Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શહેરના ૮૯૪ બુથ પર મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ કમલેશ મિરાણી

નવુ નામ ઉમેરવા કે ક્ષતિ સુધારવાની કામગીરી થશે

રાજકોટ તા.૭: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ જિલ્લા સહિત રાજયભરમાં આગામી તા.૧-૯-૨૦૧૮ થી તા.૧૫-૧૦-૨૦૧૮ સુધીનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો મુસદ્દો કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કર્યો છે. જેમાં મતદારો વિનામુલ્યે કલેકટર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી, મતદાર નોંધણી અધિકારી / પ્રાંત અધિકારીની કચેરી, ગ્રામ પંચાયતની કચેરી, મામલતદાર કચેરી સહિતના સ્થળોએ મતદારો નવી નોંધણી તેમજ જરૂરી સુધારા-વધારાની કાર્યવાહી કરી શકશે.

૧-૧-૨૦૧૯ની સ્થિતિએ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમરના નાગરિક નામ નોંધાવવા માટે અરજી કરી શકશે. તમામ બુથો પર બી.એલ.ો. હાજર રહેશે. તા. ૧૬-૯-૧૮ તથા ૩૦-૯-૧૮ અને ૧૪-૧૦ રવિવારના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે ૧૦ થી સાંજેે પ કલાક દરમ્યાન દરેક વિસ્તારના મતદાન મથકોએ પણ બીએલઓ મારફત ફોર્મના નમુના મેળવી શકાશે તેમજ ભરેલ અરજીઓ તે સ્થળે પરત આપી શકાશે.

નવા મતદારોના નામ ઉમેરવા, બાકી રહી ગયેલા મતદારોના નામ નોંધવા, સરનામામાં ફેરફાર તેમજ અન્ય સુધારા-વધારાઓ કરવામાં આવશે.

ઉપરાંત મતદાર યાદીની સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવવા, ફોટો મતદાર યાદીમાં આપનુ નામ છે કે નહી? કુટુંબના લાયક સભ્યોના નામ મતદાર યાદીમાં છે કે નહીો આપ જે મતદાન મથકના વિસ્તારમાં રહો છો તે જ વિસ્તારમાં આપનું નામ છે કે નહી? તે અંગે કલેકટર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ કચેરી, મતદાર નોંધણી અધિકારી / પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીનો સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકાશે.

શહેરીજનોને આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ અંતર્ગત મતદાર યાદીમાં નામ નોંધાવવા, જરૂરી સુધારા-વધારા કરાવવા માટેની અમુલ્ય તકનો લાભ લેવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી,કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યોં છે.

(3:54 pm IST)