Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

યુવાન, વૃધ્ધા અને વૃધ્ધે ઝેર પી મોત મીઠુ કર્યુ

ગાયત્રી સોસાયટીના દોલતભાઇ ડોડીયા (ઉ.૪૩) આર્થિક ભીંસથી અને શ્રીનાથજીના ગીતાબેન વસાણી (ઉ.૫૮) માથાના દુઃખાવાથી કંટાળ્યા'તાઃ મનહરપુરના મગનભાઇ મકવાણા (ઉ.૬૩)ના આપઘાતનું કારણ અકળ

રાજકોટ તા. ૭: ત્રણ જુદા-જુદા બનાવોમાં એક યુવાન, એક વૃધ્ધા અને એક વૃધ્ધે ઝેર પી મોત મીઠુ કરી લીધું હતું. 

પ્રાપ્ત માહિતી મુજબ  મોરબી રોડ પર ગાયત્રી સોસાયટીમાં રહેતાં દોલતભાઇ માવજીભાઇ ડોડીયા (ઉ.૪૩) નામના કારડીયા રજપૂત યુવાને આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

દોલતભાઇએ તા. ૪ના રોજ ઝેરી દવા પી લેતાં જલારામ હોસ્પિટલમાં અને ત્યાંથી ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર દોલતભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે કરિયાણાની દૂકાન ચલાવતાં હતાં. કેટલાક સમયથી આર્થિક સંકડામણ ઉદ્દભવી હોઇ તેના કારણે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

બીજા બનાવમાં મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૮માં રહેતાં પ્રજાપતિ ગીતાબેન અમૃતલાલ વસાણી (ઉ.૫૮) નામના વૃધ્ધાએ ગઇકાલે સાંજે ઘરે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ યુ. બી. પવાર અને કલ્પેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. માથાના દુઃખાવાથી કંટાળનીે આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ફર્નિચર કામની મજૂરી કરે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. વિશેષ તપાસ પીએસઆઇ એ. આર. મલેક કરી રહ્યા છે.

ત્રીજા બનાવમાં જામનગર રોડ પર દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મનહરપુરના ઢોળે રહેતાં મગનભાઇ લાખાભાઇ મકવાણા (અનુ. જાતી) (ઉ.૬૩) નામના વૃધ્ધે સાંજે ઘરે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે મજુરી કરતાં હતાં. આપઘાતનું કારણ જાણવા યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ કે. આર. કાનાબારે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

(1:43 pm IST)