Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ખોડલધામ નવરાત્રી : નરેશભાઈ- અગ્રણીઓએ મહાઆરતી કરી

ખોડલધામ નવરાત્રી મહોત્સવ નોર્થ ઝોન : માતાજીની મહાઆરતીમાં નરેશભાઈ પટેલ અને અગ્રણીઓએ માતાજીની મહાઆરતી કરી : ખેલૈયાઓએ સાફા પહેરીને રાસ - ગરબાની રમઝટ બોલાવી : ભવ્ય આતશબાજી : હજારો ખેલૈયાઓએ મન મૂકી રાસ - ગરબા માણ્યા

રાજકોટઃ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરના ચાર ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. દરરોજ હજારો ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે નોર્થ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આઠમા નોરતે રવિવારે સાંજે ૭ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીમાં તમામ ટ્રસ્ટીઓ અને મહાનુભાવો પણ જોડાયા હતા. માતાજીની પધરામણી કરાઈ હતી બાદમાં ખેલૈયાઓએ સાફા પહેરીને રાસની રમઝટ બોલાવી હતી. મેદાન પર આતશબાજી કરાઈ હતી.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા નાના મવા સર્કલ પર પેટ્રોલપંપની બાજુના મેદાનમાં ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયેલું છે. રોશનીના ઝાકમઝોળ વચ્ચે યોજાઈ રહેલા નોર્થ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દરરોજ ૬ થી ૭ હજાર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે નવરાત્રિના આઠમા નોરતે તારીખ ૬ ઓકટોબરના રોજ સાંજે ૭ કલાકે નોર્થ ઝોન ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોએ આ મહાઆરતીમાં જોડાઈને માતાજીની આરાધના કરી હતી. ગરબા ગ્રાઉન્ડ પર સાંજે ૭ કલાકે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. સાથે જ માતાજીની પધરામણી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ તમામ ખેલૈયાઓએ રંગબેરંગી સાફા પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. બાદમાં ગ્રાઉન્ડ પર આતશબાજી કરવામાં આવી હોવાનું ખોડલધામ ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.

માતાજીની આ મહાઆરતીમાં નરેશભાઈ પટેલ ઉપરાંત, IAS, IPS કક્ષાના અધિકારીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ, અલગ-અલગ મીડિયા જૂથના તંત્રી-માલિક, ખોડલધામના કન્વીનરો, ખોડલધામ મહિલા સમિતિના સભ્યો, ખોડલધામ વિદ્યાર્થી સમિતિના સભ્યો, સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા પરિવારના સભ્યો, સામાજિક સંસ્થાઓના સભ્યો સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈએ આઠમના દિવસે માતાજીની મહાઆરતીનો અમૂલ્ય લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.

(1:08 pm IST)