Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

તે ગામની જ છોકરી સાથે લગ્ન કરી ગામની આબરૂના ધજાગરા કર્યા છે...તેમ કહી ભાવેશ પટેલને મારકુટ

વાડી વેંચી ગામ છોડી ભાગી જવાની પણ સતત ધમકીઃ અરજી કરતાં પાછી ખેંચી લેવાનું કહી ધમકાવ્યોઃ સરધાર પાસેના હડમતીયા ગોલીડા ગામના લેઉવા પટેલ યુવાનને ૨૦૦૭થી ગામના જ મેસુર ડાંગર અને તેનો પુત્ર ચિરાગ ધમકાવે છેઃ અંતે બંને સામે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૭: સરધારના હડમતીયા ગોલીડા ગામમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ભાવેશ બાવાભાઇ હાપલીયા (ઉ.૩૭) નામના લેઉવા પટેલ યુવાને ગામમાં ને ગામમાં તેની જ જ્ઞાતિની યુવતિ સાથે લગ્ન કર્યા હોઇ તે બાબતે આહિર શખ્સોએ ખાર રાખી 'તે કેમ ગામની જ છોકરી સાથે લગ્ન કર્યા?' તેમ કહી વાડી વેંચી ગામ છોડી ભાગી જવાનું કહી માર મારી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આજીડેમ પોલીસે આ બારામાં ભાવેશ હાપલીયાની ફરિયાદ પરથી હડમતીયા ગોલીડાના જ ચિરાગ મેસુરભાઇ ડાંગર અને તેના પિતા મેસુરભાઇ રાવતભાઇ ડાંગર સામે ગુનો નોંધ્યો છે. ભાવેશના કહેવા મુજબ પોતે પાંચ ભાઇ બહેન છે. ચારેય બહેનોના લગ્ન થઇ ગયા છે. ૨૦૦૭મા તેણે ગામમાં જ પટેલ જ્ઞાતિની યુવતિ સાથે લગ્ન કર્યા છે. ત્યારથી જ ગામના મેસુરભાઇ અને તેના પુત્ર ચિરાગે કેમ ગામમાં ને ગામમાં લગ્ન કર્યા? તેવું કહી માથાકુટ કરી હતી. એ પછી તે આ કારણોસર અવાર-નવાર ધાકધમકીઓ આપતાં હતાં. ત્રણ મહિના પહેલા પણ પોતે ઘરેથી બાઇક લઇને વાડીએ જતો હતો ત્યારે આ પિતા-પુત્રએ ઉભો રાખી તે ગામમાં ને ગામમાં લગ્ન કરીને ગામની આબરૂના ધજાગરા કર્યા છે...તેમ કહી ગાળો દીધી હમતી અને માર માર્યો હતો. તેમ જ વાડી વેંચી ગામ છોડી ભાગી જવાની ધમકી આપી હતી.

એ પછી પણ જ્યારે પણ આ બંને સામે મળતાં ત્યારે ગામ છોડી ભાગી જવાની ધમકી આપતાં હતાં. આ બંનેથી કંટાળીને હવે પોલીસ કમિશ્નરને અરજી કરતાં તે બાબતો ખાર રાખી ગઇકાલે ચિરાગે ફોન કરી અરજી પાછી ખેંચી લેવાની ધમકી આપી જો ચોવીસ કલાકમાં ગમે ત્યાંથી ગોતી લઇ મારી નાંખશે તેવી ધમકી આપી હતી. આથી ગભરાઇને પરિવારજનોને વાત કરતાં ગઇકાલે આજીડેમ પોલીસમાં ફરિયાદ કરી છે. પીએસઆઇ જી.એન. વાઘેલાએ વિશેષ તપાસ શરૂ કરી છે. (૧૪.૧૦)

(1:44 pm IST)