Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

'અકિલા ચોક'માં કોંગ્રેસના ઉપવાસઃ ગુજરાત ભાજપ ખેડૂત વિરોધીના આક્ષેપો

પ્રદેશ કોંગ્રેસની કોર કમિટીના સભ્ય અને બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલની ખાસ ઉપસ્થિતિઃ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત, જિલ્લા પ્રમુખ હિતેષ વોરા સહિત ૧૦ કોંગી આગેવાનો કાલે સવારે ૧૧ વાગ્યા સુધી ખેડૂતોને દેવા માફીની માંગ સાથે ૨૪ કલાકના ઉપવાસ કરશે

ખેડૂત વિરોધી સરકાર જાગેઃ આજે સવારે ૧૧ વાગ્યાથી આવતીકાલે સવારે ૧૧ વાગ્યા સુધી ખેડૂતોને દેવા માફીની માંગ સાથે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના અકિલા ચોક (જિલ્લા પંચાયત કચેરી) ખાતે ૨૪ કલાકના ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે વખતની તસ્વીરમાં અમદાવાદ બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, વાંકાનેર ધારાસભ્ય પીરજાદાની ઉપસ્થિતિમાં ૨૪ કલાક ઉપવાસ-ધરણા પર બેઠેલ મહેશ રાજપૂત કાર્યકારી પ્રમુખ રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ, હિતેશ વોરા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ, નરેશ સાગઠીયા એસ.સી. ડીપાર્ટમેન્ટ ચેરમેન, રાજેશભાઈ આમરણીયા ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ ચેરમેન, યુનુસ જુણેજા માઈનોરીટી ચેરમેન, ભાર્ગવ પઢીયાર પૂર્વ પ્રમુખ આઈ.ટી. સેલ, ચંદુભાઈ શીંગાડા જીલ્લા પંચાયત સદસ્ય, મેઘજીભાઈ સાકરીયા જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ, વિશાલ દોંગા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી, દિલીપ સોજીત્રા કોંગ્રેસ અગ્રણી ૨૪ કલાક ઉપવાસ પર બેઠેલા તે સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ડો. હેમાંગભાઈ વસાવડા, અશોકભાઈ ડાંગર, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઈ ત્રિવેદી, અર્જુનભાઈ ખાટરીયા તથા કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૭ :. આજથી રાજયભરમાં જિલ્લા મથકોએ કોંગ્રેસ દ્વારા ખેડૂતોને દેવા માફી સહિતના પ્રશ્ને રાજય સરકારને ઢંઢોળવા માટે ર૪ કલાકનું ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટનાં ''અકિલા ચોક'' (જિલ્લા પંચાયત રેસકોર્ષ) ખાતે ર૪ કલાકનું ઉપવાસ આંદોલન સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયું હતું.

આ અંગે શહરે કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતનાં જણાવ્યા મુજબ આજે સવારે ૧૧-વાગ્યાથી આવતીકાલે સવારે ૧૧ વાગ્યા સુધી એમ કુલ ૨૪ કલાક માટે કોંગ્રેસના ૧૦ આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે. જયારે અન્ય કોંગી અગ્રણીઓ ઉપવાસ છાવણીમાં બેસી અને પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.

આ ઉપવાસ આંદોલનમાં પ્રદેશ કોંગ્રેસના કોર કમિટીનાં સભ્ય અને બાપુનગરમાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહયા છે.

જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ મેઘજીભાઇ સાકરીયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિશાલ દોંગા, જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઇ શીંગાળા, નરેશભાઇ સાગઠિયા, રાજુભાઇ આમરણીયા, ભાર્ગવ પઢિયાર, યુનુસ જુણેજા તથા દિલીપભાઇ સોજીત્રા વગેરે આગેવાનો આજે સવારે ૧૧ થી આવતીકાલે સવારે ૧૧ સુધી ૨૪ કલાકનાં ઉપવાસ કરી ખેડૂતોને દેવા માફી સહિતના મુદ્દે સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો. જયારે રાજકોટ-શહેર જિલ્લાનાં અન્ય કોંગી આગેવાનો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.

આ ઉપવાસ આંદોલનમાં ખેડૂતોની વિવિધ માંગણીઓ જેવી કે ખેડૂતોના દેવા માફ કરો, ખેડૂતોની જણસના પોષણક્ષમ ભાવ આપો, ખાતર પરના વેરા નાબુદ કરવામાં આવે, ખેતીની પુરતી સુવિધાઓ જરૂરી કરવામાં આવે. પાક વિમાની ચુકવણી કરવામાં આવે. ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા, ખેડૂતોની સંખ્યા ઘટી, ખેતીની જમીન ઘટી, ખેત મજદુરોની સંખ્યા વધી, ગૌચરની જમીન ગાયબ અને પશુપાલક પરેશાન, કૃષિ મેળાના નામે સ્વપ્રસિદ્ધિ મેળા બંધ થાય, જમીન માપણીના નામે ખેડૂતોને મોટા અન્યાય થઈ રહ્યા છે જે અન્યાય દૂર કરવા માંગ ઉઠાવાયેલ.

આ પ્રસંગે હિંમતસિંહ પટેલે જણાવેલ કે, ગુજરાત ભાજપ અને તેની સરકાર ખેડૂત વિરોધી અને પ્રજા વિરોધી માનસ ધરાવે છે. દેશના અન્ય રાજ્યોમાં દાખલા રૂપી દિલ્હી, પંજાબ, કર્ણાટકા સહિતની ભાજપ સિવાયના પક્ષોની જ્યાં સરકાર છે ત્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે અને યુપીએ સરકાર દ્વારા ભારતભરના ખેડૂતોનું દેણું માફ કરેલ હતું તો હાલની આ ખેડૂત વિરોધી ભાજપ સરકાર શા માટે ખેડૂતોના દેવા માફ નથી કરતી ?

દેશની આર્થિક કરોડરજ્જુ ભાંગી નાખનારા અને પ્રજાના પૈસા ડૂબાડનાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરી આપનાર આ ભાજપ સરકાર રાજ્યના લાખો ખેડૂતોની માંગણીઓની શા માટે અવગણના કરે છે તેવું મહેશભાઈ રાજપૂત તેમજ હિતેશભાઈ વોરાએ જણાવેલ હતું.

(3:57 pm IST)