Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સિધ્ધત્વની એકસ્પ્રેસમાં બેસવા માટેનું પ્લેટફોર્મ તે પર્યુષણ : પ્રભુ જેવી દ્રષ્ટિ જેની પાસે નથી તે દરેક સંસારના પેસેન્જર છેઃ પૂ. નમ્રમુનિ મ.સા.

કાલે ભાવદેહે મહાવિદેહ ક્ષેત્રની ભાવ યાત્રા કરી ભાવવિભોર બનશે ભાવિકો

  રાજકોટઃ તા.૭,શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ - સી.એમ.પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયના ઉપક્રમે ભવ્ય સમવસરણની સુંદર પ્રતિકૃતિ, મધુર મધુર વહેતાં પ્રભુ ભકિતના સૂરો, એક સાથે ૭૫ સંત-સતીજીઓનું  સાંનિધ્ય, અહોભાવથી પરિપૂજિત થઈને પધારેલાં ભાવિના ભગવાન એવા હજારો હજારો ભાવિકોથી શોભતી દિવ્ય ધર્મસભા સમાન  શ્રી ડુંગર દરબારમાં પર્વાધિરાજ પર્વની રજવાડી પધરામણી બાદ દ્વિતીય દિવસે હજારો ભાવિકો પ્રભુ દ્રષ્ટિ પામવાનો કલ્યાણકારી બોધ પામ્યાં હતાં.

ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૬ સંતો, શાસન ચંદ્રિકા પૂજય શ્રી હિરાબાઈ મહાસતીજી, અખંડ સેવાભાવી પૂજય શ્રી ભદ્રાબાઈ મહાસતીજી આદિ અનેક અનેક સંત સતીજીઓની ઉપસ્થિતિમાં ડુંગર દરબારમાં દ્વિતીય દિવસનાં નિયુકત કરવામાં આવેલાં સંઘપતિ   અર્ચનાબેન ભાવેશભાઈ પારેખ પરિવારના ભાવિકો દ્વારા અષ્ટમંગલના શુભ પ્રતિકો સાથે ગુરૂ ભગવંતોના પ્રવેશ વધામણાં કર્યા બાદ પારેખ પરિવારનું ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરીને સન્માન કર્યા બાદ રાષ્ટ્રસંત પૂજયશ્રીના કરકમલમા પારેખ પરિવારે અહોભાવથી આગમપોથી અર્પણ કરી હતી.

આ અવસરે ભાવિકોને અમૃતવાણી સમાન બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ સમજાવ્યું હતું કે, વર્ષે વર્ષે પર્વાધિરાજ પર્વ  આવી અને વિદાય લઈ લેતાં હોય છે. પરંતુ આ પર્વ દરમ્યાન જે પોતાની સેલ્ફને  ચેક કરીને ચેન્જ થઈ જાય છે તે, પોતાનાં અંતરનું શુધ્ધિકરણ કરી લે છે. એના જીવનમાં પર્યુષણ માત્ર ૮ દિવસ નહીં પરંતુ લાઈફ ટાઈમ માટે બિરાજમાન થઈ જતાં હોય છે. પર્વાધિરાજ પર્યુષણ તે સિધ્ધત્વની એકસપ્રેસમા બેસવા માટે એક પ્લેટફોર્મ છે, જયાંથી આગળ કોઈ ગતિ નથી હોતી, જયાંથી આગળ કોઈ દિશા નથી હોતી. એવી સિધ્ધત્વની યાત્રાના પ્રારંભ માટે એક દ્રષ્ટિ પ્રગટ કરવાની હોય છે જેને પરમાત્માએ અનેકાંત દ્રષ્ટિ તરીકે ઓળખાવી છે.

જયાં દરેક શકયતાનો સ્વીકાર હોય તે અનેકાંત દ્રષ્ટિ હોય છે. જેને અનેકાંત દ્રષ્ટિ પ્રગટ થાય છે, એને જ અરિહંતતાની પ્રાપ્તિ થતી હોય છે. જેની પાસે એકાંત દ્રષ્ટિ હોય છે તે સંસારનાં પેસેન્જર છે, અનેકાંત દ્રષ્ટિ તે પ્રભુની દ્રષ્ટિ છે. સામેવાળાના વિચારોને સમજવા, સામેવાળાની દ્રષ્ટિને સમજવી, એના પોઇન્ટ ઓફ વ્યુને સમજવું તે હોય છે પ્રભુ દ્રષ્ટિ જયાં પ્રભુ દ્રષ્ટિ હોય છે ત્યાં પહેલાં અન્યનો વિચાર હોય છે પરંતુ જયાં સંસાર દ્રષ્ટિ. હોય છે ત્યાં પહેલાં માત્ર પોતાનો જ વિચાર હોય છે.

સંસારમાં રહીને પણ અરિહંતતા પ્રગટવવા માટે અનેક અનેક પ્રવૃતિઓનું દ્રષ્ટાંત આપીને રાષ્ટ્રસંત પૂજયશ્રીએ સમજાવ્યું હતું કે, સંસાર દ્રષ્ટિ વાળા જીવ શોપીંગ માટે જાય તો ત્યાંથી માત્ર પદાર્થ ખરીદીને આવતાં હોય છે પરંતુ પ્રભુદ્ગષ્ટિનાં જીવ પદાર્થ ઓછા અને પુણ્ય વધારે લઈને પાછા આવતાં હોય છે એટલે કે સ્વયં માટે ઓછું અને અન્ય જરૂરિયાતમંદોનો વિચાર પહેલાં કરતાં હોય છે.

સિદ્ઘશીલાનાં દિવ્ય પ્રતિક પર તીર્થંકર બનીને બીરાજવાનો લાભ ઋષભભાઈ શેઠ,   મલયભાઈ પારેખ,  રાજેશભાઈ સંઘાણી,   અમીબેન કોઠારી અને કમલેશભાઈ લાઠીયાએ લીધેલ હતો. 

આ અવસરે ડુંગર દરબારમાં પધારેલાં દાઉદી વ્હોરા સમાજના  યુસુફભાઈ આદિ હાજર રહેલ. 

પૂજય શ્રી પરમ પવિત્રજી મહાસતીજીએ આ અવસરે ગુરુ ચરણ અને ગુરુ સમર્પણતાનું મહત્વ સમજાવીને સુંદર બોધ પ્રદાન કર્યો હતો. આ અવસરે

   અજયભાઇ શેઠ,  રીના બેન બેનાણી તેમજ   દાઉદી વ્હોરા સમાજના  યુસુફભાઈનું   મહાનુભાવો હસ્તે એમને શાલ અર્પણ કરીને તેમજ આત્માના સુંદર પ્રતિક અને શ્રી યંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

   આવતીકાલે પર્યુષણના તૃતીય દિવસે   શનિવાર સવારે ૮:૪૫ કલાકે રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે શ્રી સીમંધર સ્વામીના દર્શન કરવા માટે પ્રભુભૂમિ મહાવિદેહ ક્ષેતરની ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

 રોયલપાર્ક ઉપાશ્રયમાં સવારે રાષ્ટ્રસંત પૂજયશ્રીનાં સાંનિધ્યે ૭ થી ૮ કલાક ઇનર કલીનીગ કોર્સમાં, બપોરે પૂજય મહાસતીજીઓ દ્વારા પ્રેરિત જ્ઞાનવર્ધક કાર્યક્રમોમાં અને સવિશેષ નવદીક્ષિતા પૂજયશ્રી પરમ સંબોધિજી મહાસતીજીનાં સાંનિધ્યમાં રાત્રે ૮.૪૫ કલાકે ૧૫ થી ૪૦ વર્ષનાં બહેનો આત્મિક વિકાસનાં અનેરા માર્ગદર્શન મેળવી ધન્ય બની રહ્યા છે.

સર્વને લાભ લઈને પર્યુષણ સાર્થક કરવા શ્રીસંઘ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

(4:39 pm IST)