિ.મી.નો રૂટ વધી જતા રાજકોટ એસ.ટી.એ. ગઇકાલથી અમલમાં આવે તે રીતે રૂ. ૮ થી ૧રનો ભાડા વધારો ઝીંકી દિધો છે, આ ભાડા વધારાનો રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળે આજે બપોરે ઉગ્ર વિરોધ વ્યકત કરી ડેપો મેનેજરને આવેદન પાઠવી, રમકડાની બસો ફાળવી હતી, અને ર રૂપિયાનો સાચો સિકકો તથા ૧૦ રૂ. ની ખોટી નોટ ફાળવી શાપરના ગરીબ મજૂરોને આ ભાડા વધારો ન પોસાય તેમ જણાવી બે દિવસમાં ભાડા વધારો પાછો ખેંચવા અથવા ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી.

આજે આગેવાનો રણજીત મુંધવા, ભાનુબેન સોરાણી, ભાવેશ પટેલ, દિલીપ આસવાણી, દિલીપ ચાવડા, અશોક પંજવાણી, મુકેશ પરમાર, મનોજ સાદરા, શૈલેષ રૂપાપરા, રમેશ તલાટીયા, કિસનસિંહ રાયજાદા, વિગેરે ઢેબર રોડ એસ. ટી. ડેપો ખાતે રામધુન બોલાવી-ધરણા યોજયા હતાં, ટ્રાફીક સજાર્યો હતો, પોલીસે દોડી આવી ૧૦ની અટકાયત કરી હતી, આવેદનમાં એસટીને નુકસાન થતુ હોય તો રાજય કે કોર્પોરેશન પાસેથી વસુલો તેવી પણ માંગણી કરી હતી.

(4:08 pm IST)